નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, અમદાવાદમાં (Ahmedabad) સામાન્ય વરસાદ વરસે તો સ્માર્ટસિટીના જુદા-જુદા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વખતે પ્રિમોનસુન કામગીરીના નામે હજારો કરોડ રૂપિયાનું બજેટ ફાળવામાં આવે છે. છતાં જમીની સ્તર પર કોઈ પરિણામ ન દેખાતા પ્રિમોનસુન કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોય તેવું પુરવાર થઈ રહ્યું છે. અમદાવાદમાં માત્ર બે કલાક ધોધમાર વરસાદ વરસી જાય તો પછી અમદાવાદમાં પાણી છે કે પાણીમાં અમદાવાદ તેવું કહેવું પણ મુશ્કેલ બની જાય છે. હજી તો અમદાવાદ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા પ્રિમોનસુન કામગીરી નિષ્ફળ નિવડી છે. ત્યારબાદ ભૂવાઓ પડવાની શરૂઆત થતાં હવે સત્તાપક્ષને બાનમાં લેવા વિપક્ષ પણ મેદાને પડ્યું છે. શહેરમાં વરસાદમાં ભૂવા પડવાને લઈ અનેક વાર કોંગ્રેસ (Congress) દ્વારા મેયર અને કમિશનરને આવેદનત્ર આપી રજૂઆત કરી છે. છતાં કોઈ સંજ્ઞાન લેવામાં ન આવતા આજે કોંગ્રેસના વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના કોર્પોરેટર્સ અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિરુદ્ઘ કારંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામા કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. કોંગ્રેસના કોર્પોરેટર્સે સત્તાપક્ષ વિરોધી સૂત્રોચાર કરી પોલીસ સ્ટેશન બહાર વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ તેમજ અન્ય વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે. જોકે ત્યાર બાદ રસ્તાઓ તૂટી જવા અને ભૂવા પડવાના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતને લઈ વિપક્ષ દ્વારા અનેક રીતે લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સત્તાપક્ષ ચોમાસા પહેલા પ્રિમોનસુનની નિષ્ફળ કામગીરીના કારણે શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓ પર નાના મોટા ખાડા અને ભૂવાઓ પડી ગયા છે. જેના કારણે જાહેર રસ્તા પર અકસ્માતની ભીંતિ હોવાના પગલે કોંગ્રેસ દ્વારા નાગરિકોના રક્ષણના ભાગેરૂપે મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિરુદ્ઘ પોલીસ અરજી કરવામાં આવી છે.
આ અંગે કોંગ્રેસ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે તંત્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સ્માર્ટ સિટી અમદાવાદમાં હજુ ચોમાસાનું આગામન થયું છે, ત્યારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 50થી વધુ ભૂવા પડ્યા છે. કોર્પોરેશન પાસે 2 હજાર કરોડોનું બજેટ છે. છતાં અમદાવાદના રોડ રસ્તઓની દયનીય સ્થિતિ રહેતી હોય તો કોંગ્રેસ સમજે છે કે, કોર્પોરેશનના રોડ વિભાગમાં મોટાપાયે ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે. અમદાવાદમાં સમાન્ય વરસાદના કારણે ભૂવા પડતા લોકોના જીવનું જોખમ રહેલું છે. જેના પગલે આજે કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર્સોએ અમદાવાદના શહેરના મેયર કિરીટ પરમાર અને મ્યુનિસિપલ કમિશનર એન થેન્નારસન વિરુદ્ઘ કારંજ પોલીસ સ્ટેશન અરજી આપી છે.








