કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજ (Adivasi) માટે અવાજ ઉઠાવી શકે તેવા ગણ્યાગાંઠ્યા છે; અને તેમાંય કોઈ માત્રને માત્ર આદિવાસી સમાજના અન્યાય સામે જ લડતા હોય તેવાં તો જૂજ મળશે. યુવાન કર્મશીલ રોમેલ સુતરિયા (Romel Sutariya) તેમાંના એક હતા. 34 વર્ષના રોમેલ સતત આદિવાસી સમાજના પ્રશ્નોને છેલ્લા દોઢ દાયકાથી ઉઠાવતા રહ્યા હતા. કમનસીબે તેમનું આજ રોજ હૃદયરોગના હૂમલામાં (Heart Attack) અવસાન થયું.
રોમેલને જ્યારે જ્યારે મળાયું ત્યારે આદિવાસી મુદ્દાની વિગતે ચર્ચા થઈ છે અને તેમની નિસબત હંમેશા તેમના શબ્દોમાં ઝળકતી હતી. તેમના ફેસબુક અકાઉન્ટ પર આજે પણ તેમની ઓળખરૂપી જે શબ્દો મૂક્યા છે તે આ છે : “खुदको बदलते हुए एक बहेतर समाज की दिशा मे थोडा जले के अंधेरा बहुत है”. સમાજને ન્યાયી, સમતાપૂર્ણ અને ભેદભાવરહિત જોવાની ઇચ્છા રાખનારા તો ઘણાં છે, પરંતુ તે માટે જમીની સ્તરે જઈને કામ કરવું હંમેશા પડકારભર્યું રહ્યું છે. રોમેલ આ પડકારને ઝિલ્યો હતો અને તે માટે સતત સંઘર્ષ સ્વીકાર્યો.
રોમેલ યુવા વયે દુનિયાને અલવિદા કહી ગયો, પણ તેમના થકી આદિવાસી સમાજના અનેક પ્રશ્નોના ઉકેલ આવ્યા. 2014ના અરસામાં થયેલું વ્યારા આદિવાસી આંદોલનનું નેતૃત્વ રોમેલે કર્યું હતું. રોમેલની તે વખતે ઉંમર 25 વર્ષની હતી. આ આંદોલનની શરૂઆત વ્યારા સ્થિત આદિવાસી ખેડૂતો દ્વારા થઈ હતી. આંદોલનનું કારણ હતું તેમની પાસેથી ખરીદેલી 93 હજાર ટન શેરડીનું પિલાણ થયું, પણ તેના નાણાં 1300 આદિવાસી ભાઈઓને ન મળ્યા. પહેલાં તો તેની રજૂઆતો થઈ, સભાઓ ભરવામાં આવી, પરંતુ નાણાં મળ્યા નહીં. આખરે આદિવાસી ખેડૂત સંઘની સ્થાપના થઈ અને તેનું નેતૃત્વ રોમેલને સોંપવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં રહેતા રોમેલ વ્યારાના આદિવાસીઓના સંઘનું નેતૃત્વ કરતા હતા. આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદિત કર્યા વિના આ શક્ય ન બને. રોમેલના નેતૃત્વમાં રોમેલ અને આદિવાસી ખેડૂત સંઘના પ્રતિનિધિઓ પહેલા રાજ્યપાલને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા અને તે પછી વિધાનસભા ખાતે વિરોધ પ્રદર્શન કર્યા, તેમ છતાં તેમાં આદિવાસી ખેડૂત ભાઈનો અવાજ કોઈએ ન સાંભળ્યો. આખરે અહિંસક આંદોલન શરૂ કર્યું, પોલીસે તેમાં દોઢસો લોકોની ધરપકડ કરી. તે પછી આમરણાંત ઉપવાસ કર્યાં અને આખરે મુખ્યમંત્રીએ જાહેરાત કરવી પડી કે, આદિવાસી ખેડૂતોને 50 ટકા નાણાં ચૂકવવામાં આવશે. ખેડૂતોને અડધા નાણાં ચૂકવવામાં આવ્યા, પરંતુ બાકીની રકમ ન ચૂકવાઈ. જોકે, આ આંદોલનથી આદિવાસી સમાજ એક થઈને લડી શકે છે તે જોવા મળ્યું. રોમેલ આ પૂરા આંદોલનનું નેતૃત્ત્વ સફળતાપૂર્વક કર્યું હતું.
રોમેલ એ હદે આદિવાસી સમાજ સાથે હળ્યામળ્યા હતા કે, તેણે આદિવાસી સમાજ અન્ય મુદ્દાઓ પણ મુખર રીતે ઉઠાવ્યા. આજના સમયમાં આદિવાસી વિસ્તાર અને સમાજ માટે જળ, જમીન અને જંગલ મુખ્ય મુદ્દા છે. કહેવાતાં વિકાસથી આદિવાસી સમાજ જળ, જમીન અને જંગલની નુકસાની ભોગવી રહ્યો છે. હવે આ નુકસાન એટલાં હદે થઈ રહ્યું છે કે તેમના અસ્તિત્વના પ્રશ્નો પણ આવ્યા છે. આ માટે રોમેલ જળ, જમીન અને જંગલ મુદ્દે આદિવાસી સમાજ જાગ્રતતા લાવી શકાય તે માટે કાર્યક્રમો કર્યા. આદિવાસી યુવાનો મુખ્યધારામાં આવે અને પોતાના પ્રશ્નોનો અવાજ પોતે ઉઠાવી શકે તે માટે તેમનું નેતૃત્વ ઘડતરનું કાર્ય કર્યું. તેઓને બોલતાં કર્યા, મુદ્દાની સમજ આપી અને આંખથી આંખ મિલાવીને વાત કરતા શીખવ્યું. સામાજિક ન્યાયની લડાઈમાં માત્ર આદિવાસી સમાજના પ્રશ્નો નથી આવતાં, બલકે દલિત સમાજ અને કોમી વિખવાદ પણ સામેલ છે. રોમેલ આ મુદ્દે પણ બોલતા મુખર રહ્યા છે. તેમના ફેસબુક પર જઈને જોઈએ તો તેઓ આવા અનેક મુદ્દે લખતા-બોલતા રહ્યા છે તે જોવા મળે.
રોમેલ એવું ઇચ્છતા કે કોઈ રીતે મુખ્ય પ્રવાહમાં આદિવાસી રાજકણની વાત થાય. આને લઈને તેમણે વિસ્તારપૂર્વક બે હજાર શબ્દોનો લેખ લખ્યો છે. આ લેખમાં તેઓ અભ્યાસ, વિચાર અને વ્યથા ઝળકે છે અને આખરે તેમાં આશા સાથે લખે છે : “મુખ્ય પ્રવાહના રાજકારણમાં ગરીબ આદિવાસીઓના પ્રશ્નો આદિવાસી આંદોલનોથી પણ હાંશિયે ધકેલાઈ રહ્યા છે; તે જોઈ દુઃખનું મોજું ફરી વળે છે. પરંતુ હજુ આદિવાસી નવા નેતૃત્વને ઊભા કરવા વલખા મારતો હું ઘણો આશાવાદી છું, યુવાનોમાં વિશ્વાસ ધરાવું છું કે ચોક્કસ એક યુવાન તો તેવો આદિવાસી સમાજમાંથી ઊભો થશે જે સત્તા સામે નતમસ્તક થવાની જગ્યાએ નીતિવિષયક કરોડો આદિવાસીઓના ઉત્થાન, કલ્યાણ અને સાચા વિકાસ માટેનો અવાજ બનશે. …આદિવાસી સમાજ એક માત્ર એવો સમાજ છે જે સમગ્ર દેશમાં માનવતાની અને પ્રકૃતિલક્ષી ચેતના વિકસિત કરવાની ક્ષમતા ધરાવે છે જેને મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટીઓ વોટબેંકથી વિશેષ જોઈ નથી રહી અને દિવસે અને દિવસે ક્રાંતિકારી આગેવાનોને દલાલ બનાવી આદિવાસી આંદોલનો ખતમ કરી રહી છે. ત્યારે આદિવાસી યુવાનોએ પોતાનો ભવ્ય ક્રાંતિકારી સત્તા સામે નતમસ્તક ન થવાવાળો સ્વતંત્ર ઇતિહાસ યાદ કરી સારી નીતિઓ અને કાયદાઓ ઘડવા સ્વતંત્ર આદિવાસી રાજકારણ જીવંત રાખવું અતિ મહત્વનું છે; તે સમજી ગરીબ આદિવાસીઓ વચ્ચે પહોંચી નેતૃત્વ લેવું પડશે તે નક્કી છે.”
આદિવાસી સમાજની સ્થિતિ અને વ્યથા જાણવા માટે રોમેલ પત્રકારો માટે અને શહેરી કર્મશીલો માટે કડીરૂપ હતા. રોમેલની વિદાયથી એ કડી તૂટી ગઈ છે. પોણા ચાર વર્ષ પહેલાં આવા જ હોનહાર કર્મશીલ જયેશ સોલંકી યુવાન વયે જ અલવિદા કહીને ચાલ્યા ગયા અને હવે રોમેલ સુતરિયા રહ્યા નથી. રોમેલ સુતરિયાની અહીં આપેલી શબ્દરૂપે અંજલિ અપૂરતી છે, તેમને ગુમાવવાની પીડા તો કોઈ આદિવાસીબંધુ વધુ સારી અભિવ્યક્તિ સાથે લખી શકે, જેમના માટે રોમેલ હંમેશ લડતાં રહ્યાં. અલવિદા રોમેલ.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796