Tuesday, April 28, 2026
HomeGujaratસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો આજે: 9269 બેઠકો પર નજર, 2027 માટે સેમિફાઈનલ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો આજે: 9269 બેઠકો પર નજર, 2027 માટે સેમિફાઈનલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે, જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતગણતરી હાથ ધરાશે. કુલ 10,005 બેઠકોમાંથી 736 બેઠકો બિનહરીફ થઈ ચૂકતાં હવે 9,269 બેઠકોના પરિણામો પર સૌની નજર ટકેલી છે.

આ ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણી માટેનું ‘સેમિફાઈનલ’ માનવામાં આવી રહી છે. જે પાર્ટી વધુ પાલિકા અને પંચાયત જીતશે, તેને આગામી વિધાનસભા ચૂંટણીમાં મજબૂત પાયો મળશે. ભાજપ માટે 2021ની ઐતિહાસિક જીતને જાળવી રાખવાનો પડકાર છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.

- Advertisement -

2021ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં લગભગ 90 ટકા બેઠકો જીતતા ઈતિહાસ રચ્યો હતો. આ વખતે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના નેતૃત્વ હેઠળ ભાજપ મેદાનમાં છે અને તેમના માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન છે. જો ભાજપનું પ્રદર્શન નબળું રહેશે, તો 2027 પહેલાં સંગઠન અને સરકારમાં ફેરફારો શક્ય બને તેવી ચર્ચા છે.

રાજકીય નિષ્ણાતોના અનુમાન મુજબ, રાજ્યમાં ફરી એકવાર ભાજપનો પ્રભાવ જળવાઈ રહે તેવી શક્યતા છે. કોંગ્રેસ માટે થોડો વધારો થવાની ધારણા વ્યક્ત થઈ રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી માટે પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ખાસ કરીને કેટલાક અગ્રણીઓ પાર્ટી છોડતા AAP માટે આ ચૂંટણી તેની રાજકીય સ્થિતિ નક્કી કરશે.

સુરતમાં અગાઉ કોંગ્રેસને શૂન્ય પર લાવી 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બનેલી AAP માટે આ વખતની ચૂંટણીમાં પોતાનું પ્રદર્શન જાળવી રાખવું અને વિસ્તરણ કરવું મોટો પડકાર છે. હવે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા ચહેરાઓ પર પાર્ટીનો ભાર છે.

- Advertisement -

મતગણતરી પૂર્ણ થતાં જ રાજ્યની રાજકીય દિશા અંગે સ્પષ્ટતા થશે અને 2027ની ચૂંટણી માટેનો માહોલ પણ ઘણી હદ સુધી નક્કી થઈ જશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular