નવજીવન ન્યૂઝ. બોટાદ: બોટાદમાં ગત સોમવારે થયેલા લઠ્ઠાકાંડની તપાસ હાલ ગુજરાતનાં બે IPS ઓફિસર નિર્લિપ્ત રાય અને જ્યોતિ પટેલને સોંપવામાં આવી છે. આ કેસમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓનો જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા, ત્યાર બાદ લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી હતી કે આ કેસમાં પોલીસની સાથે સરકાર પણ એટલી જ જવાબદાર છે. સરકારને આ અટકળોનો જવાબ આપવા માટે જરૂરી હતી કે કોઈ બાહોશ અધિકારી જે કોઈ પણ પ્રકારના દબાવમાં આવ્યા વગર આ કેસની તપાસ કરે, જેના કારણે જ હવે આ તપાસમાં IPS નિર્લિપ્ત રાયને સામેલ કરવામાં આવ્યા છે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
આ કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 56 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, જેના કારણે ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ અને બોટાદ SP વિરેન્દ્રસિંહ યાદવ અને કરણરાજ વાઘેલાની બદલી ઉપરાંત અન્ય 8 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે હવે IPS નિર્લિપ્ત રાયને બોટાદ અને અમદાવાદમા થયેલા આ લઠ્ઠાકાંડની તપાસ સોંપતા તેમણે આરોપીઓ સામેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ લઠ્ઠાકાંડમાં વાપરવામાં આવેલું મિથાઈલ કેમિકલ કથિત રીતે આમદવાદની AMOS કંપનીમાંથી ચોરી કરવામાં આવ્યું હતું તેવું એક આરોપી જયેશ દ્વારા પોલીસને કહેવામા આવ્યું છે.
જોકે આ આરોપો લાગ્યા બાદ કંપનીના માલિક સમીર પટેલ ફરાર છે. તપાસ નિર્લિપ્ત રાયના હાથમાં ગયા પછી તેમણે સૌથી પહેલા આ AMOS કંપનીના માલિક સામે કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોની જાણકારી મુજબ નિર્લિપ્ત રાયે તપાસ સાંભળતા જ AMOS કંપનીના ચાર ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુ પટેલ, પંકજ પટેલ અને રજિત ચોકસીને બરવાળા પોલીસ સ્ટેશને હાજર થવા હુકમ કર્યો છે. AMOS કંપનીમાંથી આ કેમિકલ ચોરાયું હતું કે નહીં તે હવે આગળની તપાસમાં જ સામે આવશે.








