જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):મહેસાણાના વિસનગરમાં દલિત પરિવારની દીકરીની હત્યા કરેલી હાલતમાં એરંડાના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પોલીસને મૃતદેહ અંગેની જાણકારી મળે અને સ્થળ પર જાય છે ત્યારે નગ્ન હાલતમાં યુવતીનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ મામલે પોલીસે યુવતીના પરિવારની શોધખોળ કરીને પરિવારને જાણ કરી હતી. હાલમાં યુવતીના મૃતદેહનો પોસ્ટ મોર્ટમ કરવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ (ahmedabad civil hospital)માં લાવવામાં આવ્યો હતો. જ્યાં જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) ની હાજરીમાં જ હાથ જોડી, માથા પછાડીને પરિવારજનોએ આંક્રદ કરી મુક્યો હતો. સાથે હત્યારાઓને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પણ આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગત 25 એપ્રિલના રોજ મહેસાણાના વિસનગરના વાલમ ગામના દલિત પરિવારની દીકરી મોલમાં નોકરી પર ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. દીકરી ઘરે પરત ન આવતા પરિવારજનોએ દીકરીની શોધખળ શરૂ કરીને પોલીસમાં જાણ કરી હતી. જોકે બે દિવસ બાદ પોલીસને બાસણા ગામના પાટિયા પાસેના એક નજીકના ખેતરમાંથી નગ્ન હાલતમાં એક યુવતીની લાશ મળી આવી હતી. પોલીસે યુવતી કોણ છે અને ક્યાંની રહેવાસી છે તે દિશામાં તપાસ કરતાં બે દિવસ પહેલા ગુમ થયેલી દલિત પરિવારની દીકરી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને જે ખેતરમાંથી યુવતીની નગ્ન અવસ્થામાં લાશ મળી હતી. તેના 500 મીટર દૂરથી જ યુવતીના કપડાં અને બેગ મળી આવ્યા હતા. ઉપરાંત આ સ્થળની નજીકમાં જ એક કોલેજ પણ આવેલી છે. જેથી દીકરી સાથે દુષ્કર્મ થયો હોવાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં યુવતીની લાશને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી પીએમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી. પરંતું દીકરીના પરિવાજનોએ મૃતદેહને સ્વીકારનો ઈનકાર કર્યો છે. પરિવારની માગ છે કે જ્યાં સુધીમાં દીકરીના હત્યારાઓ નહીં ઝડપાય અને તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે. દલિત દીકરીની હત્યાના બનાવ અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. દીકરીના મોત અંગે જીગ્નેશ મેવાણીએ દલિતો પર થતા અત્યાચારોને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ઘટનામાં દલિત પરિવારની હાલત એવી હતી કે તેઓ જ્યારે જીગ્નેશ મેવાણીની સામે આવ્યા ત્યારે રીતસરના હાથ જોડી જાણે ન્યાય માટે કાકલુદી કરતા હોય તેમ નજરે પડ્યા હતા. એક તરફ દીકરીનો દેહ નગ્નાવસ્થામાં મળે છે અને બીજી બાજુ ઘટનાના 24 કલાક પછી પણ હત્યારાઓ ફરાર છે ત્યારે તેમણે મેવાણી સામે રીતસર માથા પછાડ્યા હતા. તેઓ પોતાની આ કમનસીબી પણ લાચાર નજરે પડી રહ્યા હતા. પોલીસ દીકરીને તાત્કાલિક ન્યાય અપાવે તે માટે ચોધાક આંસુએ રજૂઆત કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796