Friday, March 29, 2024
HomeGujaratGir Somnathશ્વાનનો હત્યાકાંડ ? વેરાવળના આજોઠા ગામમાં યુવકોનું રાક્ષસી કૃત્ય, 25 શ્વાનને મારી...

શ્વાનનો હત્યાકાંડ ? વેરાવળના આજોઠા ગામમાં યુવકોનું રાક્ષસી કૃત્ય, 25 શ્વાનને મારી નાખ્યા

- Advertisement -

શૈલેષ નાઘેરા (નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ): ક્રુરતાની હદ પાર કરતા મનુષ્યોનું એક રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. જેમાં ગામમાં સમુહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવાયા હોવાની માહિતી સુત્રો આપી રહ્યાં છે. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં શ્વાનની હત્યા માટે રીતસર અભિયાન ચાલાવવામાં આવ્યું હતું. આજોઠા ગામમાં સમુહ લગ્ન યોજવા માટે ગામની સફાઈ કરવામાં આવી હતી. પરંતુ આ સફાઈ અભિયાન સામાન્ય સફાઈ અભિયાન ન હતું, આ અભિયાન ક્રુરતા ભર્યું રાક્ષસી કૃત્ય જેવું હતું. કારણ કે ગામના યુવાનોએ મળી ગામમાં શ્વાનને શોધી શોધીને મારી નાખવાની કામગીરી કરી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. આ કથિત શ્વાનની હત્યા કરવાના અભિયાનના રાક્ષસી યુવકોએ ઓછામાં ઓછા 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. વળી આ રાક્ષસી કૃત્યનો મુદ્દો પોલીસ સુધી પહોંચે તે પહેલા દબાવી દેવા માટે સ્થાનિક રાજકીય અગ્રણીઓ પણ મેદાને ઉતર્યા હોવાના અહેવાલ સુત્રો આપી રહ્યા છે.

- Advertisement -

ગામમાં સફાઈ અભિયાનના નામે શ્વાન હત્યા કરવા માટે નિકળેલા યુવકેઓ ગામની ગલીઓમાં અને ઉકરડામાં રહેતા શ્વાનને લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે મોતને ઘાટ ઉતાર્યા હતા. નિર્દયી યુવકોની ક્રુરતાનો અંત આટલેથી જ નથી આવતો, તેમણે ગલુડિયાંઓને પણ કોથળામાં પુરી મોતને ઘાટ ઉતારવાનું કામ કર્યું હોવાનું સુત્રો જણાવે છે. આ મામલાની તપાસ કરતા નવજીવન ન્યૂઝના પત્રકારને માહિતી મળી હતી કે, આ મામલે ગામમાં રહેતા એક વ્યક્તિના ઘરમાં પણ યુવકો શ્વાનની હત્યા માટે પહોંચ્યા હતા. અને ઘરમાં રહેલી મહિલાઓએ અટકાવતા તેમની સાથે ગેરવર્તન કરતા તેમણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

ગામના યુવકોની ક્રુરતાનો મામલો પોલીસ સુધી પહોંચે અને કાયદેસર પ્રક્રિયા ન થાય તે માટે રાજકીય નેતાઓએ મામલાની કમાન સંભાળી હોવાના અહેવાલ સુત્રો આપી રહ્યા છે. સાથે જ નવજીવન ન્યૂઝના પત્રકારે સ્થાનિક લોકો સાથે વાત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા ગ્રામજનોએ શ્વાનની હત્યાનો ઈન્કાર કરતા જણાવ્યું હતું કે, તેમણે શ્વાનને પકડી કોઈ બીજા સ્થાને મુકી દીધા હતા. પરંતુ પત્રકારને શ્વાનને બીજા કયા સ્થળે મુક્યા તે સવાલનો જવાબ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. દરમિયાન નવજીવનના પત્રકારને શ્વાનને પકડવાના અને મારવાના કેટલાક પુરાવા હાથ લાગ્યા હતા. આ પુરાવામાં રહેલા દૃષ્યો ક્રુરતા ભર્યા હોય અહીં પ્રસિધ્ધ કરવા યોગ્ય જણાતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં સુરતમાં શ્વાનને બાઈક પાછળ બાંધી ઢસડવાના મુદ્દે સુરત પોલીસે કાર્યવાહી કરી હતી. પરંતુ આ ઘટના તો સુરતની ઘટના કરતા પણ વધારે ક્રુર અને અમાનવીય છે. ત્યારે 25-25 શ્વાનના જીવ લેવા માટે જવાબદાર યુવકો સામે ગીર સોમનાથ પોલીસ વડા કેવું વલણ દાખવે છે તે જોવું રહ્યું. જોકે સ્થાનિકોના મતે ગીર સોમનાથ પોલીસ વડા ખુબ માનવીય અભિગમ ધરાવતા હોઈ ચોક્કસ પણે કડક પગલા લઈ દાખલો બેસાડશે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular