Lattha Kand in Madhya Pradesh : ગુજરાતના ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડ (Bhavnagar Lattha Kand) સર્જાયાને હજુ મહિનો પણ નથી થયો. ભાવનગરમાં ઝેરી દારૂ બનાવવા માટે બુટલેગર ગૌતમ સોલંકીએ મધ્યપ્રદેશની ટોળકીની મદદ લીધી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ (Team SMC) હજુ પણ કેટલાંક ફરાર આરોપીઓની ધરપકડ કરવા મથી રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશના સાગર જિલ્લા (Sagar Madhya Pradesh) માં લઠ્ઠાકાંડ સર્જાતા 14 પ્યાસીઓના ટપોટપ મોત થઈ ગયા છે. 100 લોકો સારવાર હેઠળ છે અને મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
લઠ્ઠાકાંડમાં 14ના મોત, 100 પ્યાસીઓને હોસ્પિટલ
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં સર્જાયેલા ઝેરી દારૂ કાંડમાં 14 લોકોના મોત થતાં સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે. ઝેરી દારૂ પીવાના કારણે સાગર જિલ્લાના ચાર ગામના લોકોને મોટી અસર થઇ છે. ઝેરી દારૂ પીનારા 100 પ્યાસીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી કેટલાંકની હાલત ખૂબ જ નાજૂક છે. કલેક્ટર પ્રતિભા પાલે લોકોને અપીલ કરી છે કે, જો છેલ્લાં 24 થી 48 કલાકમાં કોઈપણ પ્રકારનો દારૂ પીધો હોય અથવા ઝેરી દારૂના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો તરત જ સ્ક્રીનિંગ કરાવો. તેમણે કહ્યું કે, સ્થાનિક ડોકટરોની ટીમનો સંપર્ક કરો અથવા સીધા સિવિલ હોસ્પિટલ પહોંચીને તપાસ કરાવી શકો છે.
ભાવનગરના લઠ્ઠાકાંડમાં મધ્યપ્રદેશનું કનેકશન
ભાવનગરના વરતેજમાં રહેતા લિસ્ટેડ બુટલેગર ગૌતમ સોલંકીએ જિલ્લામાં દારૂનો ધંધો ચલાવવા પોતાના ઘરમાં જ ફેક્ટરી બનાવી દીધી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનના મો.રઈશ અન્સારી અને તેની ટોળકીને નકલી વિદેશી દારૂ બનાવવા માટે ભાવનગર બોલાવ્યો હતો. આ ટોળકીમાં નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટર પણ સામેલ હતો. જેણે મિથેનોલ મિશ્રિત નકલી વિદેશી દારૂ બનાવતા ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ લઠ્ઠાકાંડમાં દારૂ બનાવનાર નરેન્દ્ર ઉર્ફે ડોક્ટર સહિત 14 પ્યાસીઓના મોત થયા છે. લઠ્ઠાકાંડ કેસની તપાસ કરી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે અત્યાર સુધીમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 39 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે કેટલાંક આરોપીઓ હજુ પણ ફરાર છે








