Wednesday, July 29, 2026
HomeGujaratડેડીયાપાડા ગ્રામ પંચાયત કર્મીની આત્મહત્યા, BTP અને BJP નેતા વિરૂદ્ધ ફરિયાદ 

ડેડીયાપાડા ગ્રામ પંચાયત કર્મીની આત્મહત્યા, BTP અને BJP નેતા વિરૂદ્ધ ફરિયાદ 

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા શંકર સોનજી વસાવાએ અચાનક ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુજરાત પ્રદેશ બી.ટી.પી કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવા વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધાઈ છે. બીજી બાજુ મૃતકની પત્નીએ પોતાનાં પતિને આત્મહત્યા કરવા મજબૂર કરવા માટે ભાજપના જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા અને એમના પિતા દીવાલ વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

હવે ગુજરાત પ્રદેશ બી.ટી.પી કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા બી.ટી.પી નું 1 ઓગષ્ટે ડેડીયાપાડા બંધનું એલાન આપ્યું છે. ડેડીયાપાડા પોલીસ આ બંધને સફળ થવા દે છે કે પછી નિષ્ફળ બનાવવા પ્રયત્ન કરે છે એની પર સૌની નજર છે. આ બંધને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે હાલ તો ડેડીયાપાડામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે આ મુદ્દે ભાજપના જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવાએ જણાવ્યું હતું કે અમને ફસાવવાનું રાજકીય કાવતરું છે, આ ઘટના ઘટી ત્યારે હું અને મારા પિતા ત્યાં હાજર નહોતા. ફોન ટ્રેસ કરી લોકેશન ટ્રેશ કરાશે તો સત્ય સામે આવી જશે.

- Advertisement -

આ સમગ્ર વિવાદ ડેડીયાપાડામાંથી બી.ટી.પી ની ઝંડીઓ ઉતરી લેવા મુદ્દે થયો હતો. ડેડીયાપાડા ગ્રામ પંચાયતની દરમિયાનગીરીથી બી.ટી.પી ની ઝંડીઓ ઉતારી લેવાય હતી પરંતુ ઝંડીઓ ઉતારી એ મુદ્દે પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. હવે ડેડીયાપાડાના મહિલા સરપંચ વર્ષાબેન દેવજીભાઈ વસાવાએ બી.ટી.પી નેતા ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આત્મહત્યા કરનાર શંકર સોનજી વસાવાને ઝંડીઓ ઉતારી લેવા બાબતે ચૈતર વસાવાએ (રહે. બોગજ તા. ડેડીયાપાડા) ધાક ધમકી આપતા એણે ગભરાઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી છે.

આ તમામની વચ્ચે મૃતક શંકર સોનજી વસાવાની પત્ની ગીરજાબેન શંકરભાઈ વસાવા સહીત બી.ટી.પી ના આગેવાનો અને આદિવાસી મહિલાઓ નર્મદા જિલ્લા પંચાયત ભાજપ સભ્ય હિતેશ વસાવા અને એમના પિતા દીવાલ વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા ડેડીયાપાડા પોલીસ મથકમાં પહોંચી જતા પોલીસમાં દોડધામ મચી હતી. મૃતકની પત્નીએ લેખિત ફરિયાદ આપતા જણાવ્યું હતું કે “મારા પતિને દીવાલ શેઠે પંચાયત કચેરીએ બોલાવ્યો હતો. પતિ ઘરે પરત આવતા મને જણાવ્યું કે મારી પાસે ખોટા કામો કરાવાય છે, જો ના પાડીએ તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપે છે. જો મને નોકરીમાંથી કાઢી મૂકશે તો હું પરિવારનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવીશ. જેથી મારા પતિ ભારે માનસિક તાણમાં રેહતા હતા અને 27 મી તારીખે માનસિક તાણ અનુભવતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ ઘટના બાદ શંકર સોનજી વસાવાનું સારવાર દરમિયાન સુરત દવાખાનાંમાં મોત નીપજ્યું છે. બી.ટી.પી ના આગેવાનો ડેડીયાપાડા ખાતે દોડી આવી મૃતકની પત્નિની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી રહ્યા હતા, સાથે સાથે પોલીસ મથકમાં જ મરણના મરશિયા અને રામધુન ગાવાનું શરૂ કર્યું છે. જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી તેની લાશ સુરતથી નહીં લાવવાની જીદ પકડીને તેઓ બેઠા છે. મૃતકની પત્ની સહિત અન્ય લોકોના આંદોલન બાદ ડેડીયાપાડા પોલીસ મથકમાં ભાજપના જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા અને એમના પિતા દીવાલ વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

- Advertisement -

(આભારસઃ વિશાલ મિસ્ત્રી, રાજપીપળા)

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular