Health check-ups for alcoholics in Madhya Pradesh : દારૂ ખરીદવા આવેલા લોકોનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે… આ દ્રશ્ય કોઈ હોસ્પિટલનું નહીં, પરંતુ મધ્યપ્રદેશના સાગર જિલ્લાની એક દારૂના ઠેકા (દુકાન)નું છે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બંડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પ્યાસીઓના મોત (Hooch tragedy in Sagar district of Madhya Pradesh) બાદ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ પહેલ ચર્ચાનો વિષય બન્યો છે.
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દારૂ પીનારાઓના આરોગ્યની દેખરેખ માટે આરોગ્ય વિભાગ અને આબકારી વિભાગે એક પહેલ શરૂ કરી છે. સાગર જિલ્લાના બંડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા પ્યાસીઓ અગાઉથી જ કોઈ બિમારી ધરાવતા હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કલેક્ટર દિલીપ કુમાર યાદવ (Dileep Kumar Yadav) ના આદેશથી આરોગ્ય વિભાગ, આબકારી વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ દારૂની દુકાનોની બહાર આરોગ્ય તપાસ કરી રહી છે. તપાસની સાથે દારૂથી થતા નુકસાન અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
સાગર જિલ્લાના બીના વિસ્તારમાં દારૂની દુકાન બહાર આરોગ્ય તપાસ કેમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ અને આબકારી વિભાગની સંયુક્ત ટીમે દારૂ ખરીદવા આવેલા પ્યાસીઓનું આરોગ્ય તપાસ્યું હતું. કેટલાક લોકોના લીવર, કિડની અને અન્ય આરોગ્ય પરિમાણોની તપાસ માટે તેમના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા.






