પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-34): Akshardham Temple Attack Series : મૌલાના અબ્દુલાએ આખો ચીઠ્ઠો ખોલી નાખ્યો હતો. મુફતી કયુમ પાસે હવે છુપાવવા જેવું કંઈ જ હતું નહીં. એ.સી.પી. સિંઘલ (ACP Girish Singhal) જે રીતે એક પછી એક ઘટનાઓ કહી રહ્યા હતા; એનાથી મુફતીને લાગ્યું કે, એક પણ, નાનામાં નાની બાબત પણ એવી નથી, જે સિંઘલની નજર બહાર રહી હોય. ગિરીશ સિંઘલે પોતાની વાત પૂરી કરી અને સિગારેટ સળગાવી. મુફતી કયુમ ચુપચાપ બેઠા હતા. સિંઘલ સિગારેટના ધુમાડા બારીની બહાર ફેંકી રહ્યા હતા. તેમનું મન હવે સ્વસ્થ હતું. કારણ કે, એક ઇન્વેસ્ટિગેટર પાસે જ્યારે આ પ્રકારની તપાસ આવે; એમાં પણ તેનાં પત્તાં ખુલવા લાગે, ત્યારે એ એચિવમેન્ટનો આનંદ અલગ જ હોય છે!
સિંઘલ પાછળ ફરીને એક વર્ષ પહેલાંની ઘટના યાદ કરી રહ્યા હતા. કેવો સંજોગ હતો! અક્ષરધામ પર અટેક (Akshardham Attack) થયો ત્યારે પણ તેઓ ગાંધીનગર ઓપરેશનમાં હતા અને એક વર્ષ પછી તેમની બદલી ક્રાઇમબ્રાંચમાં (Crime Branch) થઈ; ત્યારે પણ અક્ષરધામ અટેકની કડીઓ પણ તેમને જ મળી! જોકે તેમણે પોતાની જાતને યાદ કરાવ્યું કે, તપાસ ક્રાઇમબ્રાંચ પાસે નથી. હજી ઓફિશિઅલી તપાસ ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) કરી રહ્યું છે. ગિરીશ સિંઘલને પાક્કી ખાતરી હતી કે, હવે મુફતી કયુમ પાસે કબૂલ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. વળી એ કબુલાત કરે, પછી તો બાકી રહેતી કડીઓ પણ કયુમ જોડી આપશે.
સિંઘલની સિગારેટ પૂરી થતાં બારીની પાળી ઉપર તે હોલવી, તેના ઠૂંઠાંને અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવી, બારીની બહાર ફેંકી અને ઊંધા ફરતાં કહ્યું, “બોલો મુફતી, મેં જે સ્ટોરી કહી, તેમાં કોઈ કરેક્શન હોય તો કહો.”
મુફતી ગિરીશ સિંઘલની આંખમાં જોઈ રહ્યા હતા, સિંઘલને મુફતીની આ નજર પસંદ આવી નહીં. સિંઘલ માની રહ્યા હતા કે, મુફતી અપેક્ષા પ્રમાણે જવાબ આપશે, પણ મુફતીએ બહુ નરમાશથી ધીમા અવાજે કહ્યું, “મને ખબર નથી સર કે, આ સ્ટોરી તમને કોણે કહી છે? ખરેખર તો આ ઘટના સાથે મારે કોઈ સંબંધ જ નથી. તેવું હું વણઝારા સાહેબને કહી ચૂક્યો છું, પણ તમે મારી વાત માનવા તૈયાર જ નથી!”
આ વાત સાંભળતાં જ ગિરીશ સિંઘલનું માથું ફાટ્યું. તેમને ઇચ્છા થઈ કે, કચકચાવીને મુફતીને એક લાફો મારી દે! પણ તેમના હાથના હાથ માત્ર મુઠ્ઠી બંધાઈને રહી ગયા. સિંઘલની આંખમાં એકદમ લોહી દોડી આવ્યું, આંખો લાલ થઈ ગઈ. સિંઘલે ટેબલ ઉપર પડેલી, ઉર્દૂ ભાષામાં લખેલી ચીઠ્ઠી ફરી બતાવી અને પુછ્યું, “આ ચીઠ્ઠી પણ તમે લખી નથી?”
મુફતીએ માથું હલાવી ના પાડી. સિંઘલ એકદમ બરાડી ઉઠ્યા, “મુફતી, તમને હવે તમારી ભાષામાં જ સમજાવવા પડશે, તેવું મને લાગે છે.”
સિંઘલનો અવાજ એટલો ઊંચો હતો કે બહાર ઊભો રહેલો પોલીસવાળો વગર બેલ વાગ્યે એકદમ દોડી આવ્યો. પોલીસવાળાએ એ.સી.પી. સિંઘલનું આવું સ્વરૂપ પહેલી વખત જોયું હતું. પોલીસવાળાને જોતાં સિંઘલે ઊંચા અવાજમાં કહ્યું, “લઈ જા આને. મારું માથું ફાટ્યું તો…”
એટલું બોલીને પછીના શબ્દો સિંઘલ ગળી ગયા. પોલીસવાળાએ ખુરશીમાં બેઠેલા મુફતીનો કોલર પકડ્યો, એ જાણે કોઈ જાનવરને ખેંચી જતો હોય, એ રીતે ખેંચીને બહાર લઈ ગયો. ગિરીશ સિંઘલે તરત ફોન ઉપાડ્યો અને કોઈ સહાયક અધિકારીને કંઈક સૂચના આપી.
સિંઘલે બંને હાથ પાછળ લીધા, હાથના પંજાને જોડી માથાને ટેકો આપ્યો અને આંખો બંધ કરી પોતાને શાંત કરવા લાગ્યા. એવામાં તેમને કોઈની ચીસો સંભળાવા લાગી. તેમણે એ અવાજને કારણે આંખો ખોલી અને કોનો અવાજ છે; તે ઓળખવાનો પ્રયત્ન કર્યો. તેમને અંદાજ આવી ગયો કે, આ અવાજ મુફતી કયુમનો છે.
હમણાં સુધી ક્રાઇમબ્રાંચ જેમને પણ લઈ આવી હતી, એ તમામ ક્રાઇમબ્રાંચનો તાપ સહન કરી શક્યા નહોતા. એક મુફતી જ એવા હતા કે, તે કબૂલ કરવા તૈયાર નહોતા. ક્રાઇમબ્રાંચમાં ખાસ પ્રકારના પટ્ટા હતા. જેના છેડે લાકડાનું હેન્ડલ હોય અને પટ્ટા ઉપર ‘સત્ય શોધક’ લખેલું હોય છે. જ્યારે ક્રાઇમબ્રાંચના અધિકારીને લાગે કે, સત્યનો ‘ગર્ભપાત’ થઈ રહ્યો છે, ત્યારે આ ખાસ પટ્ટાનો ઉપયોગ કરવામાં આવતો.
અન્ય આરોપીઓના કિસ્સા કરતાં મુફતીનો કેસ અલગ હતો. મુફતીને પુરાવા વગર અંદર લેવામાં જોખમ હતું. આદમ અને મૌલાના અબ્દુલાના નિવેદનમાં મુફતી કયુમનો ઉલ્લેખ આવતો હોવા છતાં કોર્ટમાં ટકી શકે તેવો કોઈ પુરાવો હજી સુધી ક્રાઇમબ્રાંચ પાસે નહોતો. પોલીસને ખબર હતી કે, ક્રાઇમબ્રાંચની અંદર નિવેદન આપનારા તમામ આરોપી કોર્ટમાં એવું જ કહેતા હોય છે કે, ‘પોલીસે ધમકી આપીને નિવેદન નોંધ્યુ છે.’ આ કિસ્સામાં પણ આવું થવાની પૂરી શક્યતા હતી. જો મુફતીના કેસમાં આવું થાય; તો ધાર્મિક કારણોસર પણ દાવ ઊંધો પડે તેમ હતો, પણ મુફતી સહકાર આપવા તૈયાર નહોતા.
એ.સી.પી. ગિરીશ સિંઘલે આ મામલે ડી.સી.પી. ડી. જી. વણઝારા (DCP D G Vanzara) સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ગિરીશ સિંઘલ આખા કેસની ચર્ચા કરવા માટે ડી.સી.પી. સાહેબ પાસે આવે છે. ત્યારે ડી.સી.પી. પાસે ક્રાઇમબ્રાંચના કેટલાંક પોલીસ ઇન્સપેક્ટર્સ પણ બેઠા હતા. ગિરીશ સિંઘલને જોતાં જ પહેલી હરોળમાં બેઠેલા ઇન્સપેક્ટરે આગળની ખુરશી ખાલી કરી. “જય હિંદ” કહી સિંઘલ આગળની ખુરશીમાં બેઠા. ડી. જી. વણઝારાએ સિંઘલનો ચહેરો જોતાં કહ્યું, “શું થયું ગિરીશ? કેમ મુંઝાયેલા છો?”
સિંઘલે કંઈ ન કહેતાં આસપાસ બેઠેલા અધિકારીઓ સામે જોયું. વણઝારા સમજી ગયા. તેમણે ત્યાં બેઠેલા ઇન્સપેક્ટર્સને કહ્યું, “ઓફિસર્સ, આપણે પછી વાત કરીએ.”
બધા ઇન્સપેક્ટર્સ ખુરશીમાંથી ઊભા થયા અને હાથ પાછળ ખેંચી, જય હિંદ કહી, સલામ કરીને બહાર નીકળ્યા. વણઝારાએ બેલ મારી, અંદર આવેલા પોલીસવાળાને કહ્યું, “સિંઘલ સાહેબ માટે કડક કોફી લઈ આવો.”
પોલીસવાળો બહાર ગયો એટલે વણઝારાએ આગળ આવીને પુછ્યું, “બોલો, શું હતું?”
ચેમ્બરમાં સિંઘલ અને વણઝારા સિવાય કોઈ જ નહોતું, પણ સિંઘલ કાયમ કહેતાં કે, દિવાલોને પણ કાન હોય છે! એટલે તેમણે ધીમા અવાજે વાતની શરૂઆત કરી. હમણાં સુધી કેસમાં થયેલા ડેવલપમેન્ટની વાત કહી. સિંઘલની વાત સાંભળીને ડી. જી. વણઝારાના ચહેરા પર ચમક આવી રહી હતી, પણ જ્યારે વાત મુફતી કયુમ ઉપર આવીને અટકી; ત્યારે સિંઘલનાં કપાળની રેખાઓ તંગ થઈ. સિંઘલની વાત સાંભળી વણઝારાએ કહ્યું, “અરે ગિરીશ, ચિંતા ન કરો. એરેસ્ટ કરી લો. આગળ જોવાઈ જશે.”
સિંઘલ હસવા લાગ્યા અને કહ્યું, “ના સર, એવું નથી કરવું, મારી પાસે એક પ્લાન છે. તમે કહો તો એ કામ કરીએ.”
પ્લાન સાંભળીને વણઝારાની આંખો ચાર થઈ ગઈ!
(ક્રમશ:)
Part 33 : ACP ગિરીશ સિંઘલ ચેમ્બરની બારી પાસે સિગારેટ પી રહ્યા હતા, તેમના મનમાં ધમસાણ ચાલી રહ્યુ હતું
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796