Woman burnt alive in Gujarat over interest collection : વ્યાજખોરીના દૂષણે ગુજરાત (Scourge of usury in Gujarat) માં અનેક લોકોનો ભોગ લીધો છે. ક્યાંક હત્યા તો ક્યાંક આત્મહત્યાના બનાવો નોંધાયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) છેલ્લાં ત્રણેક વર્ષથી વ્યાજખોરીના દૂષણને ડામી દેવા માટે Gujarat Police ને કડક હાથે કામ કરવાના આદેશ આપી ચૂક્યા છે અને આપતા રહે છે, પરંતુ રાજ્યમાં સ્થિતિ કંઈક અલગ છે. પાટણમાં વ્યાજખોરે 5 હજારની મામૂલી રકમની ઉઘરાણીમાં એક વિધવા મહિલાને જીવતી સળગાવી દીધી છે. હત્યા કરવા જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવનાર વ્યાજખોર બાબુ રાવળ દાઝી જતાં તેને સારવાર માટે હોસ્ટિપલમાં ખસેડાયો છે. આ મામલે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Patan City A Division Police Station) ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પાટણના ખાલકપુરા વિસ્તારમાં પિન્કીબહેન ભરતભાઈ પટણી (ઉ.35) તેમની પુત્રી અને પુત્ર સાથે રહેતા હતા. પિન્કીબહેનના પતિ છ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે. રૂપિયાની જરૂર હોવાથી પિન્કીબહેને બાબુ રાવળ નામના શખસ પાસેથી 5 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. ગત 12 જુલાઈના રોજ બપોરે ત્રણેક વાગે બાબુ શંકરભાઈ રાવળે પિન્કીબહેન પાસે વ્યાજ અને 5 હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. પૈસાની વ્યવસ્થા નહીં હોવાથી પિન્કીબહેન ટાંકવાડામાં રહેતા જીતુભાઈ પંચાલના ઘરે ગયા હતા અને થોડા દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપી દઈશ તેમ જણાવ્યું હતું. આ દરમિયાન બાબુ રાવળ પ્લાસ્ટીકની ડોલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને લાવ્યા હતા અને પિન્કીબહેન ઉપર રેડી દઈ આગ ચાંપી દીધી હતી. પિન્કીબહેનને જીવતા સળગાવી દેતી વખતે બાબુ રાવળ પણ આગની જ્વાળા લાગી જતાં દાઝી ગયા હતા. જેથી પિન્કીબહેન અને બાબુ રાવળને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં પિન્કીબહેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.








