નવજીવન ન્યૂઝ. વડોદરા: વાડોદરામાં રખડતા ઢોરના ત્રાસ મામલે આજે પણ જૈસૈ થે તેસી સ્થિતિ જોવા મળી રહી છે. હાઈકોર્ટની ફટકાર બાદ જ્યારે કોર્પોરેશન હરકતમાં આવ્યું છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં જ્યાં-જ્યાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો આવી રહી હોય ત્યાં પાલિકાની ઢોર શાખાની ટીમ કાર્યવાહી કરવા માટે પહોંચી રહી છે. પરંતુ વડોદરા શહેરના એક વિસ્તારમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ઢોર શાખાની ટીમ કાર્યવાહી કરવા પહોંચી તે દરમિયાન પશુપાલકો દાદાગીરી કરતા બાખડી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કિશનવાડી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ અંગે સ્થાનિકોની ફરિયાદો ઉઠી હતી. જેના અનુસંધાને વડોદરા કોર્પોરેશનની ઢોર શાખાની ટીમ રખડતા ઢોરને પકડવા માટે કિશનવાડીમાં પહોંચી હતી. પરંતુ તેમની કાર્યવાહી દરમિયાન પશુપાલકો એકાએક ત્યાં આવી પહોંચ્યા હતા અને પાલિકાની ટીમને ઘેરી વળી હુમલો કર્યો હતો. બન્ને વચ્ચે ભારે માથાકૂટ થતા મામલો બિચક્યો હતો. સાથે જ સામસામે મારામારીના દૃશ્યો પણ સર્જાયા હતા. ત્યારે પોલીસ પણ તાતકાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઢોર શાખાની ટીમ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થવાનો બનાવ બન્યો હતો. જેમાં પશુપાલકોએ રસ્તે રખડતા ઢોર ન મળે તો ઘરે બાંધેલા ઢોર લઈ જવાનો અને મહિલાઓ સાથે અણછાજતુ વર્તન કરવાનો આક્ષેપ કર્યો હતો. જેના બચાવમાં કર્મચારીઓએ આક્ષેપોને નકારીને રોડ પરથી ગાય પકડી જવાનો વિડીયો રજૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અવારનવાર રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો ઉઠી રહી છે. એટલુ જ નહી પરંતુ રખડતા ઢોર માણસોને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પણ પહોંચાડી રહ્યા છે. તો કેટલાંક કિસ્સાઓમાં જીવ પણ ગુમાવવો પડ્યો છે. ત્યારે બીજી બાજુ તંત્રની કામગીરીમાં વિક્ષેપ પાડતા આવા કિસ્સાઓમાં પણ હવે વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર આ બાબતે મૌન તોડીને કોઈ કડક કાર્યવાહીના પગલા ભરે તેવી લોકમાંગ ઉઠી છે.








