નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં મહિલા સુરક્ષાના દાવા પોકળ કરતો એક કિસ્સો આજે અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદનાં ભુલાભાઈ વિસ્તારમાં એક રોડસાઈડ રોમિયોએ રસતામાંથી પસાર થતી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. ત્યારે વિદ્યાર્થિનીએ જાતે જ પોતાની રક્ષા કરવા માટે હિંમત એકત્રિત કરી અને જાહેરમાં જ આ રોમિયોને મેથીપાક ચાખડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિદ્યાર્થિનીની હિંમતના વખાણ કરી રહ્યા છે.
આજરોજ સવારે 12 વાગ્યાના અરસામાં વિદ્યાર્થિની પોતાની મિત્ર સાથે ઘરે જઈ રહી હતી. તે દરમિયાન શહેરના ભૂલાભાઈ વિસ્તારમાં એક રોમિયોએ વિદ્યાર્થિનીની છેડતી કરી તેને ચુંબન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ વિદ્યાર્થિની આક્રોશમાં આવી હતી અને રોમિયાને પટ્ટા વડે જાહેરમાં ઢોર માર માર્યો હતો. તેમજ વીડિયોમાં વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ રોમિયા દરરોજ તેનો પીછો કરીને હેરાન કરતો હતો અને આજે તેણે હદ જ પાર કરી દીધી હતી. ઘટનાને પગલે બૂમાબૂમ થતા લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
એકત્રિત થયેલા લોકોમાંથી કેટલાક લોકો વીડિયોમાં છેડતી કરનારા આ રોમિયાને માર મારવાની વાત કરી રહ્યા છે, તો કેટલાક લોકો પોલીસના હવાલે કરવા કહી રહ્યા છે. આ સમ્રગ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે જોવું રહ્યું કે, આ રોમિયાગીરી કરતા તત્વોને પોલીસ કાયદાનો પાઠ ક્યારે ભણાવશે ? જોકે આ મામલે કોઈ ફરિયાદી થઈ છે કે નહીં તે હાલ જાણી શકયું નથી.








