પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-21): Akshardham Temple Attack Series : દેશ આઝાદ થયો એ પહેલાની વાત છે. અમદાવાદમાં મરાઠા અને મોગલ સામ્રાજ્યનું શાસન એક સાથે હતું. જેના કારણે અમદાવાદમાં ગાયકવાડ હવેલી પણ આવેલી છે. જ્યાંથી મરાઠા સુબાઓ વહીવટી કામકાજ કરતા હતા. આઝાદી પછી ગાયકવાડ હવેલીનો કબજો સરકારે લઈ લીધો અને વર્ષોથી આ હવેલીમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચની (Ahmedabad Crime Branch) ઓફિસ આવેલી છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારની ગીચ મુસ્લિમ વસ્તીમાંથી પસાર થઈને ક્રાઇમબ્રાંચમાં દાખલ થાવ; ત્યારે તમારે મરાઠાકુળના મોટા દરવાજામાંથી પસાર થવું પડે. ચારે તરફ સો વર્ષ કરતાં વધુ જુની, ઊંચી દિવાલો જોવા મળે. જેવા તમે ક્રાઇમબ્રાંચમાં જવા આગળ વધો, તેની સાથે પોલીસનું એક બેરિકેટ આવે. જ્યાં પોલીસવાળા અંદર જતા લોકો સામે એવી રીતે જુવે કે, જાણે બધા મોટા ગુનેગાર જ છે. સહેજ આગળ વધો એટલે ડાબી તરફ નાની ઓફિસ આવેલી છે. જેની ઉપર ‘પી.એસ.ઓ.’, ‘એમ.ઓ.બી.’ જેવાં બોર્ડ લાગેલા છે. સામાન્ય માણસને તો આ નામ શું છે? તેની ટપ્પી પડે જ નહીં. ત્યાંથી આગળ વધો એટલે સામે જ એક બોર્ડ વાંચવા મળે, ‘ડિટેક્શન ઓફ ક્રાઇમબ્રાંચ, અમદાવાદ.’ આ બોર્ડ પસાર કરો એટલે ડાબી તરફ એક વિશાળ લોંખડનો દરવાજો છે. જે હંમેશાં બંધ જ હોય!
આ લોંખડી દરવાજાની જમણી બાજુ એક નાની ઘુમટી જેવી ઓફિસ છે. ત્યાં બેઠેલાની પોલીસવાળાની સાદી ભાષામાં ઓળખ આપીએ તો, ‘પી.આર.ઓ.’ જેવી કામગીરી છે. પરંતુ એ તમને એટલા સવાલો પૂછે; જાણે તે કોઈ તપાસ કરનાર ઓફિસર હોય! તમે કેમ અને કયા અધિકારીને મળવા આવ્યા છો; તેની જાણકારી આપો એટલે તે ઇન્ટરકોમ ઉપર સંબંધિત વ્યક્તિ સાથે વાત કર્યા પછી જ અંદર જવાની મંજુરી આપે. જોકે જતાં પહેલાં તમારો મોબાઈલ ફોન અહીંયાં જમા થઈ જાય. અંદર દાખલ થતાં બરાબર સામે અને ડાબી તરફ વિવિધ સ્ક્વોડના પોલીસ ઇન્સપેક્ટરની ઓફિસો આવેલી છે. લોંખડી દરવાજા અને આ ઓફિસની વચ્ચે લગભગ એકસો ફૂટની, ચારે બાજુ ખુલ્લી જગ્યા છે. ઇન્સપેક્ટરની ઓફિસની ડાબી તરફ ડેપ્યૂટી પોલીસ કમિશનરની ઓફિસ છે. ત્યાંથી એક સી઼ડી ઉપર જાય છે, જ્યાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરની ઓફિસ છે.
સલીમ શેખને શોધવા ગયેલી ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમ; પોતાને મળ્યા તે બધા જ સલીમને લઈ ક્રાઇમબ્રાંચ આવી હતી. આ બધા સલીમના મનમાં એક જ પ્રશ્ન હતો કે, આપણને ક્રાઇમબ્રાંચવાળા શું કામ લઈ આવ્યા છે? ઘણાના પરિવારવાળા તો એટલા ડરી ગયા હતા કે, તેઓ પણ ચિંતામાં ક્રાઇમબ્રાંચ ઓફિસની બહાર આવીને ઊભા હતા. જે પોલીસવાળા સલીમ શેખને શોધવા અને લેવા ગયા હતા, તેમને તો સલીમનું શું કામ છે? અને કયા ગુનામાં સલીમની જરૂર છે? તેની સુધ્ધાં ખબર નહોતી. જેથી કોઈ સલીમ કહે કે, સાહેબ કેમ લઈ જાવ છો; તે તો કહો. પણ સાહેબને ખબર હોય તો કહેને! તેવો ઘાટ હતો.
1997 સુધી તો સ્થિતિ એવી હતી કે, અમદાવાદ પોલીસ અમદાવાદના દરિયાપુર, શાહપુર વિસ્તારમાં પુરતી ફોર્સ વગર જઈ શકતી નહોતી. કારણ કે,, ત્યારે અંડરવર્લ્ડમાં લતીફનો દબદબો હતો, પણ લતીફના પોલીસ એન્કાઉન્ટર પછી ગુનેગારોના દબદબાનો અંત આવ્યો હતો. ક્રાઇમબ્રાંચને એક સલીમ શેખની જરૂર હતી, પણ સલીમ ઘણા હતા. હવે તેમાંથી એક સલીમને શોધવાનો હતો, જેનો સંબંધ અક્ષરધામ પર થયેલા હુમલા (Akshardham Attack) સાથે હતો.
પોલીસ ઇન્સપેકટર્સની ચેમ્બરમાં એક એક સલીમની પુછપરછ કરવામાં આવી રહી હતી. સલીમ ક્યાં રહે છે? ક્યાં કામ કરે છે? કોના સંપર્કમાં છે? તેની ધાર્મિક માન્યતા કેવા પ્રકારની છે? તેના ફોનમાં કોના સંપર્ક છે? પરિવારમાં કોણ છે? તેઓ શું કરે છે? મામા ક્યાં રહે છે? બહેનનાં લગ્ન કયા શહેરમાં થયાં છે? આમ, બારીકમાં બારીક માહિતી પોલીસવાળા લઈ રહ્યા હતા. વંશાવલી રાખવાનું કામ કરતા લોકો પૂછે તેમ પોલીસ પુછપરછ કરી રહી હતી!
કેટલીક ચેમ્બરમાંથી ‘ઓ બાપા રે; મરી ગયો સાહેબ; સાચું કહું છું; અલ્લાહની કસમ, ખોટું નથી બોલતો;’ તેવી ચીસો બહાર ઊભા રહેલા લોકોને સંભળાઈ રહી હતી. પુછપરછ કરી રહેલા પોલીસ અધિકારીને એવી પણ ખબર નહોતી કે, તેમને જે સલીમની જરૂર છે; તે સલીમ ખરેખર આ બધા સલીમોમાં છે કે નહીં! પણ પોલીસને અનેક વખત કાયદાની બહાર જઈને પણ કામ કરવું પડે છે. આજે પણ પોલીસ તેવું જ કરી રહી હતી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ક્રાઇમબ્રાંચમાં રહેલા આ બધા જ સલીમ શેખની ખાતીરદારી થઈ રહી હતી. કેટલાંક વકીલો પણ આવી ગયા હતા. તેઓ ક્રાઇમબ્રાંચના પોલીસવાળાને ધમકી આપી રહ્યા હતા કે, તમે અમારા અસીલને ગેરકાયદેસર રાખ્યો છે. અમે કોર્ટમાં જઈશું; પણ પોલીસને તે ધમકીની કોઈ અસર થતી નહોતી.
ચોથા દિવસે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ગિરીશ સિંઘલની (Girish Singhal) ઓફિસમાં દાખલ થઈને એક ઓફિસરે સલામ કરતાં કહ્યું, “સર, એક સલીમ ડાઉટફુલ લાગે છે.”
સિંઘલે ઓફિસર સામે જોયું. ઓફિસરે કહ્યું, “સર, તે શાહપુરનો છે. આમ તો ટેલરિંગ કામ કરે છે. અમે શાહપુરમાં તેનું બેકગ્રાઉન્ડ ચેક કરાવ્યું; લોકલ સોર્સ કહે છે કે, તે ક્યારેય આ પ્રકારની પ્રવૃત્તિમાં પડે નહીં. એકદમ સીધો છે. તેની સર્વિસ પણ કરી; તોય મગનું નામ મરી પાડતો નથી.”
ગિરીશ સિંઘલે પૂછ્યું, “તો તમને કેમ ડાઉટફુલ લાગે છે?”
ઓફિસરે કહ્યું, “સર, તે હમણાં સુધી રિયાધમાં હતો. હમણાં પાછો આવ્યો છે. તેનું કહેવું તો એવુ છે કે, તે રિયાધ પણ ટેલરિંગ કામ કરવા જ ગયો હતો. તેનો પાસપોર્ટ ચેક કર્યો. તેમાં પણ આ એક જ એન્ટ્રી છે.”
સિંઘલ વિચારમાં પડ્યા. કારણ કે,, માત્ર કોઈ રિયાધ ગયો છે; તેના કારણે તે કંઈ ગુનેગાર બનતો નથી. ખરેખર સલીમના સંપર્કમાં કોઈ ત્રાસવાદી અથવા તે પ્રકારના સંગઠન સાથે છે કે કેમ; તે જાણવું જરૂરી હતું. થોડો વિચાર કરીને સિંઘલે કહ્યું “સારું, એને લઈ આવો.”
“જી.” આટલું કહીને અધિકારી ત્યાંથી નીકળી ગયા. થોડીવાર પછી એક પોલીસવાળો એક દુબળા પાતળા છોકરાનું પેન્ટ કમરેથી પકડીને તેને સિંઘલ સાહેબની ચેમ્બરમાં લઈ આવ્યો.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








