સાર્થક પટેલ/ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.સુરત): ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ વધુ ગરમાયો છે, જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપો કરીને ચર્ચાનો કેન્દ્ર બનાવી દીધું છે. ઈટાલિયાના કહેવા મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે “જાહેર ગઠબંધન” થયું છે, જેનો મુખ્ય હેતુ આમ આદમી પાર્ટીને રોકવાનો છે.
ઈટાલિયાએ જણાવ્યું કે અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં ભાજપ દ્વારા લોકો આપવામાં આવે છે અને કોંગ્રેસ તેમને ટિકિટ આપે છે. તેમના શબ્દોમાં, “ભાજપ અને કોંગ્રેસ ભેગા મળી કોઈપણ રીતે આમ આદમી પાર્ટી જીતે નહીં અથવા વધુ મત ન મેળવે એ માટે ષડયંત્ર કરી રહ્યા છે.” તેમણે દાવો કર્યો કે આ મુદ્દો તેઓએ અગાઉ પણ ઉઠાવ્યો હતો અને બાદમાં ભાજપના જ એક ધારાસભ્યએ જાહેરમાં આવી વાત સ્વીકારી હોવાનું તેઓ કહી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી લાંબા સમયથી આ મુદ્દે અવાજ ઉઠાવી રહી છે કે કોંગ્રેસ ખરેખર ચૂંટણી લડી રહી નથી, પરંતુ ભાજપના લોકો કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે. ઈટાલિયાના જણાવ્યા મુજબ, “કોંગ્રેસની અંદર ઉમેદવાર ઊભા રાખવાનો નિર્ણય પણ ભાજપ કરે છે અને પછી કોંગ્રેસ તેમને ટિકિટ આપે છે.”
આક્ષેપોને વધુ મજબૂત બનાવવા માટે ઈટાલિયાએ દાવો કર્યો કે ધોરાજીના ભાજપના ધારાસભ્યએ જાહેરમાં કહ્યું હતું કે “અમે કોંગ્રેસને ઉમેદવારો આપીએ છીએ.” તેમના મતે, આ નિવેદન પોતે જ એક મોટો પુરાવો છે. તેમણે ઉમેર્યું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આ પ્રકારનું જ ષડયંત્ર કરવામાં આવ્યું હતું.
ઈટાલિયાએ કોંગ્રેસ પર પણ સવાલો ઉઠાવ્યા કે અનેક જગ્યાએ ભાજપ બિનહરીફ જીત્યું, ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારો કેમ ઊભા રાખ્યા નહીં. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી નવી અને નાની પાર્ટી હોવાથી ક્યાંક ઉમેદવાર ન ઊભા કરી શકવાની પરિસ્થિતિ બની શકે, પરંતુ કોંગ્રેસ જેવી જૂની અને મોટી પાર્ટી પાસે ઉમેદવારો ન હોવાનો પ્રશ્ન ઉભો થાય છે.
તેમણે કહ્યું કે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ ઇરાદાપૂર્વક ઉમેદવાર ઊભા નથી રાખતી, જેથી ભાજપને સીધી જીત મળે, જ્યારે અન્ય જગ્યાએ ભાજપના લોકો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા રહીને ચૂંટણી લડે છે. તેમના મુજબ, “આ બધું મળીને એક લાંબા સમયથી ચાલતું રાજકીય ખેલ છે.”
આ સાથે ઈટાલિયાએ દાવો કર્યો કે કોંગ્રેસના ઉમેદવાર જીતે તો પણ પછી તેઓ ભાજપમાં જોડાઈ જાય છે, જેના કારણે અંતે ભાજપને જ ફાયદો થાય છે. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની રાજકીય સ્થિતિ ચાલી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના આવવાથી હવે આ મુદ્દો ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે.
ઈટાલિયાના આક્ષેપો સામે ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ચૂંટણીના આ સંજોગોમાં આવા આક્ષેપો મતદારો પર કેટલો પ્રભાવ પાડશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.








