પ્રશાંત દયાળ (શતરંજ-46, નવજીવન ન્યૂઝ): વિનોદ પરમાર પોતાની ઑફિસમાં આવી બેઠા હતા. રોજ પ્રમાણેનું જ કામ હતું. તેમને ઑફિસમાં તેમની સાથે કામ કરતા અન્ય ઇન્સ્પેક્ટરો અને સબ-ઇન્સ્પેક્ટરો તેમની ચેમ્બરમાં દાખલ થયા. તે બધાના ચહેરા ઉપર એક પ્રકારનો ઉત્સાહ અને આશ્ચર્યનો ભાવ હતા. એક ઇન્સ્પેક્ટરે પરમારને પરાણે હાથ પકડી તેમની સાથે હાથ મિલાવતાં કહ્યું, “કમાલ કરી નાખી પરમાર! તમે તો છૂપા રુસ્તમ નીકળ્યા. અમને ખબર પણ પડવા દીધી નહીં.” હજી પરમાર કંઈ સમજે તે પહેલાં તેમના સબ-ઇન્સ્પેક્ટરે તેમને અભિનંદન આપતા હોય તે રીતે કહ્યું, “સાહેબ, તમે ગજબ હિંમત કરી, અમારું તો કામ નહીં.” પરમારના ચહેરા ઉપર કંઈ ભાવ ન હતો, એટલે ત્યાં આવેલા બધા જ સમજી ગયા હતા, કે પરમાર શું બન્યું તેનાથી અજાણ છે, એટલે એક સબ-ઇન્સ્પેક્ટરે તરત પરમારના ટેબલ ઉપર પડેલું ટીવીનું રિમોટ ઉપાડી ટીવી ચાલુ કર્યું. પરમારે પૂછ્યું, “શું થયું છે… કોઈ કહેશો મને?” પેલા ઑફિસરે તેમને ટીવી સામે જોવાનો ઇશારો કર્યો, ટીવી ઉપર ન્યૂઝ સ્ક્રોલ ચાલી રહ્યો હતો : “કુખ્યાત નિઝામ કા ઍન્કાઉન્ટર નહીં, લેકિન ગુજરાત પોલીસને હત્યા કર દી થી — સુપ્રીમ કોર્ટ મેં ગુજરાત સરકારને ખુલાસા કિયા.” પરમાર પણ સ્તબ્ધ હતા. તેમના જ રિપોર્ટના આધારે સ્ટેટ રિપોર્ટ થયો હતો. તેમને ખબર હતી, પણ આ સમાચાર આટલા મોટા બની જશે, તેવું નક્કી કરવામાં થાપ થઈ ગયા હતા.
એક પછી એક ટીવી ચૅનલો ઉપર આ જ સમાચાર ચાલી રહ્યા હતા. હમણાં સુધી ગુજરાત પોલીસે અનેક ઍન્કાઉન્ટર કર્યાં હતા, પણ પહેલી વખત ઍન્કાઉન્ટર બનાવટી હોવાની ખુદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટની વાતનો સ્વીકાર કર્યો હતો. પરમારને હવે લાગી રહ્યું હતું કે ગરબડ થવાની છે. ત્યાં જ તેમના ફોન ઉપર ડીઆઇજી રાજુ દવેનો ફોન આવ્યો. તેમણે તેમને પોતાની ચેમ્બરમાં આવવાની સૂચના આપી. પરમાર તેમની ચેમ્બરમાં પહોંચ્યા ત્યારે દવે પણ ટીવી જ જોઈ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટની બહારથી રિપોર્ટિંગ કરી રહેલા ટીવી-રિપોર્ટરનો દાવો હતો કે કોર્ટે આ મામલે ગુનો દાખલ કરવાનો ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો. પરમારને જોતાં, દવેએ ટીવીનું વૉલ્યુમ ધીમું કરતાં કહ્યું : “પરમાર, તમારે રિપોર્ટ ફાઈલ કરતા પહેલાં મારું ધ્યાન તો દોરવું હતું.” પરમારે સ્વસ્થતા સાથે કહ્યું, “સર, હું સોલાપુર જઈ આવ્યો, ત્યારે પણ તમારી સાથે વાત કરી હતી. રિપોર્ટ સબમિટ કરતી વખતે પણ તમને મેં તેની ઉપર એક નજર કરી લેવાની વિનંતી કરી હતી.” “હા પરમાર, તમે મને વાત કરી હતી, પણ મામલો આટલો સિરિયસ છે તેવું મને નહોતું લાગ્યું.” દવેના કપાળ ઉપરની રેખાઓ તંગ હતી. હવે શું થશે તેવી ચિંતાએ તેમને ઘેરી લીધા હતા. ત્યાં જ દવેના ઇન્ટરકૉમ ઉપર ફોન આવ્યો. તેમણે ફોન ઉપાડી ‘સર સર સર’ કહી ફોન મૂક્યો અને ઊભા થતાં કહ્યું, “હવે બધા જવાબ મારે કરવા પડશે. ડીજી સાહેબે બોલાવ્યો છે.”
