નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ કોરોના સામે સુરક્ષાને લઈને હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે 12થી 14 વર્ષના બાળકોને રસી આપવાનું અભિયાન 16 માર્ચથી શરુ થશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે કે બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત! મને કહેતા ખુશી છે કે 16 માર્ચથી 12થી 13 અને 13થી 14 વર્ષના બાળકોનું કોરોના રસિકરણ શરૂ થઈ રહ્યું છે. સાથે જ 60+ વય ધરાવતા તમામ લોકોને પ્રિકોશન ડોઝ લઈ શકાશે. મારો બાળકો અને પરિજનો તથા 60+ વયજુથના લોકોને આગ્રહ છે કે તે વેક્સીન જરૂર લગાવડાવે.
માર્ચની શરૂઆતમાં જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં 15 થી 18 વર્ષની વયના ત્રણ કરોડથી વધુ કિશોરોનું કોવિડ-19 રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે યંગ ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને આગલા સ્તર પર લઈ જઈ રહ્યું છે. માંડવિયાએ ટ્વીટ કર્યું હતું કે 15 થી 18 વર્ષની વય જૂથના 30 મિલિયનથી વધુ કિશોરોને COVID-19 સામે સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. યુવા ભારત વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને આગલા સ્તર પર લઈ જઈ રહ્યું છે! બધાને રસી મુક્ત રસી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,503 નવા કેસ નોંધાયા છે અને 27 લોકોના મોત થયા છે. કોવિડ કેસમાં 19.6 ટકાનો ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 42,993,494 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 36,168 છે. છેલ્લા 24 કલાકમાં 4,377 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 42,441,449 લોકો સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 515,877 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 4,61,318 રસીકરણ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,80,19,45,779 થયા છે.








