Monday, February 17, 2025
HomeInternationalWorld Press freedom Day: ચીન સરકારે ખુશામત કરવા જેમ પત્રકારોની પરીક્ષા લીધી,...

World Press freedom Day: ચીન સરકારે ખુશામત કરવા જેમ પત્રકારોની પરીક્ષા લીધી, તેવું ભારતમાં પણ થઈ રહ્યું છે ?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ચીન પત્રકારો અને અભિવ્યક્તિની આઝાદી મામલે પોતાની સંકુચિત માનસિકતાના કારણે અનેકવાર વગોવાયું છે. ચીનમાં ખુલીને અભિવ્યક્ત થવાતું નથી અને પત્રકારો પર પણ ત્યાંની સરકાર સતત નજર રાખે છે, તે ખૂબ જાણીતી વાત છે. 2019માં ચીન સરકારે જે પ્રયોગ કર્યો હતો, તેનાથી તો જાણે પત્રકારીતા મરી પરવારી. આ પ્રયોગમાં ચીનમાં કાર્યરત પત્રકારોની પરીક્ષા લેવાઈ હતી, જેમાં મહદંશે પત્રકારોએ વર્તમાન સરકારની વિચારધારાને આધીન સવાલોના જવાબ આપવાના હતા! આશ્ચર્યની વાત આ પરીક્ષા દસ હજાર પત્રકારોએ આપી હતી. ચીને આમ કર્યું તેમાં પ્રથમ નજરે નવાઈ ન લાગે, પણ વિશ્વમાં અત્યારે જે પ્રકારે વાયરો છે, તે પ્રમાણે ચીનની હવા બીજા દેશોમાં પણ પહોંચી રહી છે; અને તે પણ પરીક્ષા લીધા વિના. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંગે કેવી રીતે તરાપ વાગે છે, તે જરા જોઈએ…

ચીનમાંથી કોઈ પણ ન્યૂઝ આસાનીથી બહાર આવતાં નથી. જ્યારે જ્યારે ચીન સરકારના વિરોધમાં જ્યારે જ્યારે અવાજ ઉઠ્યો છે તો તેને કાબુ કરવામાં ચીન અન્ય દેશના શાસકો કરતાં બે કદમ આગળ રહ્યું છે. એ અલગ વાત છે કે ઘણી વાર પત્રકારો જ ખુદ શાસકોનાં ખોળે બેસીને ‘શાસકધર્મ’ બજાવે છે, પણ ચીનની સરકારે આ ‘શાસકધર્મ’ બજાવવા માટે પણ પત્રકારો વચ્ચે સ્પર્ધા યોજી હતી, તેમાં જે પાસ તેને જ સરકાર યોગ્ય ગણશે, બાકીનાને પોતાની ખુશામત પણ નહીં કરવા દે! ચીન આ મામલે પોતાનું રહસ્ય પણ એટલું રાખે કે તેનું સાચું કારણ શું હોય તે આપણે ન જાણી શકીએ. પરંતુ પૂરી કવાયતમાં એટલું નક્કી કે પત્રકારોએ સરકારની ખુશામત હવે પરીક્ષા આપીને જ કરવી રહી!

- Advertisement -

ચીનમાં થયેલી આ પરીક્ષા રાષ્ટ્રિય સ્તરની હતી, જેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજકીય વિચારો અને માર્ક્સવાદી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જે આ પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા તેમને જ પ્રેસ કાર્ડ મળ્યા હતા. સામાન્ય રીતે પતિ-પત્નીના સંબંધમાં આ પ્રકારની નિષ્ઠા પરીક્ષા(લોયલ્ટી ટેસ્ટ) થતી હોય છે, પણ આ કિસ્સામાં સરકારે પત્રકારોનો લોયલ્ટી ટેસ્ટ લઈ લીધો.

