Friday, December 1, 2023
HomeGujaratન્યાય ક્યારેય મફત મળતો નથી ન્યાય માટે કાયમ કિંમત ચૂકવવી પડે છે

ન્યાય ક્યારેય મફત મળતો નથી ન્યાય માટે કાયમ કિંમત ચૂકવવી પડે છે

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણા દેશ અને રાજ્યમાં મફત ન્યાય મળે તેવી વ્યવસ્થા છે. સાંભળવા માટે આ વ્યવસ્થા સારી લાગે છે પરંતુ વાસ્તવમાં ન્યાય ક્યારેય મફત મળતો નથી કારણ ન્યાય મેળવવા માટે વિવિધ પ્રકારની કિંમત ચૂકવવી પડે છે. 2014માં હું પણ આવી સ્થિતિમાંથી પસાર થયો. ત્રણ દાયકા પોલીસ, કોર્ટ અને પોલીટીકલ રિપોર્ટિંગ કર્યું અનેક કેસનું રીપોર્ટીંગ પણ કર્યું જેના કારણે અસંખ્ય વખત કોર્ટમાં ગયો હતો. કોર્ટની કાર્યવાહી અને નિયમોથી વાકેફ હતો, અનેક વકીલો પણ મિત્ર થઈ ગયા હતા. પરંતુ 2014માં જ્યારે હું કોર્ટમાં પક્ષકાર તરીકે ન્યાય મેળવવા માટે ગયો ત્યારે પહેલી વખત સમજાયુ કે તમે સાચા છો અને તમને અન્યાય થયો છે તેવુ કોર્ટમાં સાબિત કરવું બહુ મુશ્કેલ કામ હોય છે. સદ્દનસીબે અમારી સાથે જાણીતા કાયદાવિદ સ્વર્ગસ્થ ગીરીશ પટેલ હતા. તેઓ અમારી સાથે હતા, જ્યા સુધી તેમની ફી ચૂકવવાનો પ્રશ્ન હતો ત્યાં સુધી તો તેમણે ફી લેવાનો પણ ઇન્કાર કર્યો હતો. અમારા આગ્રહને કારણે ગીરીશ પટેલે એવું કહ્યું કે તમારી વ્યવસ્થા પ્રમાણે જે ફિ આપવી હોય તો આપજો, અહીંયા ફિ ન્યાયની કિંમત છે તેવુ હું કહેવા માગતો નથી દરેક કિંમત પૈસામાં ચુકવવાની હોતી નથી.

મારા અનુભવમાંથી હું શીખ્યો છુ કે આપણે ત્યાં પહેલા તો મોટા ભાગના લોકોને અન્યાય થાય છે તેવો અહેસાસ થતો જ નથી. ઉદાહરણ રૂપે રસ્તામાં કોઈ પોલીસ કે આસપાસનો કોઈ ગુંડો આપણી સાથે દુર્વ્યવહાર કરે સ્વાભાવિક રીતે આપણને માઠુ લાગવું જોઈએ પણ મહદ અંશે તેવું થતું નથી. કારણ જેની સાથે ખોટું થયું છે તેમની કિંમત ચૂકવવાની તૈયાર નથી. તેનો અર્થ એવો થયો કે ન્યાય તો જોઈએ છીએ પણ ન્યાય માટે બોલવુ પડે, લડવુ પડે આકરા અને કડવા થવુ પણ પડે તો તેની તૈયારી નથી એટલે ન્યાય ન મળે વાંધો નહીં પણ ન્યાય માટે કોઈની સાથે બાધવુ નથી. સરકારનો દાવો છે અને આપણી પાસે એક નાનકડી વ્યવસ્થા પણ છે કે જેમની વાર્ષિક આવક બે લાખ કરતા ઓછી છે અને જો તેમને ન્યાય માટે વકિલ રોકવો હોય તો સરકાર તેની વ્યવસ્થા કરે છે. પણ સરકાર મફત વકીલ આપે તેની સાથે ન્યાય મફત મળી જાય છે તેવુ પણ નથી. પહેલા તો જે માણસ એવુ સ્વીકારે છે કે પોતાની સાથે અન્યાય થયો છે અને તે અન્યાયના ભાવનાની સાથે લાચારી-પીડા અને એકલા પડી જવાની લાગણી જન્મે છે ત્યાંથી જ  માણસ કિંમત ચુકવવા લાગે છે.

- Advertisement -

જયારે કોઈ માણસને એવુ લાગે કે અન્યાય થયો છે અને ન્યાય મેળવવા માટે તે બહાર નિકળે છે ત્યારે તેની આસપાસના જ લોકો રોકે અને ટોકે છે. આપણે નાના માણસ છીએ, આપણે પહોંચી નહીં શકીએ સત્તા આગળ શાણપણ નકામું વગેરે વગેરે ઉદાહરણ આપી ન્યાય મંદિરમાં જતા પહેલા આપણે માનસિક ઉદ્દવેગમાં નાખે છે. આખી પ્રક્રિયામાં એકલા પડી જવાની ઘટના પણ કિંમત ચુકવવાનો એક ભાગ છે. આખી લડાઈમાં સગા સંબંધીઓ અને મિત્રો તમને પાગલ સમજવા લાગે તે પણ રૂપિયામાં ચુકવેલી કિંમત કરતા વધારે મોંઘુ લાગે છે. અહીંયા અન્યાયની જ્યારે હું વાત કરુ છુ ત્યારે માત્ર સરકારની વાત નથી. અન્યાય કરનાર પોતાના કોઈ સગા-મિત્ર, આપણે કામ કરીએ છીએ તે સંસ્થા, આપણા શહેર કે ગામનો કોઈ વગદાર માણસ આમ વિવિધ તબ્બકે અન્યાય કરનાર કોઈ પણ હોઈ શકે છે. ઘણી વખત ન્યાય માટે પોતાના જ લોકો સામે લડવું પડે ત્યારે તે પીડાની કિંમત વધારે મોંઘી લાગે છે.

આપણે ત્યાં ન્યાય પણ તરત મળતો નથી. 2014માં જ્યારે હું મારા સાથી પત્રકારો સાથે ગુજરાત હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે પહોંચ્યો ત્યારે ઉદાહરણ રૂપે લીસ્ટમાં અમારો ક્રમ 50માં હોય તો હું અને મારા સાથીઓ સવારથી કોર્ટમાં પહોંચી જતા. અમે રાહ જોતા બેસી રહેતા કે અમારો ક્રમ ક્યારે આવશે સાંજ છ વાગે કોર્ટ બંધ થવાનો હોય ત્યારે 30 ક્રમ ચાલતો હોય. કોર્ટની બહાર નીકળીએ ત્યારે એવી નિરાશા ઘેરી વળે જાણે શરીરમાંથી કોઈએ લોહી ખેંચી લીધું હોય તેમ મન અશક્ત બની જાય. ન્યાય માટે અનેક તારીખો અને મહિનાઓ ભરવા પડે આ બહુ મોટી કિંમત હોય છે. અમારા વકીલ ગીરીશ પટેલ કહેતા કે તેમને અનેક વખત એવું થયું છે કે તેમનો અસીલ કેસ જીતી જાય અને આ ખુશીના સમાચાર આપવા ગીરીશ પટેલ ફોન કરે ત્યારે ફોન લેનારી વ્યક્તિ રીતસર ગીરીશભાઈ ઉપર ભડકે કારણ ફોન લેનારી વ્યક્તિ ન્યાય વાંચ્છુનો દિકરો હોય અને ક્યારેક તો ન્યાય મળશે તેવી ઈચ્છા રાખનારનો સ્વર્ગવાસ થઈ ગયો હોય.

ગીરીશભાઈ કહેતા આપણી ન્યાયની વ્યવસ્થા પ્રમાણે પિતા ન્યાય માટે કોર્ટમાં આવે અને પૌત્રને ન્યાયનો આદેશ મળે છે. આમ આટલા વર્ષો કોઈ માણસ કોર્ટમાં પસાર કરે ત્યાર પછી પણ આપણે એવું કહીએ કે ન્યાય મફત મળે તો તેમાં કેટલું વજૂદ છે. આપણે ત્યાં બીજો પણ વર્ગ છે કે જે ન્યાય માટે કોર્ટમાં જતો નથી કારણ તેની પાસે કોર્ટમાં જવાની હિંમત અને પૈસા નથી. તે અન્યાય પછી કહે છે કે મારો ભગવાન જોશે એટલે તે કુદરતી ન્યાયની અપેક્ષા રાખે છે. તેને શ્રધ્ધા છે કે ઈશ્વરનો કુદરતી ન્યાય થશે અને તેને અન્યાય કરનારને ઈશ્વર સજા આપશે. પણ પરંતુ ઈશ્વરની કોર્ટમાં કેસનો ભરાવો થયો છે. કુદરતી ન્યાય તો થાય પણ તેમાં પણ વર્ષો નીકળી જાય છે આમ આપણી કોર્ટ તો ઠીક પણ ઈશ્વર પણ કુદરતી ન્યાય બહુ મોડો કરે છે. આમ ક્યાંય ન્યાય મફત મળતો નથી, કોઈ પૈસા ચુકવે છે, કોઈ સમય તો કોઈ પીડા અને અનેકો આખી જીંદગી ખર્ચી નાખે છતાં આ વાસ્તવીકતા જાણ્યા પછી જેઓ ન્યાય માટે લડે છે તેમને સલામ તો કરવી જ પડે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular