કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વિઝર્લેન્ડના દાવોસ (Davos) શહેરમાં ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’[ડબલ્યૂ.ઇ.એફ.]ની બેઠક પૂર્ણ થઈ. ‘ડબલ્યૂ.ઇ.એફ.’ એક બિનસરકારી સંસ્થા છે અને તેમાં એક હજારથી વધુ મલ્ટિનેશનલ કંપનીઓ સભ્ય તરીકે છે. આ ફોરમના વેબસાઈટ પર જે ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે તે વિશ્વને વધુ બહેતર નિર્માણ કરવા સરકાર, ઉદ્યોગ અને નાગરિકોને એક મંચ પર લાવવાનો છે. વિશ્વના ટોપ મોસ્ટ ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, અર્થશાસ્ત્રી અને પત્રકારો અહીં એકઠા થાય છે; અને વિશ્વમાં વિવિધ પડકારોની ચર્ચા કરે છે. અહીં જે ચર્ચા થાય છે તેનો અમલ પણ થતો હશે, તેમ છતાં જ્યારથી આ ‘ડબલ્યૂ.ઇ.એફ.’ની બેઠક થાય છે, ત્યારથી તેની ટીકા પણ થઈ રહી છે. ટીકાના મુખ્ય મુદ્દાઓમાં કોર્પોરેટ કંપનીઓ વિશ્વના લોકશાહી સંસ્થાઓને નબળી પાડી રહી છે – તે છે. ફોરમમાં સભ્ય બનવાની અને નિર્ણય લેવાની પ્રક્રિયા અસ્પષ્ટ છે. આર્થિક પારદર્શિતા નથી અને પર્યાવરણની અહીંયા જે કંઈ વાતચીત થાય છે તેનો સંબંધ જમીની સ્તરે દેખાતો નથી. આ વર્ષે પણ ‘ડબલ્યૂ.ઇ.એફ.’ની બેઠકનો વિરોધ થયો અને વિરોધ કરવાનું મુખ્ય કારણ છે – દુનિયાના થોડાંક જ લોકોના હાથમાં મસમોટી તાકાત જઈ રહી છે. – આ વિરોધ એટલો જોરશોરથી થયો કે તેની નોંધ સર્વત્ર લેવાઈ. પરંતુ તેમ છતાં આ બેઠકમાં કોઈ વિક્ષેપ ન આવ્યો, કારણ કે બેઠક સ્વિઝર્લેન્ડના દાવોસમાં થાય છે, જ્યાં આમેય વિરોધ પ્રદર્શન કરનારાઓને પહોંચવું મુશ્કેલ હોય છે.

ઉદ્યોગપતિઓ અને રાજકરણીઓની સાંઠગાંઠ નવી નથી. બંને એકબીજાને પોષે છે અને પોતપોતાની સત્તા ટકાવી રાખે છે. આ વિષચક્ર ભારત જેવા દેશોમાં જ નહીં; બલકે અમેરિકા જેવા અતિવિકસિત અને આફ્રિકાના ગરીબ દેશોમાં પણ તે જોવા મળે છે. આ બંનેની સાંઠગાંઠ થાય તો તેમાં સામાન્ય લોકોનો મરો થાય છે. પરંતુ આ વ્યવસ્થાને તોડવાનું કોઈ રીતે શક્ય લાગતું નથી. આ વિરોધ થઈ રહ્યો છે તે સંબંધિત આંકડા જોઈએ તો તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે. ‘ઓક્સફાર્મ ઇન્ટરનેશનલ’ દ્વારા તેનો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ‘ઓક્સફાર્મ ઇન્ટરનેશનલ’ વિશ્વાસપાત્ર સંસ્થા છે અને તેના અહેવાલ મુજબ ભારતની વાત કરીએ તો દેશના 10 ટકા લોકો પાસે દેશની કુલ સંપત્તિના 77 ટકા છે. વર્ષેદહાડે કરોડપતિઓની આવકમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે પણ અતિ જોખમી છે. ‘ઓક્સફાર્મ ઇન્ટરનેશન’ મુજબ વિશ્વના દસ વ્યક્તિઓ એવા છે, જેમની સંપત્તિમાં રોજના દસ કરોડ ડોલર ઉમેરાઈ રહ્યા છે, જ્યારે દુનિયાની અડધોઅડધ વસતી પોતાનું ગુજરાન સાત ડોલરથી પણ ઓછામાં કરે છે. આવા તો અનેક આંકડા છે તેનાથી એવું સાબિત થઈ શકે કે ગરીબ અને તવંગરમાંથી ખાઈ ઊંડી થઈ રહી છે. જોકે ‘ડબલ્યૂ.ઇ.એફ.’ દ્વારા ક્યારેય મુખ્ય એજન્ડામાં આ મુદ્દો રાખ્યો નથી. તેના છેલ્લા પાંચ વર્ષના મુખ્ય મુદ્દા જોઈએ તો તેમાં ‘રિબિલ્ડિંગ ટ્રસ્ટ’, ‘ગવર્મેન્ટ પોલિસિસ એન્ડ બિઝનેસ સ્ટ્રેટજિસ’, ‘ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યૂશન’, ‘રિસ્પોન્સિવ એન્ડ રિન્સ્પોન્સિબલ લિડરશિપ’. હવે તેના સભ્યપદના માપદંડ જોઈએ તો પણ ખ્યાલ આવે કે આ ફોરમમાં કેટલાંક ઉદ્યોગપતિઓ પણ બાકાત થઈ જાય. આ ફાઉન્ડેશનને 1000 મલ્ટીનેશનલ કંપનીઓ ભંડોળ આપી રહી છે. અને તેમાં સામેલ થનારી આ કંપનીઓ મહદંશે પાંચ બિલિયન ડોલરનું ટર્નઓવર કરતી હોવી જોઈએ. 2011માં આ ફોરમમાં સામેલ થવા માટે સભ્ય ફી 52,000 ડોલર રાખવામાં આવી હતી. અને જો તેમાં ‘ઇન્ડસ્ટ્રી પાર્ટનર’ તરીકે નામ નોંધાવવું હોય તો તે ફી અઢી લાખ ડોલર સુધી પહોંચે છે અને ‘સ્ટ્રેટજિક પાર્ટનર’ તરીકે સાડા પાંચ લાખ સુધી તે ફી જાય છે. આ ફી પરથી ખ્યાલ આવી શકે કે તેમાં અચ્છા અચ્છા ઉદ્યોગપતિઓની પણ એન્ટ્રી મુશ્કેલ થઈ જાય. ભારતમાં મુકેશ અંબાણી આ ફોરમમાં સૌથી અગ્રેસર છે અને તેઓ આ ફોરમના ટ્ર્સ્ટી તરીકે પણ રહી ચૂક્યા છે.

‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ વિશ્વમાં પ્રવર્તતી અસામનતા વિશે તો ચોક્કસ જાણતા જ હોય અને તે માટે અનેક વાર પ્રસ્તાવ પણ મૂકાયા છે, પણ તેની ચર્ચા થાય તેવું થયું નથી. એટલું જ નહીં જ્યારે 2019માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘ડબલ્યૂ.ઇ.એફ.’ સાથે સહભાગિતા કરી હતી, ચારસોથી વધુ નાગરિક સંસ્થાઓ અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓએ તેનો વિરોધ કર્યો હતો. જોકે આટલો વિરોધ છતાં મહદંશે દરેક દેશની સરકારો આ પ્લેટફોર્મને સપોર્ટ કરે છે. ભારતમાંથી સૌથી પહેલાં દેવ ગૌડા ‘ડબલ્યૂ.ઇ.એફ.’ની બેઠકમાં સામેલ થનારા પ્રથમ વડા પ્રધાન હતા. તે પછી નરેન્દ્ર મોદી 2018માં આ પ્લેટફોર્મ પરથી શું થવું જોઈએ તેવી વાત કરી હતી. તેમના મુદ્દાઓમાં ‘મેક ઇન ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’, ‘સ્કીલ ઇન્ડિયા’ હતું. જોકે આજે આ બધા કાર્યક્રમો દેશમાં કયા સ્તરે ચાલી રહ્યા છે તેનો અંદાજ મળતો નથી. ‘ડિજિટલ ઇન્ડિયા’ને તો દેશનું બજાર ચલાવી રહ્યું છે અને ‘સ્કીલ ઇન્ડિયા’ કે ‘મેક ઇન ઇન્ડિયા’ની વ્યાપક અસર થઈ હોય તેમ લાગતું નથી. આ વાસ્તવિકતાની તે પછી ‘ડબલ્યૂ.ઇ.એફ.’ના પ્લેટફોર્મ લાવીને ચર્ચા થઈ શકતી નથી. અહીંયા ભવિષ્યની વાત થવી જોઈએ પણ તેમાં ટીકાનો સૂર ન હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ભારતના રાજ્યોમાંથી દાવોસનો સૌથી વધુ લાભ લેનારા ચંદ્રાબાબુ નાયડુ છે. આંધ્રપ્રદેશમાં આવેલા રોકાણનો પ્રચાર દાવોસમાં ખૂબ થયો છે.
દાવોસનું મીડિયામાં મહત્ત્વ બેશક ઘટ્યું છે પણ હજુય તે ફોરમ મજબૂત છે અને એટલે તેમાં દેશ વિદેશના આગેવાનો જોડાય છે અને ચર્ચામાં ભાગ લે છે. 2009માં થયેલી આવી એક ચર્ચામાં થયેલો વિવાદ દાવોસથી પોલ ખોલી હતી. આમાં એક સેશનમાં તત્કાલિન તુર્કીના વડા પ્રધાન રિસેપ એર્ડોગન, ઇઝરાયલના રાષ્ટ્રપતિ શિમોન પેરેસ, સંયુક્ત રાષ્ટ્રના સચિવ બાન કી મૂન હતા. તે ઉપરાંત તે ચર્ચામાં અરબ લિગના અમર મુસા સામેલ હતા. આ સંવાદ થયો તે પહેલા ગાઝામાં સંઘર્ષ ચાલી રહ્યો હતો અને તે વખતે ઇઝરાયલના રાષ્ટ્રપતિને બોલવા માટે 25 મિનિટ આપવામાં આવી જ્યારે તુર્કીના વડા પ્રધાનને માત્ર 12 મિનિટ મળી. આને લઈને તુર્કીના વડા પ્રધાને વિરોધ નોંધાવ્યો હતો. તુર્કીના વડા પ્રધાનની અનેક અરજ છતાં તેમને પ્લેટફોર્મ પર બોલવા દેવામાં ન આવ્યા. જોકે તે પછી પણ તુર્કીના વડા પ્રધાનની વાત કોઈએ સાંભળી નહોતી.
માનવીય ધોરણે જે ચર્ચા થવી જોઈએ તે ચર્ચા જગતના સંપત્તિવાન લોકો કરતા નથી તે ફરિયાદ હંમેશા વિરોધ કરનારાઓની રહી છે. આ વખતે પણ દુનિયામાં પચાસથી વધુ દેશોમાં ચાલી રહેલા સંઘર્ષોની વાતનો સૂર એટલો ન સંભળાયો જે સંભળાવો જોઈએ. બલકે તેની જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત સૌથી પ્રાથમિકતા પર રહી. ‘એઆઈ’ અંગે સૌથી મહત્ત્વની ચર્ચા કે હતી કે ટેકેનોલોજીના નવા બદલાવને કેવી રીતે સ્વીકારવા તે હતી. તેમાં એ વાત મૂકવામાં આવી કે આખરે તો માનવી જ કેન્દ્રમાં હોવો જોઈએ, પરંતુ તેના અમલની બાબતે અહીં ચર્ચા નફા કરતાં ઉદ્યોગો જે રીતે કરે તે રીતે જ થઈ હતી.
‘ડબલ્યૂ.ઇ.એફ.’ની ટીકા જોવા મળે છે, પંરતુ તે ટીકા માત્ર વિરોધ થયો છે તે સંબંધિત છે. ‘ડબલ્યૂ.ઇ.એફ.’ માટે જ્યારે દુનિયાભરના આગેવાનો એકઠા થાય છે. વિશ્વને ઉમદા બનાવવાની ચર્ચા કરે છે અને તેમાં પોતાની ભૂમિકા નિર્ધારીત કરે છે, પરંતુ જ્યારે તેના અમલની વાત આવે ત્યારે તેમાંથી સૌ કોઈ છૂટી જાય છે. જે ચર્ચા આ વર્ષે થાય છે તેનું અમલ કેટલો થયો તે સંબંધિત પણ કોઈ વાત થતી નથી. રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓની આ સાંઠગાંઠ છે. આ સાંઠગાંઠ આપણી સૌની નજર સામે થઈ રહી છે, તેમ છતાં તેને કોઈ રોકી શકતું નથી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796