આયાત જકાત ઘટવાથી સરકારને ગોલ્ડ બોન્ડ રિડેમ્પશનમાંથી રુ. ૯૦૦૦ કરોડનો લાભ એ સાવ ખોટી ભ્રમણા
સરકારે ૧ જુલાઈ ૨૨ના રોજ સોના પર પાંચ ટકા આયાત જકાત વધારી હતી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સરકારે ૨૩ જુલાઈએ અંદાજપત્રમાં સોના (Gold) ચાંદીની (Silver) આયાત જકાત ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરી, તે પછી દેશભરના બુલિયન અને ઝવેરી બજારમાં એવી ભ્રમણા સ્થાપિત થઈ છે કે ૪ ઑગસ્ટથી ગોલ્ડ બોન્ડનું (Gold Bond) રીડંપશન શરૂ થતું હોઇ રોકાણકારને રૂ. ૯૦૦૦ કરોડ ઓછા ચૂકવવા પડે, તે હેતુથી આયાત જકાત ઘટાડી છે. ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઇબ્જા)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ આ વાતને બક્વાસ અને મીડિયાનું ગપ્પાસ્ટક ગણાવ્યું હતું.
વાસ્તવિકતા તો એ છે કે ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કર્યા પછી પણ સરકારે ૧/૭/૨૦૨૨ના રોજ સોના પર પાંચ ટકા આયાત જકાત વધારી હતી. આ જોતા પણ બજારની માનસિકતા તથયસ્ત્મક નથી.
તેમણે કહ્યું કે પાંચ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ પહેલો સોવરીન ગોલ્ડ બોન્ડ (એસજીબી) ઇસ્યુ ભારતીય રોકાણકારો માટે ખુલ્યો હતો. આ ઇસ્યુ રૂ. ૩૧૧૯ પ્રતિ ગ્રામ સોનાના ભાવથી ખુલ્યો હતો. જેમાં રોકાણકારોએ ૨૭૫ કિલોના એસજીબી ખરીદ્યા હતા. બીજો ૩૦ સપ્ટેમ્બરે રૂ.૩૧૧૫ના ભાવે ૨૬૨ કિલો અને ત્રીજી સિરીઝ ૧૭ નવેમ્બરે રૂ.૩૦૦૭ના ભાવે ઇસ્યુ થઈ હતી. આ ત્રણે સિરિઝમાં મળીને ૧ ટન કરતા ઓછું સોનું જમાં થયું હતું. આ ત્રણે સિરિઝની પરત ચુકવણી આ વર્ષે ઇબ્જાના જે તે દિવસના સત્તાવાર વર્તમાન ભાવે થશે. ઇબ્જાનો સોમવારનો સત્તાવાર બંધ ભાવ જીએસટી વગરના રૂ. ૬૮,૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતો. હવે તમે ૧ ટન રીડંપશન સોનાની ગણતરી માંડો. વળી ગોલ્ડ બોન્ડ રોકાણકારને કોઈ જીએસટી ચૂકવવાનો પણ નથી આવતો.
રોકાણકારને આ એસજીબી ઇસ્યુ થયા ત્યારે બોન્ડમા શરત મુકાઈ હતી કે રીડંપશન માર્ક ટુ માર્કેટ પ્રાઇસ, ઇન્વેસ્ટમેન્ટ પર ૨.૫ ટકા વાર્ષિક વ્યાજ અને કોઈ લોંગટર્મ કેપિટલ ગેઈનટેક્ષ ભરવાનો નહિ રહે.
પ્રથમ સિરીઝ ઇસ્યુ સમયે ભાવ રુ. ૩૧૧૯, સામે વર્તમાન ભાવ ૬૮૮૦ જોતા ૮ વર્ષમાં રોકાણકારને બમણું વળતર, ૨૦ ટકા વ્યાજ અને કોઈ પણ પ્રકારના ટેકસ ભરવામાંથી મુક્તિ. હવે રોકાણકારને સરકાર પાસેથી આથી વધુ શું જોઈએ? એવો સવાલ સુરેન્દ્ર મહેતાએ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે બજારમાં આયાત જકાત ઘટાડા અને ગોલ્ડ બોન્ડ રોકાણકાર પાસેથી સરકારે રુ. ૯૦૦૦ કરોડ ખંખેરી લીધા, એવું ગણિત કોઈ રીતે બેસતું નથી. જો ૨૦૧૬થી આજની તારીખના તમામ ગોલ્ડ બોન્ડના રિડમપશનની ગણતરી કરીએ તો પણ રુ.૯૦૦૦ કરોડ સરકારે બચાવી લીધાનો તર્ક સાચો નથી. કારણ કે પ્રત્યેક બોન્ડની પાકતી મુદત ૮ વર્ષની છે. આવતા વર્ષે કે ત્યાર પછી આ આયાત જકાત રાહત પાછી નહિ ખેચાઇ જાય, તેની કોઈ ખાતરી આપી શકે છે?
સરકારને સોનાના વધતા ભાવનો ડર હોય, તેવી પણ સંભાવના નથી. કારણ કે નાણાપ્રધાને નવા ગોલ્ડ બોન્ડ જારી કરવા માટે, રુ. ૧૮૫૦૦ કરોડની અંદાજપત્રીય અનામત ફાળવણી કરી છે. જો આયાત જકાત ઘટાડા થકી સરકાર ફાયદો કરવા માંગતી હોત તો, આટલી મોટી રકમ પ્રસ્તાવિત ગોલ્ડ બોન્ડ વેચાણ માટે ફાળવણી ના કરતે.
અન્ય એક બુલિયન ડીલરે કહ્યું, આયાત જકાત ૯ ટકા ઘટી છે. જ્વેલરી ગ્રાહકોમાં હજુ પૂરી જકાત પસાર નથી કરી. બીજી તરફ ૩૦૦ ટન સોનાનો સ્ટોક, જકાત વૃદ્ધિ પહેલાનો બજારમાં વણવરચાયેલો પડ્યો છે. આટલું અધૂરું હોય તેમ બજારમાં ચાલતા આયાત પડતર પરના ડિસ્કાઉન્ટ ઓફરિંગ હવે પ્રીમિયમમાં બદલાઈ જતા સોનાના ભાવ ઘટવાને બદલે વધવા લાગ્યા છે. તેથી પણ ગોલ્ડ બોન્ડ ઊંચા ભાવે વટાવવાની તક રોકાણકારો સામે લાલ જાજમ પાથરવાની છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








