નવજીવન ન્યૂઝ. દાંતા: રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલો સારી રીતે કામ કરે છે તે જોવા માટે વધું એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક સરકારી શાળામાં શિક્ષક દારૂના ચિક્કાર નશામાં ધૂત જોવા મળ્યા હતા. શિક્ષકે દારૂ એ હદે પીધો હતો કે તેઓ બોલવા પણ સક્ષમ ન હતા. છતાં પણ તેઓ લવારી કરતા જોવા મળે છે કે, કોણે ના પાડી કે શાળામાં દારૂ ન પિવાય, બોલાવો ના પાડનારાને, દારૂ પિવાનો પણ બાળકોને નહીં ભણાવું. આ વિડીયો વાયરલ થતા શિક્ષણ અને દારૂબંધીની સ્થિતી ઉજાગર થતા જ મામલાની તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
300 બાળકોને દારૂડિયો ભણાવશે ?
વાયરલ વિડીયોની કથિત ઘટના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જોધસર પ્રાથમિક શાળાની છે. જેમાં 300 જેટલા વિદ્યાર્થી ધોરણ 7 સુધી અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં કુલ 7 શિક્ષકો હોવાની માહિતી મળે છે જેમાં બે મહિલા અને 5 પુરુષ શિક્ષકો છે. પરંતુ આ શાળાના બે શિક્ષકો શાળામાં દારૂનો નશો કરી આવતા હોવાની રાવ ઉઠી હતી. ત્યારે એક વ્યક્તિએ શાળાના નશાખોર શિક્ષકને રંગે હાથ ઝડપી ચોંકાવનારો વિડીયો લોકો સમક્ષ રજૂ કર્યો હતો. આ વિડીયો સામે આવતા વાયરલ થયો અને શિક્ષણ અધિકારી અને પોલીસની કામગીરી પર સવાલ પેદા થયા છે.

જીભ ગોથા ખાતી હતી અને…
શાળાના નશાખોર શિક્ષકની ઉઠતી ફરિયાદો બાદ સ્થાનિક લોકોએ જોધસર શાળાની મુલાકાત કરી હતી. દરમિયાન એક શિક્ષક ચિક્કાર નશામાં ધૂત જોવા મળ્યો હતો. આ શિક્ષકે એટલો દારૂનો નશો કર્યો હતો કે તે ઉભો રહી શકે કે બોલી શકે તેવી સ્થિતીમાં પણ ન હતો. ત્યારે સ્થાનિક લોકોએ વિડીયોમાં વાત કરી હોય તેમ જણાય છે, જેના જવાબમાં શિક્ષકની જીભ લથડીયા ખાતી હોય તેમ જણાય છે. શિક્ષકને શાળામાં દારૂ ન પીવાય સરકારની મનાઈ છે તેમ પુછતા શિક્ષક અપશબ્દો બબડવાનું શરૂ કરે છે.
કોણે ના પાડી બોલાવો
લોકો સમક્ષ દારૂડીયો શિક્ષક લાજવાને બદલે ગાજતો જોવા મળ્યો હતો. અને કહેતો જણાયો કે શાળામાં દારૂ પીવાની કોણે ના કહી, દારૂ પીવાનો બાળકોને નહીં ભણાવવાના, કોણે દારૂ પીવાનીના પાડી બોલાવો. આ મામલો સામે આવતા હવે શિક્ષણ અધિકારી સફાળા જાગ્યા છે અને તપાસના આદેશ આપ્યા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે ગ્રામજનો દ્વારા શિક્ષકને તાત્કાલીક સસ્પેન્ડ કરવાની માગણી ઉઠી છે.
દારૂડિયો શિક્ષકનો વીડિયો વાયરલ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796