ખેડૂત આગેવાન રાજુ કરપડાનો આમ આદમી પાર્ટીને છોડી દીધી
નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ આમ આદમી પાર્ટીના ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન અને તાજેતરમાં જ જેલમાંથી બહાર આવેલા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખી પોતાની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવાની વિનંતી કરી છે.
રાજુ કરપડાના રાજીનામા બાદ રાજ્યની રાજકીય ચર્ચામાં ગરમાવો આવી ગયો છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રાજુ કરપડાએ આકસ્મિક રીતે આમ આદમી પાર્ટી કેમ છોડી? તેની પાછળ કયા કારણો જવાબદાર છે?
ખેડૂત આગેવાન તરીકે ઉભરી આવેલા રાજુ કરપડા
રાજુ કરપડાની ઓળખ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના ખેડૂતોના અવાજ તરીકે મજબૂત બની હતી. આમ આદમી પાર્ટીમાં તેઓ એક લડાયક અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાર્ટીને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.
આમ આદમી પાર્ટીએ પણ રાજુ કરપડાને મહત્વ આપ્યું હતું અને બંનેએ પરસ્પર રીતે એકબીજાને રાજકીય રીતે મજબૂત બનાવ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.
એપીએમસી મુદ્દે આંદોલન અને જેલવાસ
ખેડૂતોને એપીએમસી માર્કેટમાં ભાવ અને કરદાની બાબતે થતી કથિત લૂંટના મુદ્દે આમ આદમી પાર્ટીએ આંદોલનની જાહેરાત કરી હતી. આ આંદોલન અંતર્ગત બોટાદમાં રાજુ કરપડા અને પ્રવીણ રામે આગેવાની લીધી હતી.
આંદોલન દરમિયાન સ્થિતિ વણસી હતી. પોલીસ અને કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પોલીસ પર પથ્થરમારો થયો હોવાના આરોપો લાગ્યા હતા અને કેટલાક પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં પોલીસે રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે ગુનાઓ દાખલ કર્યા હતા અને બંનેની ધરપકડ થઈ હતી.
બન્ને નેતાઓ 100 દિવસથી વધુ સમય જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયા હતા.
જેલમાંથી બહાર આવ્યા બાદ બદલાયેલા સમીકરણો
જેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ કરપડા જાહેર કાર્યક્રમોથી દૂર રહેતા જોવા મળ્યા. તેઓ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં કેમ દેખાતા નથી તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા.
આ અંગે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રાજુ કરપડાને પારિવારિક પ્રસંગો હોવાથી તેઓ થોડા સમય માટે સક્રિય નથી.
પરંતુ હવે મળતી માહિતી અનુસાર, જેલવાસ બાદ રાજુ કરપડાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
દબાણ, ધમકી કે આંતરિક અસંતોષ?
રાજુ કરપડાના નજીકના સૂત્રોના દાવા મુજબ, તેઓ જેલમાં હતા ત્યારે અન્ય રાજકીય પક્ષના કેટલાક નેતાઓ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમને ભૂતકાળના કેસો, કાનૂની કાર્યવાહી અને ભવિષ્યમાં આવી શકે તેવા દબાણની વાતો કરવામાં આવી હોવાનો પણ દાવો છે.
બીજી તરફ, રાજુ કરપડાને એવું લાગતું હતું કે જેલવાસ દરમિયાન તેમની સાથે ન્યાય ન થયો અને પાર્ટી અંદરથી તેમને પૂરતો સહારો મળ્યો નહોતો. આમ આદમી પાર્ટી સાથેના કેટલાક કડવા અનુભવોને કારણે પણ તેઓ માનસિક રીતે દૂર થયા હોવાનું તેમના નજીકના લોકો કહે છે.
આ બાબતે આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી કોઈ સત્તાવાર વિગતવાર પ્રતિભાવ આવ્યો નથી.
ભાજપમાં જોડાણ? હજી સ્પષ્ટતા નથી
રાજકીય ચર્ચાઓમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી તરફ વળે શકે છે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજુ કરપડાને માત્ર આમ આદમી પાર્ટી છોડવાની શરત રાખવામાં આવી હતી અને ભાજપમાં સીધી ટિકિટ અથવા પદની કોઈ ખાતરી આપવામાં આવી નથી. આ દાવાઓની પણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
રાજીનામા પત્રમાં શું લખ્યું?
અરવિંદ કેજરીવાલને લખેલા હિન્દી ભાષાના પત્રમાં રાજુ કરપડાએ લખ્યું છે કે,
“તમે મને પરિવારનો ભાગ બનાવ્યો, તેના માટે હું આપનો આભારી છું. અંગત કારણોસર હું પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું.”
આ “અંગત કારણો” શું છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી.
રાજુ કરપડાની પ્રતિક્રિયા આવવાની બાકી
આ સમગ્ર મામલે રાજુ કરપડાનો પક્ષ જાણવા માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેમનો પ્રતિભાવ મળશે ત્યારે તે પણ જાહેર કરવામાં આવશે.








