Tuesday, June 23, 2026
HomeGujaratSuratગુજરાતનાં હાઇવે પર ટ્રક બન્યા યમરાજ, સુરતમાં એક અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ

ગુજરાતનાં હાઇવે પર ટ્રક બન્યા યમરાજ, સુરતમાં એક અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતનાં રસ્તાઓ પર ચાલતા ટ્રકો સાક્ષાત યમરાજનું જ સ્વરૂપ હોય તેમ દિવસેને દિવસે લોકોના જીવ લઈ રહ્યા છે. બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના કારણે ટ્રકના અકસ્માતની ઘટનાઓ રોજ સામે આવી રહી છે, ત્યારે સુરતમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અંગે કામરેજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, આજરોજ સવારે 10 વાગ્યાના અરસામાં ત્રણ યુવાન એક બાઈક પર કામરેજ હાઈવે પરથી નોકરી માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન વિહાનથી ટીમ્બા પાસે બેફામ ગતિએ દોડી રહેલા ટ્રકે બાઈક પર જઈ રહેલા યુવકોને જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે યુવકો ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા અને જમીન પર પટાકાતા ઘટનાસ્થળે જ ત્રણેયનું મૃત્યુ થયું હતું. તેમજ બીજી તરફ અકસ્માત સર્જનારા ટ્રકમાં આગ પણ ભભૂકી ઉઠી હતી. અકસ્માતના પગલે લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્રણેય યુવકના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યા હતા. લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા કામરેજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

- Advertisement -

પોલીસે ત્રણ યુવકોના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા. તેમજ પોલીસે આ મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા તપાસ તેજ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ કામરેજ હાઈવે પર આજ પ્રકારની અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં ટ્રક ચાલકે બાઈક પર સવાર લોકોને અડફેટે લીધા હતા. સુરતમાં ટ્રક ચલાકોની રફતાર હવે લોકો માટે ઘાતક સાબિત થઈ રહી છે અને લોકો મોતને ભેટી રહ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular