Sunday, July 13, 2025
HomeGujaratBhavnagarભાવનગરમાં મોદી સરકારના 11 વર્ષના ગુણગાન કરવા આવેલી BJPની પત્રકારોના સવાલોએ કરી...

ભાવનગરમાં મોદી સરકારના 11 વર્ષના ગુણગાન કરવા આવેલી BJPની પત્રકારોના સવાલોએ કરી હાલત ખરાબ, આટોપી લીધો કાર્યક્રમ

- Advertisement -

યશપાલસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ.ભાવનગર): “નરેન્દ્રભાઈનું શું આપણે 11 વર્ષનું જોવું પડશેને? ભાવનગરમાં બે દિ’ ફરો ખાલી.” કેન્દ્રની ભાજપ સરકારને 11 વર્ષ પૂર્ણ થયા હોય જેને લઈને ગુજરાત ભરમાં આજે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહી છે. તેમાં ભાજપ સરકારે જે કામો થયા છે તે વર્ણવવાનું. આજે ભાવનગર ખાતે પણ શહેર ભાજપ તથા જિલ્લા ભાજપની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ આજે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે.

કેન્દ્રની ભાજપ સરકારને 11 વર્ષ પૂર્ણ થયા હોય જેની ગાથા ગાવા માટે ભાજપ દ્વારા આજે ભાવનગરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર શહેર ભાજપ તથા જિલ્લા ભાજપની આગેવાનીમાં ભાવનગરના અટલ ઓડિટોરિયમમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ એ જ ભાવનગર છે, જે આઝાદી મળી ત્યારે ભાવનગર પહેલું રજવાડું હતું જે સૌપ્રથમ અર્પણ કરી દીધું હતું, પરંતુ વર્ષો પહેલાની જે સ્થિતિમાં ભાવનગર હતું તે જ સ્થિતિમાં આજે પણ છે. આ પ્રેસ વાર્તા દરમિયાન મીડિયાના તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત હતા, કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા, ભાવનગરના ધારાસભ્યો, શહેર ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ પણ હાજર હતા. જોકે પહેલા તેમને હશે કે વાહવાહી થઈ જશે પરંતુ પત્રકારો સામે ભરત પંડ્યા, નીમુબેન બાંભણીયા સહિતનાઓએ ગાથા વર્ણવી કે ભાજપે 11 વર્ષમાં આટલા વિકાસના કામો કર્યા છે. તેની સામે પત્રકારોએ ભાવનગરના શું વિકાસ કરવામાં આવ્યો છે. તેની ઉપર સવાલોનો મારો કરવામાં આવ્યો હતો પરંતુ નીમુબેન બાંભણીયા તથા પ્રવક્તા ભરત પંડ્યા કોઈપણ પત્રકારને જવાબ આપી શક્યા નહોતા.

પાંચ મિનિટ સુધી પત્રકારોએ સવાલોનો મારો કર્યો અને તેમાં મુખ્યત્વે પૂછ્યું હતું કે, કોઈ એવા ત્રણ કામ ગણાવો ભાવનગરના છેલ્લા 11 વર્ષમાં જે કેન્દ્ર સરકારે કર્યા હોય? જે ત્રણ કામ પર પાંચ મિનિટ સુધી તેઓ બોલી શકે. જેને લઈને નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. પત્રકારોએ જે સવાલોનો જે મારો કર્યો હતો. તેને લઈને ભાજપની આ બોડીના લોકોએ ચાલતી પકડી હતી. અહીં અહેવાલને અંતે વીડિયોમાં જુઓ શું કહી રહ્યા છે? સૌપ્રથમ સીએન ટર્મિનલની વાત આવી તેમાં સવાલ થયો કે ભાવનગરમાં શિલાન્યાસ ક્યારે કર્યો? અને આજે શું? કેટલા ટકામાં પ્રોગ્રેસ છે? એમને વિગત ખબર છે ભાવનગરનું ભાવનગરનું સીએન ટર્મિનલ અહીંયા આપણા ભાવનગર શહેરને ખૂબ મોટી રોજગારીની તકો મળવાની છે અને બહુ મોટો પ્રોજેક્ટ આપણા ભાવનગર શહેરમાં આવી રહ્યો છે. એના માટેની પ્રક્રિયાઓ અત્યારે હાલ શરૂ છે. લેન્ડનો પણ સર્વે થઈ રહ્યો છે. લેન્ડ લેવાની પણ પ્રક્રિયાઓ છે. એ ચાલી રહી છે. તો સવાલ થયો કે શિલાન્યાસ ક્યારે થયો અંદાજીત વર્ષ જણાવો?

તો ભરત પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું કે, સમગ્ર ગુજરાતના સંદર્ભમાં જે જે હાઈલાઈટસ હતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે અને મેં વડોદરા, સુરત, કચ્છ બધા દાહોદ, હાલોલ બધાનો ઉલ્લેખ કર્યો છે. પત્રકારે કહ્યું કે, ભાવનગરમાં છીએ ત્યારે ભાવનગરની વાત જાણવા માગીએ છીએ. જવાબમાં તેમણે કહ્યું કે, અમે ઝડપથી તમને માહિતી આપીશું. પ્રોગ્રેસ રિપોર્ટ છે. એ ડિપાર્ટમેન્ટ કન્ફર્મ છેલ્લો આવે એટલે અમે મેળવીને તરત તમને આપીશું. અન્ય એક પ્રશ્ન થયો કે, બીજી વાત તમે કીધી વિશ્વનો પ્રથમ બ્રિજ બનવા જઈ રહ્યો છે અત્યારે વિશ્વનો પ્રથમ બ્રિજ તમે વાત કરી છે. ભાવનગરમાં પાંચ વર્ષથી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે પ્રથમ બ્રિજ ક્યારે પૂરો થશે એ ટાઈમ આપી શકો?

- Advertisement -

તમે 11 વર્ષ ઉપર રાખો. ભાવનગરના વિકાસમાં અલ્પસર યોજના અને મીઠી યોજના વિશે આપ શું મંતવ્ય ધરાવો છો? કેટલી પ્રોગ્રેસ થઈ છે? આપણે વિકાસની વાતો કરીએ છીએ છેલ્લા લાંબા સમયથી ભાવનગર ઘોઘા બંદર આવેલું છે, ભરતભાઈ છેલ્લા 30 વર્ષથી ત્યાંની જે સુરક્ષા દીવાલ તૂટી પડી છે. આટલા સમયથી ભાજપની સરકાર છે, પણ આ દિવાલને કારણે ગામ આખું બેટમાં ફેરવાઈ જાય છે. એનો વિકાસ નથી થયો. પહેલા એવો આરોપ હતો કે ગામ તાલુકા પંચાયત કોંગ્રેસની બોડી હતી એટલે દિવાલ નહોતી બનતી. હવે તો ભાજપની સરકાર આવી ગઈ છે પણ લાંબા સમયથી આ પ્રશ્ન છે. કોઈપણ સમયે મોટી દુર્ઘટના ત્યાં થઈ શકે એવી પણ ભીતિ છે. તેમણે જવાબ આપ્યો કે, તમારી રજૂઆતને હું ચોક્કસ લાગે લોકોને ધ્યાન ઉપર મુકીશ અને ઝડપથી એનો નિકાલ આવે એના માટે પ્રયત્ન કરીશ.

એક સવાલ આપે સુરતની વાત કરી, વડોદરાની વાત કરી, દાહોદની વાત કરી, ભાવનગરમાં એવા કોઈ ત્રણ ત્રણ પ્રોજેક્ટ આપ જણાવી શકો કે જેથી નામના લઈ શકાય? તેમાં કહ્યું કે, તમને આમાં અનેક પ્રોજેક્ટ રોડ રસ્તાથી માંડીને અનેક અલગ અલગ ડિપાર્ટમેન્ટની અનેક માહિતીઓ છે, અહીંના સાંસદ તરીકે અમે 100% એ તમને સંકલન કરીશું ભાવનગર-અમદાવાદ હાઈવે હોય જામનગર-ભાવનગર હોય, તમે જોઈ શકો છો. હું અમદાવાદથી આવ્યો હાઈવે મેં જોયો તમે પણ જોયો હશે અને સોમનાથ હાઈવે આ ત્રણ હાઈવે તો છે જ, આ ઉપરાંતની વાત કરીએ પણ માહિતી આવી ઓથોરાઈઝડ રીતે અત્યારે નથી કહેતો પણ દરેક જગ્યાએ પ્રોજેક્ટો વધાર્યા અને કઈકને કઈક આપણને મળ્યું છે. પોઝિટિવ આપણે પણ છીએ અને ગુજરાતનું આપણને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ બેઠા છે એટલે વધારે મળ્યું છે. પહેલા આપણને શું નથી મળ્યું એની યાદી બહુ લાંબી છે. અત્યારે ઓછું મળે છે કે, એકાદ વસ્તુ નથી મળતી એની બહુ ટૂંકી છે. એટલે આપણે મોટી યાદીને યાદ કરીએ એવી મારી વિનંતી.

સવાલ કર્યો કે,ભાવનગરની 7 લાખની વસ્તી છે,જ્યાં સીટી બસ નથી ચાલુ કરી શકતા. આ અંગે તેમણે જવાબ આપ્યો કે ટૂંક સમયમાં એ પણ થઈ જશે. ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં તેનો સમાવેશ મહાનગરની અંદર થયો છે. આગામી દિવસોમાં ભાવનગરના રસ્તાઓ ઉપર પહેલા તબક્કાની અંદર 50 બસ દોડાવાનું કામ શરૂ થવાનું છે. લગભગ લગભગ 70% કામ પૂર્ણ થયું છે આપણા રૂટ-નિયમ થઈ ગયા છે. 150 બસ સ્ટેશન પોઈન્ટ પ્રમાણે છે. લગભગ જૂન જુલાઈ ઓગસ્ટની અંદર આ વસ્તુ શરૂ થવાની છે કનેક્ટિવિટી છે.

- Advertisement -

આમ સવાલો અને તેના જવાબો થયા ત્યારે ભાજપના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ આટોપી લેવામાં આવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular