નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની તેની પત્ની સોનમે જ બોયફ્રેન્ડ સાથે મળીને હનિમૂન પર મેઘાયલમાં હત્યા કર્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે સોનમ સહિતના આરોપીઓને ઝડપી લીધા છે ત્યારે તપાસમાં રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે અને મીડિયામાં ચોંકાવનારી વિગતો આવી રહી છે. જેમાં સોનમે લગ્ન પહેલા જ રાજા રઘુવંશીની શું હાલત કરશે તે અંગે હિન્ટ આપી દીધી હતી તેવા અહેવાલો પણ મળ્યા છે.
મૃતક રાજાની માતા ઉમા રઘુવંશીએ કહ્યું છે કે એક સંબંધી દ્વારા જાણવા મળ્યું છે કે સોનમ તેના પિતાની દુકાનમાં કામ કરતા રાજ કુશવાહા સાથે રિલેશનમાં હોવાથી રાજા સાથે લગ્ન કરવા માંગતી નહોતી. પરંતુ સોનમના પિતા તેને જ્ઞાતિના યુવક સાથે જ લગ્ન કરવા દબાણ કરતા હતા. જેથી સોનમે તેની માતાને કહ્યું હતું કે, રાજ કુશવાહા સિવાય જેની સાથે મારા લગ્ન થશે તેના હું શું હાલ કરીશ, તમે લોકો જોજો. સોનમે પરિવારના દબાણમાં રાજા રઘુવંશી સાથે લગ્ન કર્યા અને તેનું પરિણામ એ આવ્યું કે તેણે પતિ રાજાની જ હનિમૂન પર હત્યા કરાવી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે સોનમ અને રાજા રઘુવંશીના લગ્ન અરેન્જ મેરેજ હતા. બંનેના પરિવારે સમાજની લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓની પુસ્તિકામાં નામ લખાવ્યા હતા અને તેના આધારે સોનમના પિતાએ રાજા રઘુવંશીના પરિવારનો સંપર્ક કર્યો હતો. અને બંને પરિવારોએ મળીને સગાઇ નક્કી કરી હતી. પરંતુ સગાઇ બાદ સોનમ રાજા રઘુવંશી સાથે ટેલિફોન પર વાત પણ ન્હોતી કરતી. જેથી રાજાના પરિવાર દ્વારા આ અંગે સોનમના પરિવારને જાણ કરવામાં આવી સોનમ દુકાનના કામમાં વ્યસ્ત હોવાથી વાત નથી કરતી તેમ જણાવવામાં આવતું હતું. જો કે હકિકતમાં સોનમ તેના પિતાની દુકાનમાં જ કામ કરતા રાજ કુશવાહા સાથે પ્રેમ સંબંધમાં હતી અને રાજ સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પરંતુ પિતા અને પરિવારના દબાણના કારણે તેણે રાજા રઘુવંશી સાથે 11 મે 2025ના રોજ લગ્ન કર્યા હતા અને હનિમૂન પર જ પતિને બોયફ્રેન્ડ અને તેના અન્ય ત્રણ મિત્રોની મદદથી મેઘાયલના જંગલોમાં કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મેઘાયલ પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડની કાર્યવાહી હાથધરી છે.

હવે આપને જણાવીએ રાજા રઘુવંશી હત્યા કેસમાં સામેલ 5 આરોપીઓ વિશે
સોનમ રઘુવંશી: સોનમ મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છે અને તેણે હનિમૂન પર પતિ રાજાની હત્યા કરાવી. સોનમ તેના પિતાની દુકાનમાં જ કામ કરતા રાજ કુશવાહાના પ્રેમમાં હતી.
રાજ કુશવાહા: રાજ કુશવાહા ઉત્તરપ્રદેશથી થોડા વર્ષ પહેલા કામ માટે ઇન્દોર આવ્યો હતો. પહેલા તે ઇન્દોરના ગોવિંદનગરમાં ભાડે રહેતો હતો. પછી નંદબાગમાં રહેવા ગયો. રાજની સાથે તેની માતા અને બે ભાઇઓ પણ રહેતા હતા.
વિશાલ ચૌહાણ: રાજ કુશવાહાનો મિત્ર વિશાલ ચૌહાણ પણ ઇન્દોરમાં રહેતો હતો. તે ઉત્તર પ્રદેશના લલિતપુરનો રહેવાસી છે. વિશાલ રેપિડો ચલાવતો હતો અને ન્યૂ નંદબાગ વિસ્તારમાં રહેતો હતો.
આકાશ: રાજા હત્યા કેસમાં પકડાયેલો ત્રીજો આરોપી આકાશ બેરોજગાર છે અને ઇન્દોરમાં ન્યૂ નંદબાગ વિસ્તારમાં જ રહેતો હતો.
આનંદ કુર્મી: રાજા હત્યા કેસમાં આરોપી આનંદ કુર્મી ઇન્દોરનો રહેવાસી છે અને રાજાની હત્યા બાદ તેના કાકાના ઘરે મધ્ય પ્રદેશના બીના શહેરમાં જતો રહ્યો હતો જ્યાંથી પોલીસે તેને ઝડપી લીધો હતો.