પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-30): Akshardham Temple Attack Series : મુફતી કયુમ અને મૌલાના અબ્દુલાનું પ્રાથમિક ઇન્ટ્રોગેશન થઈ ગયું હતું. જોકે બંને હજી મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા. મુફતી અને મૌલાના શિક્ષિત અને સ્માર્ટ હતા. તેમને હજી અંદાજ નહોતો આવી રહ્યો કે, ખરેખર પોલીસ પાસે તેમના વિરૂદ્ધ કેટલા પુરાવા છે! તેઓ પણ પોલીસને તપાસી રહ્યા હતા. પરંતુ મુફતીએ જે ભાષામાં ડી.સી.પી. ડી. જી. વણઝારા (DCP D G Vanzara) સાથે વાત કરી હતી, તે એમને હરગીજ પસંદ નહોતી. આ તેમના સ્વભાવ વિરૂદ્ધની વાત હતી, પણ પોલીસ અધિકારી તરીકે ક્યારેક તમારે ગમ ખાવું પણ મહત્ત્વનું હોય છે.
તેવી જ રીતે મૌલાના એ.સી.પી. સિંઘલને (ACP Girish Singhal) ગોળ ફેરવી રહ્યા હતા. જે રીતે મુફતી અને મૌલાનાને પોલીસ અધિકારીની ચેમ્બરમાંથી બહાર લઈ જવામાં આવ્યા, તેનાથી તેમના પર માનસિક દબાણ વધી ગયું હતું. આ પોલીસની સ્ટાઇલ હતી, પણ તેની તેમને ખબર નહોતી. મુફતી માની રહ્યા હતા કે, ક્રાઇમબ્રાંચમાં (Crime Branch)તેઓ એકલા છે. તેવી જ રીતે મૌલાના પણ માની રહ્યા હતા કે, બહાર રહેલા મુફતી તેમની મદદ આવશે; પણ મૌલાનાને ખ્યાલ જ નહોતો કે, તેઓ જેમની મદદની અપેક્ષા રાખે છે; તે પણ હવે ક્રાઇમબ્રાંચમાં જ છે.
મૌલાના અને મુફતીને અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં કેટલાક પોલીસવાળા પોતાનું કામ કરી રહ્યા હતા. કોઈનું ધ્યાન તેમની ઉપર નહોતું, પણ હવે શું થશે? તે વિચાર તેમને અસ્વસ્થ બનાવી રહ્યો હતો. ડી.સી.પી. ડી. જી. વણઝારાની ચેમ્બરમાં એક પોલીસવાળો દાખલ થયો. તેણે કહ્યું, “સર, ગેટ પર એક વકીલ આવ્યા છે. એ આપને મળવા માગે છે.”
વણઝારા વિચાર કરવા લાગ્યા, વકીલ! મેં તો કોઈ વકીલને બોલાવ્યા નથી! પોલીસવાળાએ ફોડ પાડતાં કહ્યું, “વકીલ કહે છે કે, તે કોઈ મુફતી કયુમના કામે આવ્યા છે.”
વણઝારાના ચહેરા પર એક મંદ સ્મિત આવ્યું. તે સમજી ગયા કે, મુફતીની લંકામાં આગ લાગી ચુકી છે. તેમણે સહેજ વિચાર કરીને કહ્યું, “આવવા દો.”
પોલીસવાળો સલામ કરીને બહાર ગયો. ચેમ્બરની બારીની બહાર લાગેલા બાંબુનાં ઝાડને જોતાં વણઝારા કંઈક વિચાર કરી રહ્યા હતા; ત્યાં દરવાજો નોક થયો. વણઝારા તંદ્રામાંથી બહાર આવ્યા અને કહ્યું, “કમ ઇન.”
દરવાજો ખુલ્યો, આશરે ત્રીસેક વર્ષનો વકીલ દરવાજામાં ઊભો હતો. વણઝારાએ તેને અંદર આવવાનો ઇશારો કર્યો. વણઝારા કદાચ પોલીસમાં ન હોત તો રાજકારણમાં હોત! તેમને પોતાના ચહેરાના હાવભાવ બદલતા સારી રીતે આવડતા હતા. વકીલ તેમને મળવા આવ્યો એ જરા પણ ગમ્યું નહોતું; છતાં વકીલને જોતાં જાણે વર્ષોથી ઓળખતા હોય એ રીતે કહ્યું, “અરે, આવો આવો વકીલ સાહેબ. તમારે લાંબો સમય રાહ તો નથી જોવી પડી ને?”
વકીલ કંઈ પણ જવાબ આપે એ પહેલાં તેમણે બેલ વગાડી અને પોલીસવાળાને કહ્યું, “વકીલ સાહેબ માટે ચ્હા–પાણી લાવો.”
વકીલ પણ હેબતાઈ ગયો. કારણ કે, તેણે ક્રાઇમબ્રાંચ અને ડી. જી. વણઝારાના સ્વભાવ વિશે જે કંઈ સાંભળ્યું હતું; તેના કરતાં સાવ વિપરિત સ્થિતિ તેણે અહીં અનુભવી. વકીલ કંઈ વાત કરે, એ પહેલાં વણઝારાએ તેનો ઇન્ટરવ્યૂ શરૂ કરી દીધો. “વકીલ સાહેબ, એલ.એલ.બી. ક્યાંથી કર્યું?”
વકીલે કહ્યું, “સર, લકીની સામે આવેલી ‘સી. યુ. શાહ’ લૉ કોલેજમાંથી.”
વણઝારાએ પુછ્યું, “ગુડ, વેરીગુડ. કેટલાં વર્ષની પ્રેક્ટિસ થઈ? કયા સિનિયર સાથે કામ કર્યું?”
વકીલે કહ્યું, “પાંચ વર્ષ થયા. મારા સિનિયર એડ્વોકટ તીરમીજી હતા.”
તીરમીજીના વખાણ કરતાં વણઝારાએ કહ્યું, “ઓહ! તીરમીજી સાહેબ સાથે તમે કામ કર્યું! બહુ જ સારા વકીલ, હોંશિયાર પણ ખરા; પણ તેમની તકલીફ એટલી જ કે, ખોટા લોકોના કેસ લડે.”
એ પછી થોડું આગળ નમી વણઝારાએ કહ્યું, “વકીલ સાહેબ, આપણે ટેરરિસ્ટના કેસ લડીએ; એ કેટલું વાજબી છે? આપણી અંદર રાષ્ટ્રભક્તિ જેવું કંઈક તો હોવું જોઈએ ને! ઘણા કેસમાં તીરમીજી અમારી સામે રહ્યા છે, પણ એ તેમનું પ્રોફેશન છે.”
પછી કોઈ ખાનગી વાત કહેતાં હોય એમ ધીમા અવાજે કહ્યું, “સરકારની તો ઇચ્છા હતી કે, જેહાદના કેસમાં તીરમીજીને પણ આરોપી બનાવી દો; પણ મેં સરકારને ભલામણ કરી હતી કે, કોઈ વકીલને આરોપી બનાવવો; એ વાજબી નથી.”
વણઝારાની સામે બેઠેલા યુવાન વકીલનું શરીર ગરમ થવા લાગ્યું. વણઝારા આડતકરી રીતે ધમકી આપી રહ્યા હતા; એ એને સમજાઈ રહ્યું હતું. એટલી વારમાં ચ્હા આવી. વણઝારાએ તરત કહ્યું, “અરે, ચ્હા તો પીવો.”
વકીલ જે કામ માટે આવ્યા હતા, તેની તો હજી વાત જ થઈ નહોતી. ચ્હાનો કપ નીચે મુકતાં વકીલે હિંમત કરીને વાતની શરૂઆત કરતાં કહ્યું, “સાહેબ, એક કામ માટે આવ્યો હતો.”
વણઝારા એકદમ હસી પડ્યા અને કહ્યું, “અરે, આપણે તો એકબીજાની વાત કરવામાં તમારું કામ તો ભૂલી જ ગયા; બોલો બોલો, શું હતું?”
વકીલે ઊંડો શ્વાસ લીધો અને પુછ્યું, “સર, દરિયાપુરના મુફતી કયુમને આપણે લાવ્યા છીએ?”
આટલું પૂછતાં વકીલ ડરી ગયો હતો. વણઝારાને જાણે ખબર જ ન હોય એ રીતે કહ્યું, “મુફતી? કોણ મુફતી?”
પછી કંઈક યાદ કરતાં હોય તેવો ડોળ કરીને કહ્યું, “પેલા અક્ષરધામ કેસમાં ઇન્વોલ્વ છે; એ મુફતીની તો વાત નથી ને?”
અક્ષરધામનું (Akshardham) નામ સાંભળતાં જ વકીલ ધ્રૂજી ગયો. તેણે કહ્યું, “સાહેબ, કેસ તો ખબર નથી; પણ તેમના ટ્રસ્ટના માણસો મારી ઓફિસે આવ્યા હતા. તેમણે મને કહ્યું કે, મુફતી સાહેબને ક્રાઇમબ્રાંચ લઈ ગયા છે; એટલે હું આવ્યો છું.”
ડી. જી. વણઝારાનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે વકીલની આંખમાં જોતાં પુછ્યું, “તમે પણ એડ્વોકેટ તીરમીજીના શિષ્ય નીકળ્યા.”
વકીલ કંઈ જવાબ આપી શક્યો નહીં. ડી. જી. વણઝારા ઊભા થયા અને તેમનાં ટેબલની જમણી બાજુ રહેલા રેકમાંથી એક ફાઇલ લીધી. ફાઇલનાં પાનાં ફેરવતાં કહ્યું, “વકીલ સાહેબ, મામલો ગંભીર છે. તમારા મુફતીએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. આમ તો હું તમને કહી દઉં કે, અમે મુફતીને લાવ્યા જ નથી; પણ તમે યુવાન વકીલ છો. હજી તો તમારી પ્રેક્ટિસની શરૂઆત જ થઈ છે એટલે સાચું કહીશ. મુફતી અમારી પાસે છે, પણ તેમને ક્રાઇમબ્રાંચની કોઈ ટ્રીટમેન્ટ અમે આપી નથી. તેઓ અમને સહકાર આપતા નથી; એ જુદો પ્રશ્ન છે. સારું થયું તમે આવ્યા છો, તમારા ક્લાયન્ટને મળી લો. આમ તો હું કોઈને મળવા દેતો નથી. તમે તેમને સમજાવજો કે, સાચું બોલશે તો તકલીફ ઓછી પડશે. બાકી અમારી પાસે તો પથ્થરો પણ બોલતાં થઈ જાય છે. એની તમને તો ખબર જ હશે.”
વકીલ દીગ્મુઢ થઈને સાંભળી રહ્યો હતો. વણઝારાએ બેલ માર્યો અને પોલીસવાળો અંદર આવ્યો. વણઝારાએ કહ્યું, “વકીલ સાહેબને વનાર સાહેબના સ્ક્વોડમાં લઈ જાવ અને મુફતી સાથે મુલાકાત કરાવી દો.”
વકીલ ઊભા થઈ પોલીસવાળા સાથે જઈ રહ્યા હતા. વણઝારાએ વકીલને રોકતાં કહ્યું, “જુઓ, મિત્રતામાં તમને મદદ કરું છું. હેબિયર્સ કરવાનો વિચાર કરતા નહીં; નહીંતર તમે મને ઓળખો છો.”
(ક્રમશ:)
Part 29 : આદમે કબૂલ્યું કે, “હું બે છોકરાઓને લઈ મૌલાના પાસે ગયો હતો.” પણ મૌલાના માનવા જ તૈયાર નહોતા.
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796