પરમાર હજી ઊભા જ હતા. દવે તેમને કોઈ પણ સૂચના આપ્યા વગર પોતાની કૅપ લઈ ડીજીપી પાસે જવા નીકળ્યા. આખી ડીજીપી ઑફિસમાં નિઝામના ઍન્કાઉન્ટરની જ ચર્ચા હતી. પરમાર સાઇડ પોસ્ટિંગમાં હોવાને કારણે તેમને પત્રકારો સાથે ઘરોબો ન હતો, જેના કારણે મોટા ભાગના પત્રકારો પાસે તેમનો મોબાઇલ ફોન-નંબર નહોતો પહોંચ્યો, જેના કારણે હજી સુધી તેમને કોઈ પત્રકારોનો ફોન આવ્યો ન હતો. પરમારને લાગી રહ્યું હતું કે જાણે તેઓ એકલા જ એક સ્થળે ઊભા છે અને તેમની આસપાસના લોકો દોડાદોડી કરી રહ્યા છે. તે જ દિવસે એવું બન્યું કે આદેશ ગુજરાત એટીએસની ઑફિસમાં ઇન્દ્રસિંહ જાડેજાને મળવા માટે ગયો હતો. તે તેમની ચેમ્બરમાં પહોંચ્યો તે પહેલાં પણ ટીવી ઉપર નિઝામના જ સમાચાર જોઈ રહ્યા હતા. તેમના ચહેરા ઉપર એક પ્રકારનો છૂપો આનંદ હતો. તેમને લાગી રહ્યું હતું કે, સોગઠી બરાબર વાગી છે. જાડેજા જે દિશામાં ગેમને લઈ જવા માગતા હતા, તે પ્રમાણે તેઓ એવું માનતા હતા કે, નિઝામ કેસમાં તેમની હાજરી ક્યાંય સાબિત થાય તેમ નથી. કેસ બરાબર ચાલે એટલે હવે બહુ જલદી, ડીસીપી વછરાજાની, દિનેશ નાયર અને તેમના અધિકારીઓ જેલમાં જશે. જોકે તેમની સાથે કામ કરતા કેતન રાજપૂત અને ઉદય પટેલને પણ જવું પડે. કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે. ઇન્દ્રસિંહ પોતાના સ્વાર્થ માટે પોતાના અધિકારીઓનો પણ ભોગ લઈ શકતા હતા.
આદેશને જોતાં જ તેમના ચહેરા ઉપરના ભાવ બદલાઈ ગયા. ટીવી સામે જોતાં જ તેમણે આદેશને કહ્યું, “ખાલી ગુજરાતમાં જ ઍન્કાઉન્ટર થાય?! કાશ્મીરમાં હજારો પંડિતોએ હિજરત કરી ત્યારે સુપ્રીમ કોર્ટે તેમના માનવ-અધિકાર અંગે કંઈ કહ્યું?” આદેશ કંઈ બોલ્યો નહીં, કારણ કે તે અધિકારીઓના મોઢે આવી માનવ-અધિકારોની વાત અનેક વખત સાંભળી ચૂક્યો હતો. તેની પાસે તેનો તાર્કિક જવાબ પણ હતો કે કોઈ ગુંડો ગુંડાગીરી કરે એટલે કંઈ આપણને ગુંડાગીરી કરવાનું લાઇસન્સ મળી જતું નથી. આદેશ તેની ચર્ચા કરવા માગતો ન હતો. ઇન્દ્રસિંહને લાગ્યું કે, આદેશ નિઝામ કેસની માહિતી લેવા માટે આવ્યો હશે. એટલે તેમણે સામેથી સ્પષ્ટતા કરતાં કહ્યું, “જુઓ, અમારી પાસે નિઝામ ત્રાસવાદી હતો, તેના પૂરતા પુરાવા છે. અમારે ક્યાં નિઝામ સાથે અંગત દુશ્મનાવટ હતી?! અમે જે કંઈ કર્યું તે અમારી નોકરીના ભાગ રૂપે હતું.” આદેશ શાંત હતો એટલે ઇન્દ્રસિંહ વધુ ડરી ગયા. આદેશ શાંત રહે ત્યારે ઘણા પોલીસ-અધિકારીને ડર લાગતો હતો. ઇન્દ્રસિંહે ડિફેન્સિવ થવાને બદલે એગ્રેસિવ મૂડમાં આવતાં કહ્યું, “આદેશ, મારે તારી સામે એક ફરિયાદ છે… તને કાયમ એવું જ લાગે છે કે અમે પોલીસવાળા ખોટું જ કરીએ છીએ! આ સારું નથી. તારું માઇન્ડસેટ બદલી નાખ.” આદેશને લાગ્યું કે હવે મારે જવાબ આપવો પડશે.
તેણે કહ્યું, “સાહેબ, મારી યાદશક્તિ સારી છે. તમને યાદ અપાવું. આક્રોશ પાર્ટીની ૧૯૯૮માં સરકાર હતી, ત્યારે તમે નરોડામાં રોહિત જાડિયાનું ઍન્કાઉન્ટર કર્યું હતું. ત્યારે તમારી સ્ટોરી પ્રમાણે તે વૉન્ટેડ આરોપી હતો. તમારા સ્ટાફે જ્યારે તેને આંતર્યો એટલે તેણે પોલીસ ઉપર ગોળીબાર કર્યો અને સેલ્ફ ડિફેન્સમાં થયેલા ગોળીબારમાં તે માર્યો ગયો, બરાબર ને?” ઇન્દ્રસિંહ એકદમ શાંત થઈ ગયા. તેમને સમજાયું જ નહીં કે હવે આદેશ કેવો બૉલ ફેંકશે અને તેમણે કેવી રીતે રમવું પડશે. આદેશે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “સાહેબ, મને ખબર હતી કે, તમે તેના ઍન્કાઉન્ટરના ચાર દિવસ પહેલાં બોપલના બિલ્ડર મહેશ ગાંજીપરાના ફાર્મ હાઉસમાંથી તેને ઉપાડ્યો અને ત્યાર બાદ તેનું ઍન્કાઉન્ટર કર્યું હતું. મેં તેની ડેડ બૉડી પણ જોઈ હતી. તેના ગુપ્તાંગનો ભાગ સૂઝેલો હતો, જે માત્ર ને માત્ર મારવાને કારણે સૂઝી ગયો હતો. આ બધું હું લખી શક્યો હોત કે નહીં?” ઇન્દ્રસિંહે કંઈ જવાબ આપ્યો નહીં. “મેં આ બધી બાબતો ના લખી તેનું એકમાત્ર કારણ એવું હતું કે રોહિત જાડિયાના ત્રાસની મને ખબર હતી, તે ધારે ત્યારે લોકોને રસ્તામાં લૂંટી લેતો, ચાકુ મારી દેતો અને ત્યાં સુધી કે તેને જે છોકરી પસંદ આવે તેની ઉપર બળાત્કાર ગુજારતો હતો અને આપણી કોર્ટ બળાત્કારનો ભોગ બનેલી છોકરીઓ પાસે પુરાવા માગતી…” તેણે એક શ્વાસ લીધો અને પછી કહ્યું, “તમે જે કર્યું તે બરાબર હતું. આપણો કાયદો રોહિતને સજા કરવામાં પાંગળો પુરવાર થતો હતો. હું ઍન્કાઉન્ટર વિરોધી નથી અને તરફી પણ નથી, પણ દરેક વખતે બધાની દવા એક સરખી ના હોય.”
“નિઝામને પણ તમે ગુંડા તરીકે માર્યો હોત તો કદાચ મારું રિપોર્ટિંગ કંઈક જુદા પ્રકારનું હોત. પણ, માત્ર મુસ્લિમ હોવાને કારણે તેને ત્રાસવાદી બનાવી દેવાનો અને તમારા મુખ્યમંત્રીને હિંદુ નેતા થવાની ઉતાવળમાં તમે ઍન્કાઉન્ટરના નામે હત્યા કરી નાખો તે વાત મને મંજૂર નથી.” તરત જ ઇન્દ્રસિંહે કહ્યું, “તને યાદ હશે… તે દિવસે તો હું તારા પછી સ્પૉટ ઉપર પહોંચ્યો હતો. આખું ઑપરેશન રાજસ્થાન પોલીસનું જ હતું. માત્ર તેમણે આપણી મદદ માગી હતી. બાકી સાચું કહું તો તું નહીં માને… મારે આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. સુપ્રીમ કોર્ટને જે તપાસ કરવી હોય તે કરે… મને ક્યાં વાંધો છે?’ આદેશે જોયું કે ઇન્દ્રસિંહના ચહેરા ઉપર જાણે પકડાઈ ગયા હોય તેવો ભાવ હતો. ઇન્દ્રસિંહ હવે નિઝામની વાત કરવા માગતા ન હતા, તેમણે તરત ટીવી બંધ કરી દીધું અને આદેશ માટે ચાનો ઑર્ડર આપી, પ્રેસ-લાઇનમાં શું ચાલી રહ્યું છે તેની ખબર પૂછવા લાગ્યા.
(ક્રમશ:)








