Devbhumi Dwarka viral video farmer vs Mulubhai bera MLA BJP: દેવભૂમિ દ્વારકાના ભીંડા ગામમાં ભાજપના પ્રચાર દરમિયાન ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ભાડથર બેઠકની પેટાચૂંટણીને લઈને પ્રચાર માટે પહોંચેલા ભાજપના ધારાસભ્ય મૂળુભાઈ બેરાનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. વાયરલ થયેલા આ વીડિયો અંગે સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ થવા લાગી છે. પ્રાપ્ત થઈ રહેલા અહેવાલ મુજબ, અનિયમિત વીજળીના પ્રશ્નને લઈને ખેડૂતોએ ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વીજળી, ઘાસચારો અને પીવાના પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ અંગે પણ ખેડૂતો દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. પ્રચાર દરમિયાન ખેડૂતો પોતાની સમસ્યાઓ અને બળાપો રજૂ કરતા જોવા મળ્યા હતા. પરંતુ 100 વાતની એક વાત, ખેડૂતોએ ભાજપ ધારાસભ્યને રીતસર રોકડું પરખાવી દીધું હતું.
ખેડૂતોનું કહેવું હતું કે તેઓ લાંબા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેનો યોગ્ય ઉકેલ મળ્યો નથી. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય મૂળુભાઈ બેરા સાથે પૂર્વ ધારાસભ્યના પુત્ર તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો પણ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. ગામલોકોએ પ્રચાર માટે આવેલા તમામ લોકો સામે પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. ગામલોકો દ્વારા અગાઉ કામ ન થયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ ઘટનાને લઈને ચર્ચા ચાલી રહી છે. આ ઘટના દેવભૂમિ દ્વારકાના ભીંડા ગામની જિલ્લા પંચાયત બેઠકના વિસ્તારમાં બની હોવાનું જણાવાયું છે.








