Friday, April 17, 2026
HomeSeriesAkshardham Attackસલીમે કહ્યું, “સાહેબ હું તો રોજીરોટી માટે રિયાધ ગયો હતો.” સિંઘલે પોલીસવાળાને...

સલીમે કહ્યું, “સાહેબ હું તો રોજીરોટી માટે રિયાધ ગયો હતો.” સિંઘલે પોલીસવાળાને બોલાવી કહ્યું, “બાંકડો લગાવો.”

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-22): Akshardham Temple Attack Series : એ.સી.પી. ગિરીશ સિંઘલની (Girish Singhal) ચેમ્બરમાં એક સલીમ શેખને લાવવામાં આવ્યો. એ અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતો હતો. આ વિસ્તારમાં ગીચ મુસ્લિમ વસ્તી આવેલી છે. એક સમય એવો હતો કે, આ વિસ્તારમાં ‘માફિયા’ અબ્દુલ વહાબનો દબદબો હતો; પણ લતીફયુગની સમાપ્તી વખતે એ પણ પકડાઈ ગયો અને જિંદગીના સત્તર વર્ષ તેણે સાબરમતી જેલની અંદર પસાર કર્યા. તેને સુપ્રીમ કોર્ટે છોડ્યો તો ખરો, પણ તે હજ પઢવા ગયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો. સલીમ પણ એ જ વિસ્તારમાંથી આવતો હતો. તેની પુછપરછ કરનારા અધિકારીને શંકા જતાં હવે તેને એ.સી.પી. સિંઘલ સામે રજૂ કરવામાં આવ્યો હતો.

સલીમને લઈને આવેલા કોન્સટેબલ સામે સિંઘલે જોયું. તે સાહેબનો આદેશ સમજી ગયો. તેણે સલીમને સાહેબના ટેબલ અને ખુરશી પાસે બેસવાનો આદેશ આપ્યો. સલીમ ઉભડક પગે એ.સી.પી. સિંઘલ સામે બેઠો. કોન્સટેબલ સમજી ગયો કે, હવે આપણે બહાર જવાનું છે. તે ચેમ્બરની બહાર નીકળી દરવાજા પાસે ઊભો રહ્યો. એ.સી.પી. ગિરીશ સિંઘલ પોતાની ખુરશીમાં થોડા આગળ આવ્યા. તેમણે પુછ્યું, “નામ?”

- Advertisement -

એ છોકરાએ જવાબ આપ્યો, “સલીમ શેખ.”

તરત સિંઘલે બીજો સવાલ પૂછ્યો, “રહેવાનું?”

સલીમે હાથનો ઇશારો પાછળની તરફ કરતાં કહ્યું, “શાહપુર.”

- Advertisement -

સલીમને હજી કોઈએ ફટકાર્યો નહોતો છતાં તેનું મન તેને કહી રહ્યું હતું કે, માર તો પડશે!

સિંઘલે પુછ્યું, “હમણાં સુધી દેશના કયાં કયાં શહેરમાં ગયો છે?”

કંઈક યાદ કરતો હોય એ રીતે સલીમે જવાબ આપ્યો, “ગોવા, અજમેર…”

- Advertisement -

આટલું બોલ્યા પછી કંઈક યાદ કરતો હોય એવો ડોળ કરીને સલીમ ચૂપ થઈ ગયો. એ.સી.પી. સિંઘલે પોતાની ચેમ્બરના ખુણામાં પડેલી લાઠી તરફ માત્ર એક નજર કરી; સલીમ પોપટની જેમ બોલવા લાગ્યો, “હૈદરાબાદ, પુણે, બેંગ્લોર, કોચી…”

એ પંદર–વીસ શહેરનાં નામ બોલી ગયો. ગિરીશ સિંઘલના સ્વાભાવ પ્રમાણે તે ક્યારેય ગુસ્સામાં વાત કરતા નહોતા. તેમણે ધીમા અવાજે પુછ્યું, “ફોરેન ટૂર કરી છે ક્યારેય?”

સલીમે માત્ર માથુ હલાવીને હા પાડી. સિંઘલે આંખની ભ્રમરો ઊંચી કરી અને પુછ્યું, “ક્યાં?”

તેણે કહ્યું, “રિયાધ.”

સિંઘલ કંઈ જ બોલ્યા નહીં. તે માત્ર સલીમના ચહેરાના હાવભાવ જોઈ રહ્યા હતા. હવે સલીમના ચહેરા પર ડર હાવી થઈ રહ્યો હતો. સલીમે સ્પષ્ટતા કરતાં કહ્યું, “સર, રિયાધ ગયો હતો; પણ રોજી રોટી માટે ગયો હતો. હું ટેલરિંગનું કામ કરું છું. રિયાધના એક વેપારીને મોટું કામ મળ્યું હતું એટલે હું રિયાધ ટેલરિંગ કરવા ગયો હતો.”
સિંઘલ હવે કોઈ પ્રશ્ન પુછતાં નહોતા. માત્ર તેઓ લાઠી સામે જુએ એટલે સલીમ આગળ આગળ બોલતો જતો. સલીમે પોતાની આખી કહાની કહી દીધી. સિંઘલે તેની વાત પૂરી થતાં પુછ્યું, “ત્યાં કોને કોને મળતો હતો?”

સલીમે વિચાર કરી કહ્યું, “કોઈ ખાસ નહીં. બસ, મારી જેમ કામ કરવા આવેલા મજૂરો અને કારીગરોને જ મળતો હતો.”

“અક્ષરધામ મંદિર ઉપર હુમલો થયો હતો; તેની તને ખબર છે?”

સિંઘલનો પ્રશ્ન સાંભળતાં જ સલીમને જાણે સાપ કરડી ગયો હોય તેમ ચહેરો સફેદ થઈ ગયો! તેણે ધીમા અવાજે કહ્યું, “જી સર, TV પર સમાચાર જોયા હતા.”

સિંઘલે પુછ્યું, “કોણે હુમલો કર્યો હતો?”

સલીમે માથુ હલાવીને કહ્યું, “ખબર નથી.”

સિંઘલે તરત બીજો સવાલ કર્યો, “હુમલો કોણે કરાવ્યો હતો?”

સલીમ એ.સી. ચેમ્બરમાં બેઠો હોવા છતાં તેના કપાળ પર પરેસાવાની બુંદો આવી ગઈ. સલીમ પાસે જવાબ નહોતો. સિંઘલે પ્રશ્ન ફરી દોહરાવ્યો, “હુમલો કોણે કરાવ્યો હતો?”

આ વખતે એ.સી.પી. સિંઘલનો અવાજ થોડો મોટો થયો હતો. સલીમે હાથ જોડતાં કહ્યું, “નથી ખબર.”

સલીમ ખૂબ ગભરાઈ ગયો હતો; તેણે માત્ર રડવાનું જ બાકી રાખ્યું હતું. ગિરીશ સિંઘલે બેલ મારતાં ચેમ્બરની બહાર ઊભો રહેલો કોન્સટેબલ દરવાજો ખોલી અંદર આવ્યો. સિંઘલે સલીમ તરફ ઇશારો કરતાં કહ્યું, “આના માટે બાંકડો લગાવો; જ્યાં સુધી એ મોઢું ખોલવા તૈયાર ન થાય.”

સલીમને ખબર જ ન પડી કે, બાંકડો લગાવવાનો અર્થ શું છે! ક્રાઇમબ્રાંચમાં (Crime Branch) દાખલ થાવ એટલે બરાબર વચ્ચે, જ્યાં ખુલ્લી જગ્યા છે, ત્યાં લાકડાનો એક બાંકડો મુકવામાં આવે. તેની ઉપર આરોપીને ઊંધો સુવાડી દેવામાં આવે. માથા તરફ ઊભો રહેલો પોલીસવાળો આરોપીના હાથ પકડી રાખે; વચ્ચે ઊભો રહેલો પોલીસવાળો પગ પકડી રાખે અને ત્રીજો પોલીસવાળો પગની પાની ઉપર લાઠી ફટકારે. આ સ્થિતિમાં તો પથ્થર પણ બોલવા લાગે! સલીમને પોલીસવાળા નીચે લઈ ગયા. બસ, પછી સિંઘલની ચેમ્બરમાં માત્ર સલીમ શેખની ચીસો જ સંભાળતી હતી! સલીમ કંઈ રીઢો ગુનેગાર નહોતો. પાંચ દસ લાઠી ખમી શક્યો હશે, ત્યાં એણે કહ્યું, “મને સાહેબ પાસે લઈ જાવ.”

એક પોલીસવાળો એ.સી.પી. સિંઘલની ચેમ્બરમાં પાછો આવ્યો. તેણે કહ્યું, “સર, એ તમારી સાથે વાત કરવા માગે છે.”

સિંઘલના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. સલીમને ગિરીશ સિંઘલની ચેમ્બરમાં લાવવામાં આવ્યો. તે પલાંઠી વાળીને જમીન પર બેઠો; સિંઘલના હાથમાં પેન હતી; સલીમ જે કહેતો, તે પોતાની ડાયરીમાં નોંધી રહ્યા હતા.

સલીમે વાત શરૂ કરતાં કહ્યું, “સાહેબ, હું મૂળ તો અમદાવાદનો જ છું એટલે મારું મન તો અહીંયાં જ ભટકતું હતું. મને સમાચાર મળ્યા કે, ગોધરા સ્ટેશન પર ટ્રેનમાં કોઈએ આગ લગાડી અને તેમાં હિંદુઓ મરી ગયા. ત્યારપછી અમદાવાદમાં તોફાન થયાં અને બહુ બધા મીંયાભાઈને મારી નાખવામાં આવ્યા. મને ચિંતા થતી હતી. કારણ કે, મારો પરિવાર અને દોસ્તો, બધા અમદાવાદમાં રહેતા હતા. હું રિયાધમાં હતો. રોજ ઘરે ફોન કરીને ખબર પૂછતો હતો, પણ હું તેમને મદદ કરી શકું તેવી સ્થિતિ નહોતી. અમને ખબર મળી રહી હતી કે, આ દંગા સરકારે જ કરાવ્યા છે; જેમાં ભાજપના નેતાઓ પણ હતા. પોલીસ પણ હિંદુઓને જ મદદ કરી રહી હતી. ત્યાં રહેતા બધા મિત્રો રોજ TVમાં સમાચાર જોઈને દુઃખી થતા અને ગુસ્સો પણ આવતો હતો. શુક્રવારની નમાઝ બાદ અમે બધા ભેગા થતા હતા. આ મીટિંગમાં અબુ પણ આવતો હતો.”

સિંઘલે એની વાત અટકાવીને સવાલ કર્યો, “કોણ અબુ?”

સલીમે જવાબ આપ્યો, “અબુ હૈદરાબાદનો હતો. તે પોતાની સાથે એક C.D. લઈને આવતો હતો.”

(ક્રમશ:)

Part 21 : પોલીસને એક જ સલીમની જરૂર હતી, પણ હવે તેમની પાસે અનેક સલીમ હતા. તેમાંથી સાચો સલીમ શોધવાનો હતો

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular