નવજીવન ન્યૂઝ.રાજકોટ: Rajkot News: દેશના લોકો સરકારી વિભાગોની માહિતી મેળવી શકે તેવા શુભ આશયથી માહિતી મેળવવાનો અધિકાર (RTI ACT) લાવવામાં આવ્યો હતો. પરંતુ હવે કેટલાક લેભાગું તત્વો દ્વારા આ કાયદાનો દૂર ઉપયોગ કરી ધંધો શરૂ કરી દીધો હોય તેમ જણાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સીઆઈડી ક્રાઈમે (CID Crime) નોંધી તપાસ હાથ ધરી હતી. જે મામલે મહેન્દ્ર પટેલ નામના એક કથિત તોડબાજ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટની ધરપકડ કરી હતી. ત્યારે મહેન્દ્ર વિરૂધ્ધ વધુ એક ફરિયાદ રાજકોટ ઝોન સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા નોંધવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા જ સુરતના એક શાળા સંચાલકે કથિત તોડબાજ મહેન્દ્ર પટેલ પર તોડના આરોપ સાથે ફરિયાદ કરી હતી. જે મામલે સીઆઈડી દ્વારા આરોપી મહેન્દ્ર પટેલ (રહે. ગાંધીનગર)ની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન રૂપિયા 1 કરોડ કરતા વધુની રકમ પણ મહેન્દ્ર પટેલના ઘરમાંથી મળી આવી હતી. આ મામલે શંકાની સોય શિક્ષણ વિભાગના કેટલાક અધિકારી વિરૂધ્ધ જઈ રહી છે. એટલામાં વધુ એક ફરિયાદ સીઆઈડી ક્રાઈમ રાજકોટ ઝોનમાં નોંધવામાં આવી છે. જેમાં આરોપી મહેન્દ્ર વિરૂધ્ધ ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના ભોળાભાઈ ચૌહાણે આરોપ મુક્યા છે કે મહેન્દ્ર દ્વારા તેમની શાળી મંજૂરી અપાવવામાં આવી બાદમાં ડરાવી ધમકાવી શાળાની મંજૂરી રદ કરાવવાનું કહી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.
ફરિયાદી ભોળાભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાવનગરના સિહોરમાં આવેલી શ્રી મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરીટ્રેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાની માન્યતા વર્ષ 2019ના મે માસમાં મેળવવા પ્રક્રિયા કરવામાં આવી હતી. આ માટેનું કામ તેમણે જોરસિંહ પરમારને સોંપ્યું હતું અને જોરસિંહે આ કામ કથિત તોડબાજ મહેન્દ્ર પટેલને સોંપ્યું હતું. આમ મંજૂરી મળ્યા બાદ સપ્ટેમ્બર માસમાં આ ટ્રસ્ટ સંચાલિત શાળા શ્રી જ્ઞાનગંગા વિદ્યાસંકુલ પ્રાથમિક શાળા નિયમિત રીતે શરૂ થઈ હતી. બાદમાં થોડા જ સમયમાં ભોળાભાઈના મોબાઈલ ફોન પર મહેન્દ્રભાઈ નામના વ્યક્તિનો ફોન આવે છે અને કહે છે કે, તમે જે શાળાની મંજૂરી મેળવી છે તે હું રદ કરાવી દઉં છું. મંજૂરી રદ કરાવાનું કારણ આપતા મહેન્દ્રભાઈએ ભોળાભાઈને કહ્યું કે, શાળાની મંજૂરી ખોટા દસ્તાવેજો રજૂ કરીને મેળવવામાં આવી છે. સાથે આરોપી મહેન્દ્રભાઈએ એમ પણ કહ્યું કે, જો શાળા ચાલુ રાખવી હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે. આરોપીએ એવી પણ ધમકી આપી કે રૂપિયા આપવામાં નહીં આવે તો પોલીસ ફરિયાદ કરી ટ્રસ્ટને બ્લેક લીસ્ટમાં મુકાવી દેશે.
આમ મહેન્દ્રની ધમકીઓ બાદ ફરિયાદી ભોળાભાઈ આરોપીની માગણીને વશ થયા હતા અને ભાવનગર અને સિહોર ખાતે અલગ-અલગ જગ્યાએ લાખો રૂપિયા તોડ પેટે ચૂકવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર જ્યારે-જ્યારે આરોપીને પૈસા આપવામાં આવ્યા છે ત્યારે તેમની સાથે સાક્ષીરૂપે બીજા વ્યક્તિ પણ સાથે હતા. તેમજ જ્યારે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા ત્યારે પૈસા મહેન્દ્ર પૈસા ગણતો હોય તેવું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
આમ ફરિયાદી ભોળાભાઈ દ્વારા ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી મહેન્દ્ર દ્વારા તેમને ડરાવી અને શાળાની મંજૂરી રદ્દ કરાવી કુલ રૂપિયા 27 લાખનો તોડ કરવામાં આવ્યો છે. આમ હવે રાજકોટ સીઆઈડી ક્રાઈમમાં આરોપી મહેન્દ્ર વિરૂધ્ધ બીજો ગુનો નોંધવામાં આવતા તપાસમાં હજુ પણ નવા ખુલાસા થાય તેવી સંભાવના જણાઈ રહી છે. સાથે જ આ મામલે સરકારી અધિકારીઓ જે કથિત રીતે આરોપી મહેન્દ્ર સાથે સંડોવાયેલા છે તેમની પણ મુશ્કેલી વધી શકે છે.