પ્રશાંત દયાળ (શિવા. ભાગ-30): 2017માં હું, શિવાની, આકાશ અને પ્રાર્થના પહેલી વખત મુંબઈ (Mumbai) ફરવાં ગયાં. અમે તો બધાં ખુશ હતાં, પણ સૌથી વધુ ખુશ શિવાની (Shivani Dayal) હતી. કારણ કે તેણે પણ ક્યારેય મુંબઈ જોયું નહોતું. આમ 2014 પછી પહેલી વખત અમે ફરવા નીકળ્યાં હતાં. જોકે ફરતાં ફરતાં શિવાની થાકી જતી હતી છતાં તેને ફરવું તો હતું. ખબર નહીં, તે દુનિયા જોઈ લેવા માટે ઉતાવળ કરી રહી હતી!
અમે પત્રકાર કોલોનીમાં રહેતાં હતાં ત્યારે તેની તબિયત ખરાબ રહેતી હતી. નવજીવનમાં આવ્યો પછી તેના કરતાં તબિયતમાં સુધારો ચોક્કસ થયો હતો, પણ અંદરથી તેનાં ફેફસાંની સ્થિતિ ખરાબ થઈ રહી હતી. શિવાનીને પોતાની બીમારી કેટલી ગંભીર છે– તેનો અંદાજ નહોતો. તે તેના માટે સૌથી મોટું સુખ હતું. શિવાનીની એલોપથીની દવા તો ચાલુ હતી; પણ કોઈ અમને કહે, ફલાણા ગામમાં સારા ડૉકટર છે તો અમે ત્યાં પણ જઈ આવતાં હતાં. કોઈ કહે પેલા આયુર્વેદના ડૉકટરના રિઝલ્ટ ખૂબ સારાં છે, તો હું ને શિવાની ત્યાં પહોંચી જતા હતા. આમ એલોપથીની સાથે અમે સંખ્યાબંધ ડૉકટર અને વૈદ્ય પાસે જતાં હતાં.
શિવાની પોતાની બીમારીથી થાકી જતી હતી, પણ તેનો આત્મવિશ્વાસ ગજબનો હતો! મને તેનો આત્મવિશ્વાસ જોઈને લાગતું હતું કે, કદાચ તેનો વિશ્વાસ જ તેની બીમારીને માત આપશે! શિવાનીને એલોપથીના ડૉકટર દવા આપે એટલે તે તરત મને કહે— મૂકેશભાઈને પુછી લો, શું કરવાનું છે? મૂકેશભાઈ ખૂબ સારા નેચરોથેરપિસ્ટ. શિવાનીને તેમના પર અગાધ શ્રદ્ધા! આમ મારે દર અઠવાડિયે શિવાનીની ફરમાઈશ ઉપર મૂકેશભાઈને ફોન કરવો જ પડે.
અમારાં ઘરમાંથી કોઈ ક્યારેય પ્લેનમાં બેઠું નહોતું. 2019માં વિવેક દેસાઈએ કહ્યું, “ચાલો, આપણે ફરવા જઈએ.”
ફરવાનું નામ સાંભળતાં શિવાનીએ તરત પુછ્યું, “ક્યાં?”
વિવેકે કહ્યું, “કેરળ!”
શિવાની ખૂબ ખુશ થઈ ગઈ. જ્યારે અમને ખબર પડી કે કેરળ પ્લેનમાં જવાનું છે; ત્યારે સૌથી વધુ રોમાંચિત શિવાની હતી. વિવેકનો પરિવાર અને અમે બધાં કેરળ ફરવા ગયાં હતાં. આ મારો અને મારા પરિવારનો પહેલો પ્લેનપ્રવાસ હતો. કેરળનાં કુદરતી વાતાવરણમાં શિવાનીને ખૂબ મજા આવી હતી. ત્યારે મને ખબર પડતી નહોતી, પણ પછી બધું ઝડપથી આગળ વધી રહ્યું હતું. તેનો મને જરા પણ અંદાજ નહોતો. અમે કેરળ ફરી પાછા આવી ગયાં હતાં. એક સાંજે હું અને શિવાની ઘરમાં બેઠાં હતાં ત્યારે આકાશ અમારી પાસે આવ્યો. આકાશ અલગ અલગ સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યો હતો. તેનો ચહેરો કહી રહ્યો હતો, તેને અમારી સાથે કંઈક વાત કરવી છે. તે અમારી પાસે બેઠો અને કહ્યું, “મને એક છોકરી ગમે છે. મારી સાથે સ્કૂલમાં હતી.”
અમે તેની સામે જોઈ રહ્યાં. મેં પુછ્યું, “શું નામ છે?”
તેણે કહ્યું, “ભૂમિ પટેલ.”
આમ તો આકાશ અને પ્રાર્થનાને મારો અને શિવાનીનો મત ખબર હતી. આ મામલે મારે અને શિવાનીએ કોઈ નિર્ણય કરવાનો જ નહોતો. આકાશ અને પ્રાર્થના પોતાનાં જે જીવનસાથી પસંદ કરે, તેની ઉપર મહોર જ મારવાની હતી. મેં શિવાની સામે જોયું. તેણે માથું હલાવી મને ઇશારો કર્યો કે, હા પાડો.
હું અને શિવાની માનતાં કે, બાળકો નાનાં હતાં ત્યારે તેમનાં રમકડાં પસંદ કરવાનો અધિકાર આપણે તેમને આપતાં, તો આ તો તેમની જિંદગીનો સવાલ છે! આપણે આપણી ઇચ્છાઓ તેમની ઉપર લાદી શકીએ નહીં. થોડા દિવસ પછી આકાશ અમારાં ઘરે ભૂમિને લઈ આવ્યો. મેં શિવાની સામે જોયું. તે ભૂમિને જોઈ રહી હતી. શિવાનીની આંખો કહી રહી હતી કે, તેને આકાશની પસંદગી ગમી છે. એ પછી ભૂમિની અમારાં ઘરે અવરજવર વધી, પણ મને આકાશ પસંદ છે; તેવું પોતાનાં ઘરે કહેવાની હિંમત ભૂમિમાં નહોતી. ભૂમિને ખબર હતી, તે પટેલ છે અને આકાશ મરાઠી બ્રાહ્મણ છે એટલે જ્ઞાતિનો પ્રશ્ન આવશે અને ભૂમિનો પરિવાર આ વાત માટે જલદી તૈયાર થશે નહીં. માટે ભૂમિ ઘરે વાત કરવાનું ટાળી રહી હતી.
બીજી સમસ્યા એવી હતી કે, ભૂમિ પોતે એચ.ડી.એફ.સી. બૅંકમાં નોકરી કરતી હતી, પણ આકાશ તો હજી સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાઓ આપી રહ્યો હતો. ભૂમિ પોતાનાં ઘરે વાત કરે તો પણ આકાશ પાસે તો નોકરી જ નહોતી! એટલે વાત કરવાનો પ્રશ્ન જ નહોતો. કારણ કે જે છોકરો નોકરી કરતો નથી તેને કોઈ કેવી રીતે દીકરી આપે? પણ ભૂમિનાં આગમન પછી શિવાની ખુશ હતી. શિવાની તેને નાના નાના મરાઠી રીવાજો શીખવડાતી હતી. આ દરમિયાન ગણેશ સ્થાપન, ગૌરી સ્થાપન, હળદી કુંકુ વગેરે રીવાજો તેને શીખવાડી રહી હતી. શરૂઆતમાં ભૂમિ શિવાનીને આઈ તરીકે સંબોધતી પણ ‘તમે’ કહી વાત કરતી હતી. એક દિવસ શિવાનીએ ભૂમિને પુછ્યું, “તું તારી મમ્મીને તમે કહે છે કે તું?
ભૂમિએ કહ્યું, “તું જ કહું છું.”
શિવાનીએ કહ્યું, “તો હું પણ તારી આઈ જ છું. તારે મને તું કહીને વાત કરવાની.”
આમ ભૂમિ હવે શિવાનીને તુંકારે બોલાવવા લાગી હતી. ભૂમિનાં ઘરે આ આખી વાતની ખબર નહોતી, પણ ભૂમિને અમને બધાને મળવાની ખૂબ તાલાવેલી થતી હતી એટલે રોજ સવારે તે બૅંકમાં જતી વખતે વહેલી નીકળી, અમને મળી પછી બૅંકમાં જતી હતી. સાંજ પડે પણ ભૂમિ પોતાનાં ઘરે જતાં પહેલાં અમારે ત્યાં આવતી હતી. સાડાપાંચ થાય એટલે ભૂમિ આવશે… તેની રાહ જોતી શિવાની સોફા પર બેસી રહેતી. કારણ કે આખો દિવસ શું થયું? તેની વાત કહેવા માટે તે ભૂમિની રાહ જોતી હતી. પછી ભૂમિ અને શિવાનીનાં ગપ્પા શરૂ થતાં હતાં. અંધારું થવા લાગે એટલે શિવાની ઘડિયાળ સામે જોઈ ભૂમિને કહેતી… હવે ઘરે જા, તારી રાહ જોતા હશે. પણ ભૂમિને ઘરે જવાની કોઈ ઉતાવળ હોતી નહીં.
શિવાની મને અવારનવાર કહેતી, ભૂમિ જો તેનાં મમ્મી પપ્પા સાથે વાત કરતી નથી, તો તમે વાત કરો. આકાશનું લગ્ન ઝટ થાય તેની શિવાનીને બહુ ઉતાવળ હતી, પણ આકાશની નોકરી હજી નક્કી થઈ નહોતી એટલે મારે વાત કરવાનો પ્રશ્ન જ નહોતો. કારણ, મારો મત સ્પષ્ટ હતો કે આકાશને નોકરી લાગે નહીં ત્યાં સુધી લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
2020નું વર્ષ થયું અને વિશ્વને કોઈની નજર લાગી. ભારતમાં પણ કોરોનાનું આગમન થયું. તે જ વખતે હું શિવાનીને લઈ ડૉ. તુષાર પટેલ પાસે ગયો હતો. તેમણે શિવાનીને તપાસી જરૂરી દવા લખી આપી અને કહ્યું, “જુઓ પ્રશાંતભાઈ! કોરાના ભારતમાં પણ આવી ગયો છે. ખાસ કરી જેમને ફેફસાં નબળાં હોય તેમને આ બીમારી જલદી પ્રભાવિત કરે. તમારે શિવાનીબહેનનું ધ્યાન રાખવું પડશે. કારણ કે આ પ્રકારનું પેશન્ટ જલદી પ્રભાવિત થાય છે.”
શિવાની આ સાંભળી રહી હતી. શિવાનીએ માથું હલાવ્યું. તેનો અર્થ કે, તેને ગંભીરતા સમજાઈ રહી હતી. ધીરે ધીરે કોરાનાના કેસ વધી રહ્યા હતા. લોકડાઉન શરૂ થઈ ચૂક્યું હતું. મને સતત શિવાનીની ચિંતા થઈ રહી હતી. કોરાનાનો પહેલો ફેઝ હતો તે સલામત રીતે પસાર થઈ ગયો, પણ બીજો ફેઝ દરવાજે દસ્તક આપી રહ્યો હતો. જેની ગંભીરતાની અમને ખબર જ નહોતી. હું જ્યાં રહેતો હતો તે નવજીવન બ્લોકમાં જડબેસલાક વ્યવસ્થા કરી હતી. બહારની વ્યક્તિના પ્રવેશ ઉપર પાબંધી હતી. ભૂમિ પણ અમારાં ઘરે આવી શકતી નહોતી. આમ પહેલો તબક્કો પસાર થઈ ગયો, પણ આવનાર તોફાનથી અમે અજાણ હતાં.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796