Monday, September 7, 2026
HomeGeneralપાઈપલાઈન નાખી અમારા ખેતર કેમ બરબાદ કરો છો સરકાર? ગીર સોમનાથમાં આંદોલનના...

પાઈપલાઈન નાખી અમારા ખેતર કેમ બરબાદ કરો છો સરકાર? ગીર સોમનાથમાં આંદોલનના મંડાણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોડીનાર: Kodinar News: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ગીર ગઢડા વિસ્તારના ખેડૂતો (Farmers) ખેતરમાંથી ગેસ પાઈપલાઈન (Gas Pipeline) પસાર થવા મામલે રોષે ભરાયા છે. જેમાં GSPL કંપની દ્વારા જાફરાબાદના લોઢપુરથી કોડીનારના છારા ગામ ખાતે આવેલી સાપોરજી પાલોનજી કંપની સુધી ગેસ પાઈપલાઈન પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ગેસ પાઈપલાઈનના કારણે કેટલાક ખેડૂતોને જમીન બે ભાગમાં બટાઈ જાય તેવી ભિતી છે. એવામાં આજરોજ સનવાવ ગીર ગઢડા (Gir Gadhada)અને કોડીનાર (Kodinar) તાલુકાના ખેડૂતો ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન (Farmers Protest) કર્યું હતું.

Gir Somnath Farmers Andolan
Gir Somnath Farmers Andolan

ઘટનાની વિગત એવી છે કે, ગુજરાતની GSPL કંપની દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોથવા ગામથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ સુધી ગેસની પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. છારા એલ.એન.જી પાઈપલાઈનના નામથી ઓળખાતા આ પ્રોજેક્ટમાં વચ્ચે ગીર વાઈલ્ડ લાઈફ સેંક્ચ્યુરીનો પણ હિસ્સો આવતો હોય જંગલમાંથી પણ પાઈપલાઈન પસાર થઈ છે. ત્યારે હવે આ કામ કોડીનાર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગીર ગઢડા અને કોડીનારના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોની ચિંતા પણ વાજબી છે કારણ કે કેટલાક કિસ્સામાં ખેડૂતોના ખેતરમાં વચ્ચેથી આ લાઈન પસાર થઈ રહી છે. વળી આ કામ માટે 31 મીટર જમીન માત્ર રૂપિયા 7200માં સંપાદન કરવામાં આવી હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે.

- Advertisement -

ખેડૂતોએ આ ગેસલાઈન વિરૂદ્ધ આક્રોશના પગલે આજરોજ સોમવારે ગીર ગઢડાના સનવાવ ગામ ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા. જેમાં ખેડૂતોએ કંપની દ્વારા ચાલી રહેલા કામની સામે જ મોર્ચો માંડી કામ અટકાવવા માગણી કરી હતી. આ તકે કામ કરી રહેલા સુપરવાઈઝર અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી.

શા માટે ખેડૂતો કરે છે વિરોધ?

ખેડૂતોનું માનવું છે કે આ ગેસ પાઈપલાઈન માટે 31 મીટર જેટલી જમીન સંપાદન કરવામાં આવી રહી છે. વળી આ માટે વળતર પેટે પણ ગૂંઠા દિઠ માત્ર રૂપિયા 7100 ચૂકવવામાં આવી રહ્યા છે. ઉપરાંત સંપાદીત થયેલી જમીન પરથી પાણીની પાઈપ લાઈન ન નાંખી શકાય કે કોઈ પાકની વાવણી સુદ્ધા ન કરી શકાય તેવા નિયમો છે. જેના કારણે ખેડૂતોના ખેતર બે ભાગમાં વહેંચાઈ જાય અને ખેતી કરવી પણ મુશ્કેલ બની જાય.

ક્યાંથી ક્યાં સુધી જઈ રહી છે પાઈપલાઈન?

GSPL કંપની દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદના લોઢપુર ગામથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ સુધી આ પાઈપલાઈન પહોંચાડવામાં આવી રહી છે. આ પાઈપલાઈન ખેડૂતોના કહેવા મુજબ સાપુરજી પાલોનજી કંપની માટે ફીટ કરવામાં આવી રહી છે. આમ ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

- Advertisement -

કોણે કર્યા પ્રદર્શન ?

આ પાઈપલાઈનના પ્રોજેક્ટનો વિરોધ કરતા સ્થાનિક કોંગ્રેસી આગેવાન પ્રદિપ ડોડીયાની આગેવાનીમાં ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના ગ્રામજનો ધરણા પ્રદર્શન પર પહોંચ્યા હતા. પ્રદીપસિંહ ડોડીયા,મહિપતસિંહ ડોડીયા, રોહિતસિંહ બારડ સહિત આસપાસના ખેડૂત આંદોલન માં જોડાયા..

TAG: Gir Somnath News, Kodinar Farmers Protest, Gas Pipeline, Farmers Andolan

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular