વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા): ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનાં ચંદેરીયા ખાતે ગુજરાતના સ્થાપના દિવસ 1 મે ના રોજ આમ આદમી પાર્ટી અને બીટીપી એ આદીવાસી સંકલ્પ મહા સંમેલન યોજી આવનારી 2022 વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી. આ મહા સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, બીટીપીના સ્થાપક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભરૂચ દૂધધારા ડેરીની વા. ચેરમેન મહેશ વસાવા, આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, પ્રો. અર્જુન રાઠવા, ઈશુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજગુરુ સહિત મોટી સંખ્યામાં આપ-બીટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે પેહલા અંગ્રેજોએ શોષિત કર્યા હવે પોતાનાં જ કરે છે, મોટા મોટા પ્રોજેક્ટો બનાવી લાખો આદીવાસીઓને ભાજપે વિસ્થાપિત કર્યા છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કટાક્ષમાં જણાવ્યું હતું કે ભારતના સૌથી 2 અમીર વ્યક્તિઓ પણ ગુજરાતના છે અને દેશનાં સૌથી ગરીબ એવા આદીવાસીઓ પણ ગુજરાતનાં છે. દાહોદ, છોટાઉદેપુર સહિત અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના મોટે ભાગના આદીવાસીઓ ગરીબી હેઠળ જીવે છે તો ભાજપે અત્યાર સુધી શું કર્યું. ભાજપ અને કોંગ્રેસ અમીરો સાથે છે, ભાજપ સત્તામાં છે ત્યાં સુધી અમીરોને વધારે અમીર બનાવશે. આમ આદમી પાર્ટી ગરીબોની પાર્ટી છે. દિલ્હીના લોકો તો મને ખૂબ જ પ્રેમ કરે છે પણ હું ગુજરાતીઓનો પ્રેમ માંગવા આવ્યો છું.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ઘણાં ભાવુક છે, એક વાર જેને પ્રેમ કરે એને આજીવન પ્રેમ કરે છે. હું ગુજરાતના 6.5 કરોડ લોકો સાથે દિલથી દિલનો સબંધ બનાવવા આવ્યો છું. ચોરી, ભ્રષ્ટાચાર અને ગંદી રાજનીતિ કરતા મને નથી આવડતી મને ફકત કામ કરતા આવડે છે. ગુજરાતની શાળાઓની બદતર હાલત છે, પૂરતા શિક્ષકો નથી. દિલ્હીનું શિક્ષણ પેહલા કહેતા હમણાં ઘણું સારું થઈ ગયું છે, દિલ્હીની સરકારી શાળાઓનું ઇતિહાસમાં સૌથી વધુ 99.7 ટકા રીઝલ્ટ આવ્યું છે. આ વર્ષે દિલ્હીના 4 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં એડમિશન લીધું છે, હવે દિલ્હીની દરેક બેન્ચ પર જજ, અધિકારી અને રિક્ષા ચાલકનો છોકરો સાથે બેસી અભ્યાસ કરશે, આ જ ડો.બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું જે દિલ્હી સરકારે પૂરું કર્યું. ગુજરાતના સી.એમ ભૂપેન્દ્ર પટેલ તમે દિલ્હીની શાળાઓ જોવા આવો તો તમે પણ ખુશ થઈ જશો.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપે 27 વર્ષના શાસનમાં ગેર વહીવટ કર્યો છે, જો બીજા 5 વર્ષ આપશો તો ગુજરાતને લૂંટી લેશે. ભાજપનું પેપર લીક કાંડમાં ગીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ થશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં શિક્ષણ, વીજળી, પાણી અને આરોગ્ય સેવા મફત છે, દિલ્હીમાં એક વર્ષમાં 12 લાખ યુવાનોને રોજગાર આપ્યો છે, આગામી 5 વર્ષમાં બીજા 20 લાખ લોકોને રોજગારીનો પ્લાન છે, દિલ્હીમાં ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે. જો ગુજરાતમાં એવું કરવું હોય તો ભાજપનો ઘમંડ તોડવા માટે એક વખત અમને તક આપો. 5 વર્ષમાં જો અમારું કામ સારું ન લાગ્યું તો અમને લાત મારી સત્તા માંથી બહાર તગેડી મુકજો. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મહારાષ્ટ્રના છે, ભાજપને 6.5 કરોડ ગુજરાતીમાંથી કોઈ યોગ્ય વ્યક્તિ ન મળ્યો કે મહારાષ્ટ્રના વ્યક્તિની પસંદગી કરી, મહારાષ્ટ્રથી ગુજરાતનું શાસન ચાલે એ ગુજરાતીઓનું હળ હળતું અપમાન સમાન છે.
જ્યારે બીટીપીના સ્થાપક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શાસન વ્યવસ્થા ખરાબ હોવાથી આદીવાસીઓ સહિત આમ જનતા ભોગવવાનો વારો આવ્યો છે. એવાં લોકો પાસેથી શાસન લઈ લેવું જોઈએ. દેશ અને ગુજરાતની સરકારે શિક્ષણનું નામો નિશાન મિટાવી દીધું છે. ભાજપ સરકાર ઓ.બી.સી ની વસ્તી ગણતરી કરી નથી, એનું એક જ કારણ કે જો ઓ.બી.સી ની વસ્તી ગણતરી કરે તો એનું અલગ બજેટ બનાવવું પડે અને વિધાનસભા લોકસભામાં ચૂંટણી લડવા અલગ ક્વોટા બનાવવો પડે, ભાજપ સરકારે દેશના દરેક લોકોને બજેટ કાર્ડ આપવું જોઇએ. ભાજપ સરકાર સરકાર આદીવાસીઓનું બજેટ ખાઈ જઈ ઉધોગપતિઓને આપી દે છે. 40 લાખ કરોડ બજેટ ક્યાં વાપર્યું, વિવિધ બેંકમાંથી લોન લઈને ક્યાં વાપરી ભાજપ સરકાર એનો હિસાબ આપે. દેશનું દેવું 160 લાખ કરોડ પહોચી ગયું છે, ભાજપે દેશને કશું આપવું નથી બસ અંદરો અંદર વેહેચીને ખાઈ જવું છે. ભાજપ અને કોંગ્રેસની સરકારે આદિવાસી વિસ્તારમાં 4,700 ડેમ બનાવી 3 કરોડ આદીવાસીઓને વિસ્થાપિત કર્યા છે. આપણી સત્તા આવશે તો જ આપણાથી જીવાશે બાકી જીવી નહિ શકાય. ભારત એક પેહલો એવો દેશ છે જેના મત નથી એ લોકો સત્તા ભોગવી રહ્યા છે અને જેમના મત છે એ લોકો વેઠી રહ્યા છે.આ સરકારો 75 વર્ષથી આદિવાસીઓનું બજેટ વાપરી કાઢે છે, બસ એમને તો આદિવાસીઓને અશિક્ષિત રાખવા છે.
જયારે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભરૂચ દૂધધારા ડેરીની વા. ચેરમેન મહેશ વસાવાએ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના ગરીબોને બે ટંકના રોટલા માટે હિજરત કરવી પડે છે. ભાજપ કોંગ્રેસે દેશની હાલત ખરાબ કરી દીધી છે. કોરિડોર, લિંક પ્રોજેક્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મોટા મોટા ડેમો બનાવી આદિવાસીઓની જમીનો છીનવી લીધી. ઉકાઇ અને નર્મદા ડેમ જેવા મોટા ડેમ હોવા છતાં પણ સ્થાનિકોને સિંચાઈનું તો છોડો પણ પીવાનુ પાણી પણ મળતું નથી. ગુજરાતમાં 27 વર્ષના શાસનમાં ભાજપે લોકોનુ શોષણ કર્યું, સરમુખત્યારશાહી ચલાવી અને કોમવાદ કરાવ્યા છે. બધાને સમાન અધિકાર મળવા જોઈએ. બીટીપી-આપનું ગઠબંધન થવાથી મોદી-શાહને ચિંતા છે કે હવે શું કરીશું, થોડા જ સમયમાં એ બંને ઘર ભેગા થઈ જશે.