2000ના વર્ષથી તો જાણે પત્રકારત્વને લઈને સેન્સરશીપનો યુગ જ આરંભાયો છે, જેમાં ચીનની કોઈ મર્યાદા દેખાય નહીં. અહીંયા જે કંઈ મીડિયા છે, તેમાં ‘ક્ઝિનુઆ’(નામની જોડણી અલગ હોઈ શકે છે.), ‘ચીન સેન્ટ્રલ ટેલિવિઝન’ અને ‘પીપલ્સ ડેઈલી’ નામનું છાપું સામેલ છે અને આ ‘ક્ઝિનુઆ’ છે તે ચીનની ન્યૂઝ એજન્સી છે, ચીન સેન્ટ્રલ ટેલિવિઝન તે સ્ટેટ સ્પોન્સર્ડ ટેલિવિઝન ચેનલ છે અને ‘પીપલ્સ ડેઈલી’ એ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનનું ન્યૂઝ પેપર છે. ચીનના પૂરા મીડિયા માર્કેટમાં આ ત્રણેયનો જ સૌથી મોટો હિસ્સો છે. ચીનમાં 1980ના અરસામાં મીડિયાને ખાસ્સી સ્વતંત્રતા મળી હતી, પરંતુ 1989માં ટીઆન્મેન સ્કેઅર વિરોધની જે ઘટના બની, તેનાથી ચીની સરકાર રઘવાઈ અને પૂરા મીડિયાને કબજામાં લેવાનું શરૂ કર્યું, હવે તો ચીનમાં એ સ્ટેજ આવી ચૂક્યું છે કે સરકાર કહે તે જ ન્યૂઝ બને છે.

અત્યારે ચીનનો ક્રમ ‘પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષ’માં 180મો છે, 2002માં ચીનનો આ ક્રમ વિશ્વમાં 138મો આવતો હતો, પરંતુ સતત ચીન પોતાની ખબર દબાવીને આ ઇન્ડેક્ષમાં પાછળ રહેતું જાય છે. હવે જ્યારે અભિવ્યક્તિ અને પત્રકારત્વના મામલે ચીનની વાત કરીએ છીએ ત્યારે ભારતનો પણ ક્રમ ‘પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષ’માં જાણવો રહ્યો. ભારત હાલમાં 161મો ક્રમ ધરાવે છે અને 2002થી ભારતનો રેકોર્ડ આ મામલે ખરાબ થઈ રહ્યો છે. 2002માં વિશ્વભરમાં ભારત પ્રેસ ફ્રીડમમાં 80માં સ્થાને આવતું હતું, પરંતુ જેમ જેમ આ માર્કેટમાં જંગી રોકાણ થતાં ગયા, કોર્પોરેટ કંપનીઓ આવી અને મીડિયાની અસર રાજકીય રીતે વધતી ગઈ, તેમ હવે ભારત પણ અભિવ્યક્તિના મામલે પીછેહઠ કરી રહ્યું છે. જાણીતાં પત્રકાર પી. સાંઈનાથના અહેવાલો વાંચીએ-જોઈએ ત્યારે ખ્યાલ આવે કે ભારતમાં કેટલું બંધું સામાન્ય વાચકને વાચવા જેવું હોય છે, જેનો મુખ્ય પ્રવાહના અખબારો-ટેલિવિઝન ક્યારેય કવરેજ કરતાં નથી. ભારતની જેમ અમેરિકા પણ પ્રેસ ફ્રિડમમાં પાછળ રહેતું ગયું છે. 2002માં અમેરિકાનો રેન્ક આ મુદ્દે સત્તરમો હતો, પણ હવે અમેરિકા પચાસની નજીક પહોંચી ચૂક્યું છે. વિશ્વના પૂરા મેપ પર પ્રેસ ફ્રીડમનો ઝંડો જ્યાં બુલંદીથી લહેરાતો હોય તેવી જગ્યા ખોળવી હોય તો તેમાં યુરોપિયન દેશો જ બાજી મારી જાય છે, જ્યાં પ્રેસ ફ્રીડમ ખૂબ જોવા મળે છે.

- Advertisement -

સરકાર કંઈ હદ સુધી જઈ શકે અને સત્ય તપાસતાં કેવી રીતે રોકી શકે તે માટે ચીને અત્યાધુનિક ટેકનિક વિકસાવી છે. જેમ કે પૂરી દુનિયાભરમાં એ વાત ખૂબ પ્રસરી છે કે ચીન તેમને ત્યાં આવેલાં ઉત્તર-પશ્ચિમી ક્ષેત્ર ઝિઆજિંગમાં ઉગ્વેર અને તુર્કીક મુસલમાનો પર જાતભાતના અંકુશ લગાવ્યા છે. કેટલાંક વિદેશી પત્રકારોએ અહીંયાની સ્થિતિ તપાસવા માટે કોઈક રીતે મંજૂરી મેળવી. ઘણાં કિસ્સામાં આંતરરાષ્ટ્રિય દબાણ હેઠળ પત્રકાર આવી મંજૂરી લેવામાં કામિયાબ પણ થાય છે. પરંતુ જ્યારે તે ક્ષેત્રમાં પહોંચે છે ત્યારે તેના પર સતત વોચ રાખવામાં આવે છે, અને ચીનના જાસૂસ સતત આવાં પત્રકારોનો પીછો કરતાં રહે છે. મતલબ કે પત્રકાર તરીકે ચીન જવાનું થાય તો તમારું પાછું આવવું નિશ્ચિત નથી! ભારતમાં હજુ આટલે સુધી મુદ્દો આવ્યો નથી, પરંતુ જે પ્રાઈવેટ ચેનલ્સ સરકારની ભાષા બોલવા લાગી છે, તે આ સ્થિતિ તરફ જવાનું પ્રસ્થાન છે. જો તે કોઈક રીતે અટકે નહીં તો આજે જે સ્થિતિ ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં જોવા મળે છે તે પૂરા દેશમાં પણ થઈ શકે. ઇમરજન્સી કાળમાં ભારતના મીડિયાનું જે રીતે અવાજ દબાવવામાં આવ્યો હતો, તે ઇતિહાસમાં લખાયેલું કાળું પ્રકરણ છે.

ચીનમાં શાસક વિરોધી કોઈ પત્રકાર આવતાં નથી તેવું નથી. ચીનમાંથી કેટલીક અન્યાયી અને જોહૂકમીવાળી ખબરો બહાર આવે છે, તેમાં ઘણાં ખરાં અંદરના પત્રકારો પણ છે. આવાં નામ પણ ગણાવી શકાય, તેમાંનું જ એક નામ હતું શુપીંગ વાંગ જેમનું હાલમાં જ 59 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ચીનના ગામોમાં કેવી રીતે એઇડ્સ પ્રસર્યો છે, તેનું ભયાવહ ચિત્ર બહાર લાવ્યું હતું. શુપીંગે બે દાયકા અગાઉ ચીનના ગ્રામ્ય વિસ્તારમાં એઇડ્સ પ્રસરતો જોયો, ત્યારે સરકારે આ પૂરી માહિતી દબાવવાનો પ્રયાસ કર્યો. જોકે શુપીંગે ત્યાં થઈ રહેલાં લોહીના વેપારમાં એઇડ્સની જડ જોઈ અને પૂરી વિગતને પુરાવા સાથે બહાર લઈ આવી. આનાથી લાખો નિર્દોષ લોકો મોતના મુખમાંથી જતા બચ્યા, બાકી સરકાર તો જેમ છે એમ બીમારી છુપાવીને બધું ચલાવે રાખતી હતી. ચીનમાંથી શુપીંગ જેવી સાહસિક સ્ટોરીઝ પણ કાઢી શકાય, પણ જે સ્ટોરી જ રોજબરોજ મરી રહી છે, અને હવે તેને ઓલમોસ્ટ બે દાયકા જેટલો સમય વીતી ચૂક્યો છે તેનો જવાબ કોઈની પાસે નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular