Bhavnagar Hooch Tragedy puts Gujarat government in trouble : ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાએ રાજ્ય સરકારને સવાલોના ઘેરામાં લાવી દીધી છે. 10 લોકોના મોતની ઘટનાના પગલે વિપક્ષ દારૂબંધીને લઈને સરકાર પર બેફામ આરોપ લગાવી રહ્યો છે. લઠ્ઠાકાંડની આ ઘટનામાં ભાવનગર પોલીસ (Bhavnagar Police) ની એક કાળી ભૂમિકા સામે આવી છે. નકલી દારૂ બનાવનાર નરેન્દ્ર યાદવ ઉર્ફે ડૉક્ટરના મોત બાદ તેનું પોસ્ટમોર્ટમ કરાવવાના બદલે તેનો મૃતદેહ બારોબાર મધ્યપ્રદેશ મોકલી દેવાયો હતો. પોસ્ટમોર્ટમ નહીં થવા દેવા માટે ભાવનગરના પોલીસ કર્મચારીઓએ એક મહિલા પોલીસ પર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે, સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) પાસે તપાસ આવતાની સાથે જ નરેન્દ્ર યાદવના મૃતદેહને રસ્તામાં જ આંતરી લેવા માટે મધ્યપ્રદેશ પોલીસ (Madhya Pradesh Police) ની મદદ મેળવી અને તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.
ત્રણ વાર નકલી દારૂ બન્યો અને એક વખત નાશ કરાયો
ભાવનગરના વરતેજનો બુટલેગર ગૌતમ સોલંકી નકલી દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી રઈસ અને તેની ટીમને લઈ આવ્યો હતો. દોઢ-બે મહિના અગાઉ રઈસ, ઝુબેર અને તેની ટીમે 600 લિટર જેટલો નકલી વિદેશી દારૂ બનાવવા એસેન્સ અને ઇથેનોલનો ઉપયોગ કર્યો હતો. દારૂ બનાવવા માટેનું કેમિકલ, એસેન્સ, ખાલી બાટલીઓ, ઠાંકણા સહિતની સામગ્રી અમદાવાદ ખાતેથી ખરીદવામાં આવી હતી. 51 પેટી જેટલો દારૂ વેચ્યા બાદ બીજી વખત ગણેશ અને તેની ટીમે દારૂ બનાવ્યો હતો, પરંતુ તે બરાબર નહીં બનતા નાશ કરી દેવાયો હતો. આથી રઈસે મધ્યપ્રદેશ ભીંડના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને ભાવનગર બોલાવ્યો હતો. નરેન્દ્ર યાદવે ચારસો લિટર જેટલો નકલી દારૂ બનાવ્યો હતો. જે પૈકી 24 પેટી દારૂ વેચી દેવાયો હતો.
ડૉક્ટરના મૃતદેહનું PM નહીં કરવા પોલીસે કરી ભલામણ
નરેન્દ્ર યાદવ ઉર્ફે ડૉક્ટરે નકલી દારૂ બનાવ્યા બાદ પીતા તેની તબિયત લથડતા ગત 17 ઓગસ્ટના સોમવારના રોજ ચિત્રા મેડિકલ સેન્ટરમાં ખસેડાયો હતો. ત્યારબાદ તેને સોમવારની રાતે વેદ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 18 ઓગસ્ટની સવારે નરેન્દ્રનું મોત થતાં હોસ્પિટલ સત્તાધીશોએ નિલમબાગ પોલીસને જાણ કરતા એક મહિલા પોલીસ કર્મચારી ત્યાં પહોંચ્યા હતા. મૃતકના પરિવારજન હોવાનો દાવો કરનારાએ નરેન્દ્રસિંહ યાદવનું પોસ્ટમોર્ટમ નહીં કરાવવાની જીદ પકડી હતી. દરમિયાનમાં એક પોલીસવાળાએ મહિલા પોલીસ કર્મચારીને ફોન કરી PM કર્યા વિના લાશ સોંપી દેવા જણાવ્યું હતું. જેથી મહિલા પોલીસ કર્મચારીએ મૃતકના પરિચિતનો વીડિયો બનાવી લઈ લાશ સોંપી હતી. જે મૃતદેહ મધ્યપ્રદેશ ખાતે લઈ જવાયો હતો.








