Friday, April 17, 2026
HomeSeriesAkshardham Attackરિયાધમાં બધા શુક્રવારે ભેગા થતા. અબુ પણ તેમાં આવતો. તેણે કહ્યું, “અમદાવાદ...

રિયાધમાં બધા શુક્રવારે ભેગા થતા. અબુ પણ તેમાં આવતો. તેણે કહ્યું, “અમદાવાદ ‘મહેમાન’ મોકલવાની વ્યવસ્થા હું કરીશ.”

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-23): Akshardham Temple Attack Series : સલીમ શેખ ક્રાઇમબ્રાંચના (Crime Branch) એ.સી.પી. ગિરીશ સિંઘલની (Girish Singhal) સામે બેઠો હતો. ગિરીશ સિંઘલ ઓફિસનાં ટેબલ પર એક પગ ચઢાવીને ઊભા હતા. તેમના હાથમાં સળગતી સિગારેટ હતી. ખરેખર એક વર્ષ પહેલાં શું થયું, તે બધું જ કહેવાની શરૂઆત સલીમ શેખે કરી. કારણ કે, હવે તેની માર ખાવાની તૈયારી નહોતી. વળી તેને મનમાં લાગી રહ્યું હતું કે, તે પોલીસ પુછપરછનો લાંબો સમય સામનો કરી શકશે નહીં. તેણે ગિરીશ સિંઘલને કહ્યું, “અમારા બધાનાં મનમાં ગુજરાતમાં જે બની રહ્યું હતું; તેની ચિંતા અને ગુસ્સો હતાં, પણ ખરેખર ત્યાં શું બન્યું છે; તેની ચોક્કસ ખબર પડતી નહોતી. કારણ કે, આ TV અને છાપાવાળા પણ આખરે સરકારી જ છે ને!

અમે દર શુક્રવારે મળતાં ત્યારે હૈદરાબાદનો અબુ એક C.D. લઈને આવતો હતો. અબુના સંપર્કો ગજબ હતા. ગુજરાતમાં શું બન્યું, તેના વિડીયોની C.D. એ લઈ આવતો હતો. આ બધું જોઈ અમારું લોહી ઉકળી ઉઠતું હતું. અમારી કોમ ઉપર કેટલો જુલમ વરસાવવામાં આવ્યો! પુરૂષો તો ઠીક, સ્ત્રીઓ અને બાળકોને પણ રહેંસી નાખવામાં આવ્યાં હતાં; અમે ગુસ્સો કરવા સિવાય કરી પણ શું શકીએ! જ્યારે હકૂમત જ અમને ખતમ કરવાનું નક્કી કરે! અમદાવાદની ગુલબર્ગ સોસાયટી, નરોડા અને સરદારપુરાના વિડીયો અમે જોયા હતા.”

- Advertisement -

સલીમ હવે સળંગ આખી વાત કરી રહ્યો હતો. સિંઘલે નોંધ્યું કે, એની વાતમાં અફસોસની જગ્યાએ પોલીસ અને સરકાર સામે ભારે નારાજગી હતી. સલીમને પણ વાત કહેતાં એવું લાગી રહ્યું હતું કે, સારું થયું, આજે વાત નીકળી જ છે; તો બધું કહી નાખું. કારણ કે, તેનાં મન ઉપર આ વાતનો ભાર ક્યારનોય હતો!

સલીમે વાત આગળ વધારતાં કહ્યું, “દર શુક્રવારે અબુ C.D. લઈને આવતો અને અમને બતાવતો. ગુજરાતમાં જે બની રહ્યું હતું તે જોઈ અમારું માથું ફાટી રહ્યું હતું. અમારી સાથે રિયાધમાં અમારાં શાહપુરના અલ્તાફ શેખ અને રસીદ અજમેરી પણ રહેતા હતા. તેઓ પણ રોજી માટે રિયાધ આવ્યા હતા. અમે ત્રણેય શાહપુરના હોવાને કારણે અમારી દોસ્તી હતી. અલ્તાફ અને રસીદને પણ લાગતું હતું કે, આપણે કોમ માટે કંઈક કરવું જોઈએ. પણ શું કરવું; એની અમને ખબર નહોતી.

અબુએ અમને કહ્યું, “જો તમે તૈયાર હોવ, તો મારી પાસે એક યોજના છે. અબુએ એમ પણ કહ્યું કે, અમદાવાદમાં કોઈ માણસને તૈયાર કરો. ‘મહેમાન’ મોકલવાની વ્યવસ્થા હું કરીશ.”

- Advertisement -

અબુએ આખી યોજના અમને સમજાવી. અમે કોમ માટે બદલો લેવા તૈયાર થયા. રસીદ અજમેરીનું ઘર પણ શાહપુરમાં જ હતું. હૈદરાબાદવાળા અબુએ જે વાત કરી, તેની સાથે અમે સંમત હતા. કોમ ઉપર થયેલા જુલમનો બદલો તો લેવો જ જોઈએ. રસીદને મારા અને અલ્તાફ કરતાં વધારે ગુસ્સો આવી રહ્યો હતો.

રસીદનો ભાઈ આદમ, અમદાવાદમાં રહેતો હતો. આમ તો ગરીબ માણસ હતો. ઓટોરિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો, પણ રસીદે જ્યારે તેને ફોન કરીને આપણી કોમ પર થયેલા હુમલાનો જવાબ આપવાની વાત કરી; તો આદમ પણ તૈયાર થઈ ગયો. જોકે આદમની સમજ બહુ પાક્કી નહોતી. ભાઈ રસીદ જે કહે એના ઉપર એને ભરોસો હતો. હજી ખરેખર શું કરવાનું છે; તેની રસીદને ખબર નહોતી. આમ તો મને, અલ્તાફને કે રસીદને; ત્રણમાંથી કોઈને ખબર નહોતી કે, અબુ જેને કેટલાક ‘ખાલીદ’ના નામે ઓળખતા હતા, તે શું કરવાનો છે! તેણે અમને એટલું જ કહ્યું હતું, “કોમનું કામ કરવાનું છે.”

રસીદે પોતાના ભાઈ આદમને થોડાક પૈસા મોકલી આપ્યા હતા. આમ પણ અમે ચંદો ભેગો કરીને ગુજરાત મોકલતા હતા. કારણ કે, અમારી કોમના બેઘર થયેલા લોકોને મદદ કરવી પણ જરૂરી હતી.”

- Advertisement -

સલીમ એ.સી.પી. ગિરીશ સિંઘલની ઓફિસમાં બેસીને આખી વાત કરી રહ્યો હતો; પણ એની નજર સાહેબ સામે નહોતી. તે ક્યારેક પગ પાસેની જમીન તરફ જોઈને વાત કરતો, તો ક્યારેક ઓફિસની બારીની બહાર જોઈને વાત કરતો. ગિરીશ સિંઘલ તેને અટકાવવાનો જરા પણ પ્રયત્ન કરતા નહોતા. તે પોતાની ડાયરીમાં કેટલીક નોંધ કરી રહ્યા હતા. સલીમ શેખ ઘાસના પુળામાંથી મળેલી એક સોય જ હતી. છતાં આ સોય હવે બહુ કામની હતી! વાત કરતાં કરતાં સલીમ એકદમ અટક્યો. તેણે સાહેબ સામે જોતાં પુછ્યું, “એક વાત પૂછું સાહેબ?”

સિંઘલના ચહેરા પર આછું સ્મિત આવ્યું. આમ તો સવાલ પુછવાનું કામ તેમનું હતું, પણ તેમની જ ચેમ્બરમાં કોઈ ગુનેગારે તેમને ‘સવાલ પૂછું?’ એવું પુછવાની હિમંત કરી! સિંઘલે જવાબ આપવાને બદલે માત્ર હકારમાંથી માથુ હલાવીને હા પાડી. નાનું બાળક સવાલ પુછે એ રીતે સલીમે સવાલ કર્યો, “સાહેબ, તમને મારાં નામની ખબર કેવી રીતે પડી?”

સિંઘલે સવાલ કર્યો, “કેમ?”

સલીમે કહ્યું, “ના સાહેબ, હું ક્યારનો વિચાર કરી રહ્યો હતો કે, પ્લાનિંગ રિયાધમાં થયું અને તમને મારું નામ ખબર પડી ગયું!”

સિંઘલ હસવા લાગ્યા. એવામાં ચ્હાવાળો છોકરો આવ્યો. તેણે ટેબલ પર એક ચ્હા મૂકી. સિંઘલે ઇશારો કર્યો એટલે એણે સલીમ પાસે પણ એક પ્યાલી મૂકી અને બહાર નીકળી ગયો. ચ્હાની ચૂસકી મારતાં અચાનક સિંઘલે પુછ્યું, “સલીમ, આદમ ક્યાં રહે છે?”

સલીમે કહ્યું, “શાહપુરમાં જ રહે છે. મેં તેનું ઘર જોયું છે.”

સિંઘલે કહ્યું, “તારે એના ઘરે જવાનું નથી. એનું એડ્રેસ આપ.”

તે ગુજરાતી અને મુસ્લિમ પ્રભાવિત, એવી મિશ્ર હિન્દી બોલીમાં સમજાવી રહ્યો હતો, પણ સિંઘલ તેની વાત સમજી શક્યા નહીં એટલે તેમણે બેલ મારી કોન્સટેબલને બોલાવ્યો અને કહ્યું, “આ જે એડ્રેસ સમજાવે, તે સમજી લો અને આદમને લઈ આવો.”

પોલીસવાળાએ સલીમ પાસેથી આદમની વિગત લીધી. પોલીસવાળો બહાર જતો હતો ત્યારે સલીમ તરફ ઇશારો કરતાં સિંઘલે કહ્યું, “અરે, આને પણ લઈ જાવ.”

કોન્સટેબલે કહ્યું, “સલીમનો વકીલ આવ્યો છે. તમને મળવા માગે છે.”

સિંઘલના ચહેરા પર ફરી સ્મિત આવ્યું. તેમણે સલીમને કહ્યું, “દેખ ભાઈ, તેરે વકીલ કો સમજા દે. તું યહાં ઠીક હે ઔર તુજે યહાં કોઈ દિક્કત નહીં હે.”

સલીમે સમજી ગયો. તેણે માથું હલાવી હા પાડી. સિંઘલે કહ્યું, “વકીલ કો બોલ દેના, કોર્ટ મેં કોઈ અરજી ડાલે નહીં.”

સલીમે ફરી હા પાડી. હવે ગિરીશ સિંઘલનું મગજ આદમ અજમેરી પાછળ દોડી રહ્યું હતું. એક પછી એક કડીઓ ખુલી રહી હતી. બસ, આદમ મળી જાય એટલી જ વાર હતી.

(ક્રમશ:)

Part 22 : સલીમે કહ્યું, “સાહેબ હું તો રોજીરોટી માટે રિયાધ ગયો હતો.” સિંઘલે પોલીસવાળાને બોલાવી કહ્યું, “બાંકડો લગાવો.”

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular