ઈબ્રાહીમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): રૂ બજારના તેજીવાળા એકબીજાના કાઠલા ઝાલી રહ્યા છે, બૂમાબૂમ અને લાવલાવ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ સપ્તાહથી આ તેજીવાળા માટેલા સાંઢ થઈને ભાવને નવા નવા ઊચા રેસિસ્ટંટ લક્ષ્યાંકો નિર્ધારિત કરી રહ્યા છે. આ કઈ અમેરિકા પૂરતી વાત નથી, આખા વિશ્વની આ જ હાલત છે. ભારતને નવા નવા ઊંચા ભાવનો અનુભવ રોજ થાય છે. ચીનમાં પણ નવી નવી ઊંચાઈ સર થઈ રહી છે. આવુજ કઈક બ્રાઝિલમાં પણ બને છે. દક્ષિણ ભારતમાં ખેડૂતોને ક્વિન્ટલ દીઠ ૧૨,૦૦૧નો નવો ઐતિહાસિક ભાવ પ્રાપ્ત થયો છે.
કોટક ગ્રુપ ઓફ બિઝનેસના પ્રણેતા સુરેશ કોટકનું કહેવું છે કે ભારતીય રૂ બજારમાં પહેલી વખત, ખેડૂતોને સરકાર નિર્ધારિત સપોર્ટ પ્રાઇસ ક્વિન્ટલ દીઠ રૂ. ૬૦૨૫ કરતાં ક્યાંય ઊંચા રૂ. ૯૦૦૦થી રૂ. ૧૨૦૦૦ની રેન્જમાં ઊપજી રહ્યા છે. અસંખ્ય કારણો છે, રૂ મોસમ લણણીના અંત ભાગમાં આવા સારા ભાવ મળી રહ્યા છે. સ્થાનિક અને વિદેશી બજારમાં કોરોનાકાળ પછી રૂની જબ્બર માંગનો પણ તેમાં સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે સ્પિનિંગ અને ટેક્સટાઇલ મિલો વર્ષના આ સમયે જ્યારે ઓન-કોલ સોદા નિર્ધારીત કરવામાં સૌથી વધુ સક્રિય હોય છે, ત્યારે જ સટ્ટોડિયાઓના ધાડાને ધાડાં બજારમાં ઉતરી આવ્યા છે. અમેરિકન રૂ વાયદામાં સતત ત્રિજા શુક્રવારે ટ્રીપલ ડિજિટ ઊંચો અને લિમિટ અપ ભાવનો અનુભવ થયો હતો. આખા વિશ્વમાં રૂનો જૂનો સ્ટોક આઉટ ઓફ માર્કેટ થયો છે, તેથી તેના ભાવ નિર્ધારિત ભાવ મર્યાદા (લિમિટ અપ)ની સતત ઉપર જતાં રહે છે. નવા પાકનો ડિસેમ્બર વાયદો પણ વેગથી ઊંચે જતો રહ્યો છે. પરિણામે વર્તમાન મોસમ બેનર સિઝન બની છે.
રૂના અત્યંત ઊંચા ભાવને લીધે સ્થાનિક સ્પીનીંગ મિલોને ભાગે હવે નફાનો ગાળો ખૂબ સાંકડો થઈ ગયો છે, કેટલીક મિલો તો હવે ખોટના ખાડમાં ઉતારવા લાગી છે. કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રા કહે છે કે આવા આસમાની સુલતાની ભાવ જોઈને ભારતીય ખેડૂતો નવી મોસમ માટે કપાસને ૧૫થી ૨૦ ટકા વધુ જમીન ફાળવશે. વર્તમાન રૂ મોસમ (ઓકટોબર ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૨)માં રૂ ઉત્પાદનનો અંદાજ ગત મોસમના ૩૫૨.૪૮ લાખ ગાંસડી સામે ૩૪૦.૬૩ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) સરકારના બીજા અંદાજમાં મૂકવામાં આવ્યો છે.
અમેરિકન કૃષિ મંત્રાલયના સાપ્તાહિક આંકડા સૂચવે છે કે વાર્ષિક રૂ મોસમની નિકાસ ૯૬ ટકાએ પહોચી ગઈ છે. ગત સપ્તાહે નિકાસ ૩,૭૧,૪૦૦ લાખ ગાંસડી થઈ હતી, જે તે અગાઉના સપ્તાહ કરતાં પાંચ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની સરેરાશ કરતાં ૩૪ ટકા વધુ હતી. વિક્રમ નિકાસ આંકડા ઓકલોહામાં, ટેક્સાસમાં દુષ્કાળનો સામનો કરી રહેલો રૂ પાક, તેમજ સટ્ટોડિયા અને સ્પીનીંગ મિલોની સતત લેવાલી, સહિતના તેજીના તમામ ફંડામેન્ટલ્સને આધારે શુક્રવારે સીબીઓટી રૂ વાયદો જૂન ૨૦૧૧ની ઊંચાઈ વટાવી પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૧૩૫.૯૦ સેન્ટની ઊંચાઈએ પહોંચી ગયો.
ગત સપ્તાહે સીબીઓટી મે રૂ વાયદો ૯.૦૪ સેંટ ઉછળ્યો, માસિક ધોરણે ૧૨ સેંટ અને વાર્ષિક ધોરણે ૨૫ સેંટ વધ્યો હતો. આ સપ્તાહે સટ્ટોડિયા, એનાલિસ્ટો અને ટ્રેડરો અમેરિકન રૂ વાવેતર ઈરાદાના ૨૦૨૨ના અમેરિકન કૃષિ મંત્રાલયના અંદાજિત આંકડાની રાહ જોશે. ઉધ્યોગનું માનવું છે કે આ આંકડો ૧૨૩ લાખ એકર આવશે. જાન્યુઆરીમાં યુએસડીએ એ ૧૨૭ લાખ એકર વાવતેર અંદાજયું હતું. ૨૦૨૧માં વાવેતર ૧૨૦ લાખ એકરમાં થયું હતું.
૨૦૨૨માં ઓસ્ટ્રેલીયા ૪૮ લાખ ગાંડી (પ્રત્યેક ૧૮૦ કિલો) સાથે બજારમાં ઉતરશે. ૨૦૧૪થી ૨૦૧૯ સુધી તે દર વર્ષે સરેરાશ ૩૦ લાખ ગાંસડી લણતું આવ્યું છે. બાંગ્લાદેશ હવે અમેરિકાથી રૂ આયાતનો ૧ અબજ ડોલરનો નવો લક્ષ્યાંક ધરાવે છે. તેઓ ભારત, ઓસ્ટ્રેલીયા, આફ્રિકન દેશો તેમજ અન્ય દેશમાંથી પણ આયાત કરે છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












