નવજીવન ન્યૂઝ. બિહાર: બરવાળામાં થયેલા પ્રથમ લઠ્ઠાકાંડ અને બાદમાં થયેલા ખુલાસા પ્રમાણે કેમિકલકાંડે તંત્રને દોડતું કરી દીધું હતું. જે ઘટના આજે પણ નથી વિસરાઈ ત્યાં બિહારમાંથી નકલી દારૂકાંડની ઘટના સામે આવી છે, જેમાં 8 લોકોના નકલી દારૂ પીવાથી મોત થયા છે, તો 6 લોકોએ આંખોની રોશની ગૂમાવી છે.
બિહારના મોતીહારી જિલ્લાના લક્ષ્મીપુર ગામમાંથી આ ઘટના સામે આવી છે. જ્યાં ગામના 25 જેટલા લોકોએ ઝેરી દારૂ પીધો હતો. ત્યારબાદ તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા પ્રથમ દર્દીનું મોત થતા ડાયરિયાના કારણે શંકાસ્પદ મોત થયું હોવાનું મોતીહારી અને મુઝફ્ફપુર હોસ્પિટલના ડોક્ટરને લાગ્યું હતું. પરંતુ ઝેરી દારૂનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે દર્દીઓએ ખૂદ કબૂલાત કરી કે તેમણે દારૂ પીધા પછી જ તે બધાની તબિયત લથડી હતી અને આંખે દેખાવાનું બંધ થયુ હતું. દર્દીઓના આ નિવેદનને કારણે ઝેરી દારૂ પીવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકોએ આંખોની રોશની ગૂમાવી દીધી છે. બાકીના તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓના અને મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સની રાહ જોવાઈ રહી છે. તેમજ બીજી તરફ આ ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થયુ છે. હાલ સતર્કતા દાખવીને ડોક્ટરોની ટીમને ગામમાં મોકલવામાં આવી છે. જે ગામના દરેક લોકોની તપાસ કરશે અને શંકાસ્પદોને હોસ્પિટલમાં મોકલશે.
આ ઘટનામાં મોત થયેલા વ્યક્તિના નામ
ધ્રુવ પાસવાન
વિનોદ પાસવાન
અશોક પાસવાન
રામેશ્વર રામ
પરમેન્દ્ર દાસ (હરસિદ્ધિ – પિતા)
નવલ દાસ (હરસિદ્ધિ – પુત્ર)
ટુનટુન સિંહ
ભૂતાન માંઝી (પહાડપુર ગામના)
તો બીજી તરફ પહારપુર ગામના ભોલા પ્રસાદની હાલત હાલ નાજુક છે. હોસ્પિટલના ડૉ.અમિત અને ગ્રામ્ય હૉસ્પિટલના ડૉ.વિનોદે આ તમામના મોત નકલી દારૂના કારણે થયા હોવાની તેમણે શક્યતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં એપ્રિલ 2016માં મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની હેઠળની સરકાર દ્વારા રાજ્યમાં દારૂના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લાધવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા નકલી દારૂના વેપાર ઉઘાડા પડતા અને દારૂ પીવાથી લોકોનો ભોગ લેવાતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ ગુજરાતના બરવાળા જેવો કોઈ મોટો લઠ્ઠાકાંડ બહાર આવવાની ભીંતી પણ લોકો સેવી રહ્યાં છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








