Tuesday, March 17, 2026
HomeInternational‘કહેજો હું એને ખૂબ પ્રેમ કરું છું…’ : અમેરિકામાં પ્લેન રોડ પર...

‘કહેજો હું એને ખૂબ પ્રેમ કરું છું…’ : અમેરિકામાં પ્લેન રોડ પર ઉતર્યું, થયો અકસ્માત- Video

- Advertisement -
નવજીવન ન્યૂઝ નેટવર્ક.જ્યોર્જિયાઃ અમેરિકાના જોર્જિયા રાજ્યમાં એક ગંભીર વિમાન અકસ્માત ટળી ગયો. ગેન્સવિલે શહેરમાં એન્જિન ખામી સર્જાતા એક નાનકડું પ્લેન વ્યસ્ત રોડ પર જ ઈમરજન્સી લેન્ડિંગ કરવા મજબૂર બન્યું. લેન્ડિંગ દરમિયાન પ્લેન અનેક વાહનો સાથે અથડાયું, જ્યારે પાઇલટે અગાઉ ‘મેડે કોલ’ કરીને પોતાની સ્થિતિ ગંભીર હોવાની જાણ કરી હતી.

પોલીસ અને અધિકારીઓના જણાવ્યા મુજબ આ સિંગલ એન્જિન પ્લેન બ્રાઉન્સ બ્રિજ રોડ અને પર્લ નિક્સ પાર્કવે વિસ્તારમાં ઉતારવામાં આવ્યું હતું. બપોરના લગભગ 12.10 વાગ્યાની આસપાસ પાઇલટે એન્જિનમાં ગંભીર સમસ્યા સર્જાઈ હોવાની જાણકારી આપી હતી અને તાત્કાલિક મદદ માટે ‘મેડે કોલ’ કર્યો હતો.

કેવી રીતે સર્જાઈ સ્થિતિ?

મળતી માહિતી પ્રમાણે, આ પ્લેન ગેન્સવિલેના લી ગિલ્મર મેમોરિયલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને કેન્ટન ખાતે આવેલા રિજનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. ઉડાન લીધાના થોડા જ સમય પછી એન્જિનમાં ખામી સર્જાઈ, જેના કારણે પ્લેનને હવામાં રહેવા માટે જરૂરી શક્તિ મળી રહી નહોતી. પરિસ્થિતિ ગંભીર બનતા પાઇલટે ગેન્સવિલે પરત ફરી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ એરપોર્ટ સુધી પહોંચી શકાય તેમ ન હોવાથી રોડ પર જ પ્લેન ઉતારવું પડ્યું.

- Advertisement -

રસ્તો અત્યંત વ્યસ્ત હોવાથી લેન્ડિંગ દરમિયાન પ્લેન ત્રણ વાહનો સાથે અથડાયું. ઘટનાના ઓડિયો રેકોર્ડિંગમાં પાઇલટ અત્યંત ગભરાયેલ અવાજમાં મદદ માટે બૂમો પાડતો સાંભળવામાં આવે છે. તેણે કહ્યું હતું, “મેડે… મેડે… અમે પહોંચી શકીશું નહીં.” ત્યારબાદ તેણે ભાવુક શબ્દોમાં કહ્યું કે જો શક્ય હોય તો તેની પત્નીને કહી દેજો કે તે તેને ખૂબ પ્રેમ કરે છે, તેમજ તેના માતા-પિતાને પણ તે અત્યંત પ્રેમ કરે છે.

વીડિયો વાયરલ, લોકોમાં ભય

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વ્યસ્ત રોડ પર પ્લેન ઉતરતું અને વાહનો સાથે ટક્કર ખાતું સ્પષ્ટ જોવા મળે છે. પોલીસ મુજબ આ અકસ્માતમાં અનેક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે લેન્ડિંગ બાદ પ્લેનની જમણી પાંખ એક વાહન સાથે અથડાઈ હતી અને પ્લેનનું ફ્યુઅલ ટેંક એક SUVમાં ઘૂસી ગયું હતું. સદનસીબે આગ લાગવાની કોઈ મોટી ઘટના બની નહોતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular