નવજીવન ન્યૂઝ, વડોદરા : ગુજરાતમાં નકલી શું ના બની શકે તે એક સવાલ જ મોટો છે. નકલી સરકારી કચેરી, નકલી જજ, નકલી ટોલબુથ વિગેરે વિગેરે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવા કિસ્સા સામે આવી ચૂક્યાં છે. આ વખતે છોટા ઉદેપુર નગરપાલિકામાં નકલી ટેક્સ રિસીપ્ટ (Chhota Udepur Fake Receipt Scam) રજૂ કરીને વીજ કનેક્શન મેળવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
એક જાગૃત નાગરિકે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને છોટા ઉદેપુર નગરપાલિકાના ચીફ ઑફિસર (Chief Officer Chhota Udepur Municipality) ને લેખિતમાં રજૂઆત કરી બોગસ પાવતી કૌભાંડની જાણ કરી છે. આ ગંભીર ફરિયાદ બાદ MGVCLના ડેપ્યુટી ઈજનેરે નગરપાલિકાને પત્ર લખીને તપાસ કરવા જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં વોર્ડ નંબર 3માં પાંચ જેટલી પાવતીઓ નકલી હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના નામે જ આ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ મામલામાં પૂરતા પુરાવા મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.








