VADNAGAR BJP VS CONGRESS : વડનગરમાં નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન સર્જાયેલી ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. વડનગર નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના સભ્ય મહેન્દ્ર ઠાકોરે ભાજપના દંડકના હાથમાંથી વ્હીપ ઝૂંટવી લીધો હોવાનો અને ત્યારબાદ વચ્ચે પડેલા ભાજપના કોર્પોરેટર સમીર પટેલને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ભાજપના કોર્પોરેટર સમીર વસંતલાલ પટેલે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ મુજબ 30 મેના રોજ વડનગર નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. સભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં નગરપાલિકા પ્રમુખ મીતીકા શાહની સૂચનાથી દંડક જતીન દરજી ભાજપના સભ્યોને પાર્ટીનો વ્હીપ વાંચી સંભળાવવા માટે ઊભા થયા હતા. આ દરમિયાન વિપક્ષના સભ્ય મહેન્દ્ર ઠાકોર ઉશ્કેરાઈ ગયા હતા અને દંડક પાસે પહોંચી તેમની સાથે બોલાચાલી કરીને હાથમાંથી વ્હીપનો કાગળ ઝૂંટવી લીધો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વ્હીપનો કાગળ પરત લેવા માટે ભાજપના કોર્પોરેટર સમીર પટેલ વચ્ચે પડતા મહેન્દ્ર ઠાકોર વધુ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ છે કે તેમણે સમીર પટેલ સાથે ઝપાઝપી કરી, જાહેરમાં ગાળો આપી અને ગાલ પર બે લાફા માર્યા હતા. આ ઘટનાથી સભાખંડમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ પાલિકાના ઉપપ્રમુખ જયંતીજી ઠાકોર વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદ મુજબ, મહેન્દ્ર ઠાકોરે ત્યારબાદ ભાજપના વ્હીપનો કાગળ ફાડી નાખ્યો હતો અને સમીર પટેલને ધમકી આપતાં કહ્યું હતું કે, “આજે બધા હાજર છે એટલે તું બચી ગયો છે, પણ જો લાગમાં આવીશ તો તને જાનથી મારી નાખવો છે.” આ દરમિયાન ભાજપના અન્ય સભ્યોએ પણ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે સામાન્ય સભાનો સમય સવારે 11 વાગ્યાનો હતો, પરંતુ પ્રમુખ મોડા આવ્યા હતા અને સભા 11:11 વાગ્યે શરૂ થઈ હતી. તેમના જણાવ્યા મુજબ, સભા શરૂ થયા બાદ ભાજપ તરફથી વ્હીપ વાંચવામાં આવી રહ્યો હતો, જેનો તેમણે વિરોધ કર્યો હતો. મહેન્દ્ર ઠાકોરનો દાવો છે કે નગરપાલિકા એક્ટ મુજબ સામાન્ય સભા શરૂ થયા પછી પાર્ટીનો વ્હીપ વાંચી શકાય નહીં અને તેમણે આ મુદ્દે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી હતી.
ઘટના બાદ ભાજપના કોર્પોરેટર સમીર પટેલે પોતાની પાર્ટીના હોદ્દેદારો સાથે ચર્ચા કરીને મહેન્દ્ર ઈશ્વરજી ઠાકોર વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે અને લોકશાહી પ્રક્રિયા દરમિયાન થયેલા હોબાળાને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.








