2035 સુધીમાં કોપરની અછત 25થી 30 ટકા સર્જાવાનો ભય
કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલની અમેરિકન આયાત જકાત 50 ટકા રહેશે
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : જગતની બે આગેવાન ખાણ કંપની, જેમનું સંયુક્ત બજારમૂલ્ય 260 અબજ ડોલર છે, તેવી રિયો-ટીંટો અને ગ્લેનકોર વચ્ચે જંગી જોડાણ (મર્જર) વાતાઘાટ આખરે પડી ભાંગતા, ધાતુ બજારની તમામ આશા અપેક્ષાઓનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. બંને કંપનીઓ વચ્ચે આખરે સંચાલકીય માળખું, નેતાગીરી, અને મૂલ્યાંકન જેવા મૂળભૂત માળખાગત મુદ્દે ભિન્નમત સર્જાતાં આ સોદો તૂટી પડ્યો હતો. છેલ્લા 20 વર્ષમાં આ ચોથી નિષ્ફળતા હતી. આ સોદાની વાટાઘાટોને પગલે 25 જાન્યુઆરી 2026ના રોજ લંડન મેટલ એક્સચેન્જમાં ત્રિમાસિક કોપર વાયદો 14500 ડોલર પ્રતિ ટનની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યો હતો. આજે (મંગળવારે) એશિયન બજાર ટ્રેડીંગ કલાકોમાં આ વાયદો 12985 ડોલરના તળિયે બોલાઈ 13219 ડોલર બોલાયો હતો. પાંચ ફેબ્રુઆરીએ જ્યારે વર્તમાન સદીનો આ સોદો પડી ભાંગ્યાના સમાચાર આવતા, વૈશ્વિક ખાણ ઉધ્યોગ હચમચી ગયો હતો.
આ મર્જર કંપનીઓનું જોડાણ માત્ર ના હતું, ખાણ ઉધ્યોગમાં આ એક ગેમ ચેન્જર ઘટના સાબિત થવાની હતી. જે આગામી સમયમાં સર્જનારી આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સંચાલિત કોપર માંગ વૃધ્ધિના ગણિતમાં આમૂલ પરિવર્તન લાવનારી સાબિત થનાર હતી. જે એનર્જી ઉપાર્જનના કાચા માલ અને પશ્ચિમના બજારો દ્વારા નિર્ધારિત વ્યૂહાત્મક મેટલના દરજ્જાને પડકારીને ચીનની ઇજારાશાહી નિર્ભરતાને પણ ઘટાડી શકતે. રિયો-ટીંટોએ કહ્યું હતું કે અમે અમારા શેરહોલ્ડરોને આ કરાર દ્વારા સાચું મૂલ્ય અપવાવામાં નિષ્ફળ ગયા છીએ. જ્યારે ગ્લેનકોરએ વળતી દલીલમાં કહ્યું હતું કે અમારી કંપની માટે આ દરખાસ્ત તેના ખરા મૂલ્યાંકન કરતાં ક્યાંય ઓછી ઉતરી રહી હતી. સપ્ટેમ્બર 2025માં બે અમેરિકન-ટેક કંપનીઓએ તેમના 53 અબજ ડોલરના સંયુક્તિકરણ કરાર પૂર્ણ કર્યા હતા. તે અગાઉ જ વિશ્વની આ બે સૌથી મોટી કોપર ઉત્પાદક કંપનીઓ, એ જાણી ચૂકી હતી કે સ્પર્ધાત્મક બજાર આંતરપ્રવાહ વચ્ચે બંને કંપનીઓનું વિસ્તરણ હવે અત્યાવશ્યક છે. 25 જાન્યુઆરી 2026ના રોજ કોપરના ભાવ 14531.70 ડોલરની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચી ગયા હતા.
જો સોના ચાંદીને સલામત મૂડીરોકાણ ગણવામાં આવે છે, જો તેની સરખામણી કોપર સાથે કરવામાં આવે તો જાગતિક આર્થિક સાયકલને ધ્યાનમાં લેતા ભાવ વધુ દબાણમાં રહ્યા છે. જે પી મોર્ગનને એ ધ્યાનમાં આવ્યું છે કે વર્ષાનું વર્ષ કોપરના ભાવ જે રીતે વધી રહ્યા તેને ધ્યાનમાં લઇએ તો, વૈશ્વિક ઉત્પાદનનો પીએમઆઈ (પરચેજિંગ મેનેજર ઇંડેક્સ) અત્યારે 53 હોવો જોઈએ, જે વાસ્તવમાં અત્યારે 50.5 આસપાસ છે. ઔધ્યોગિક સૂચકાંકો ચેતવણીના સૂરમાં કહે છે કે 2035 સુધીમાં કોપરની અછત 25થી 30 ટકા સર્જાવાનો ભય છે. આ સૂચવે છે કે અન્ય ઉર્જા અને ઇલેક્ટ્રિક ગ્રીડની લાંબાગાળાની સંગઠિત માંગને પહોંચી વળવું મુશ્કેલ થઈ પડશે. કોપર માટે તેજીના કારણોમાં એઆઈ ડેટા સેન્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ વધીને વાર્ષિક 650 અબજ ડોલર અંદાજાય છે, ઇલેક્ટ્રોનિક વાહનોનો વધતો સ્વીકૃતિઆંક, પાવર ગ્રીડન આધુનિકરણ પાછળ વધતું મડીરોકાણ, અને તાંબાની નવી ખાણોને ઉત્પાદનમાં આવવનો સમય વધીને 7 થી 10 વર્ષનો થયો છે તે જોતાં પુરવઠા અછતનો ભય આ બધુ ભાવને ઉપર લઈ જવામાં મદદરૂપ થશે. જ્યારે અર્થતંત્રોમાં ધમી પડતી ગતિ, સટ્ટાકીય ખરીદી, જો ડોલર મજબૂત થાય તો કોમોડિટીના ભાવ પર દબાણ વધે, આ બધાં ભાવને નીચે જવામાં મદદ કરી શકે તેમ છે.
અમેરિકા સાથે ભારતના ટેરિફ નિર્ધારણ કરાર થયા પછી, ઉધ્યોગ અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે ઇન્ડો અમેરિકન કરારમાં કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલની જકાત બાબતે કોઈ અનિશ્ચિતતા નથી, અન્ય તમામ દેશો સાથે ભારતને સમાંતર ગણી ટેરિફ લગુ પડવાની છે. આ ધાતુઓમાં કોઈ વળતી ટેરિફ પ્રતિક્રિયા નથી, જગતના અન્ય તમામ દેશોને લાગુ પાડવામાં આવી છે તેટલીજ સમાંતર ટેરિફ ગણવામાં અવનાર છે. સમાંતર વળતી ટેરિફના સિદ્ધાંત મુજબ ભારતની અસંખ્ય ચીજો પર અમેરિકાએ આયાત જકાત 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી છે. તેમણે એવી નોંધ મૂકી હતી કે અમેરિકન વેપારની કલમ 232 અનુસાર કોપર, સ્ટીલ અને એલ્યુમિનિયમની વૈશ્વિક આયાત પર અમેરિકાની રાષ્ટ્રીય સલામતી ખાતર, 50 ટકા સમાંતર આયાત જકાત ભારતને પણ લાગુ પડશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








