પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-20): Akshardham Temple Attack Series : ક્રાઇમબ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે પી. પી. પાંડે (P.P. Pandey) હતા અને ડી.સી.પી. તરીકેની જવાબદારી ડી. જી. વણઝારા (D G Vanzara)સંભાળી રહ્યા હતા. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતાં ગિરીશ સિંઘલને (Girish Singhal) એક બાતમીદાર મળવા આવે છે. પોતાની ચેમ્બરમાં બેઠેલા એ.સી.પી. સિંઘલ તેમની સ્ટાઇલમાં બાતમીદારને નામથી બોલાવે છે. સિંઘલની યાદશક્તિ ગજબની હતી. વર્ષો પહેલા મળેલા માણસનું નામ અને તારીખ તેમને કાયમ યાદ રહેતાં. તે બાતમીદારને ઇશારો કરીને બેસવાનું કહે છે.
બાતમીદાર કહે છે, “ના સાહેબ, ચાલશે.”
સિંઘલ કૃત્રિમ ગુસ્સો કરતાં કહે છે, “બેસ.”
એ ખુરશીમાં બેઠો એટલે સિંઘલે બેલ વગાડે છે. એક સેવક દરવાજામાં આવે છે અને કહે છે, “જી સર.”
“બે ચ્હા લેતો આવ.” સિંઘલ સેવકને આદેશ આપે છે.
સેવક ચેમ્બરની બહાર નીકળી ગયા પછી ગિરીશ સિંઘલ તેમને મળવા આવેલા બાતમીદાર સાથે વાતોનો દૌર શરૂ કરે છે. બાતમીદાર કહે છે, “સાહેબ, ખબર બહુ મોટી છે.”
સિંઘલ ખુરશીમાં આગળ થઈ, હાથની કોણીઓ ટેબલ પર મૂકી બાતમીદારની આંખમાં જૂએ છે. તે કહે છે, “સાહબ, વો અક્ષરધામ અટેક (Akshardham Attack) હુવા થાના…”
સિંઘલ હકારમાં માથું હલાવે છે. બાતમીદાર વાત આગળ વધારે છે, “વો કામ સલીમને કરવાયા થા.”
સિંઘલની આંખો ઝીણી થાય છે. સલીમ કોણ છે? તેવો વિચાર કરવા લાગે છે. ત્યારે બાતમીદાર કહે છે, “આપ તો કયા; મેં ભી નહીં જાનતા. લેકીન ઉસ કા નામ સલીમ શેખ હૈ.”
સલીમ શેખ. આ નામ ક્યારેય ધ્યાનમાં આવ્યું નહોતું. આમ તો અક્ષરધામ અટેકની તપાસ એ.ટી.એસ. (ATS) પાસે હતી. ક્રાઇમબ્રાંચને તે કેસ સાથે કોઈ નિસ્બત નહોતો, પણ સિંઘલને લાગ્યું કે, આ અમદાવાદ ક્રાઇમબ્રાંચની ભૂમિ જ પરાક્રમી છે. ગુજરાતના ઘણા પોલીસ અધિકારીઓ માને છે કે, અમદાવાદ ક્રાઇમબ્રાંચની ભૂમિમાં કોઈક શક્તિ છે. જો કોઈ અધિકારી સારું કામ કરવા માગે, તો તે ખૂબ સારું કામ કરી શકે અને જો કોઈની દાનતમાં ખોટ હોય, તો આ ભૂમિ તેની પાસે એટલું જ નેગેટિવ કામ પણ કરાવી શકે.
ખેર, સિંઘલ પોતાના વિચારમાંથી બહાર આવ્યા. તેમણે બાતમીદારને પૂછ્યું, “તું સલીમ કો કેસે જાનતા હે?”
બાતમીદાર મુંઝવણમાં મુકાઈ ગયો હોય તેમ તેણે કહ્યું, “સર, મેં કહાં જાનતા હું? મુઝે તો મેરે બાતમીદારને બતાયા કી, યહ કામ સલીમ શેખ કા હે.”
આ સાંભળતાં ગિરીશ સિંઘલ ખડખડાટ હસી પડ્યા અને પુછ્યું, “તેરા ભી બાતમીદાર હૈ? ક્યા બાત હે!”
બાતમીદારે કહ્યું, “સર, હમે ભી નેટવર્ક તો રખના પડતા હે.”
એટલી વારમાં ચ્હા આવી. ચ્હા પીધા પછી બાતમીદાર નીકળ્યો. જતી વખતે સિંઘલે પુછ્યું, “કોઈ જરૂરત હો તો બતા દેના.”
બાતમીદાર સમજી ગયો કે, સાહેબ શું પુછે છે? તેણે કહ્યું, “નહીં સર, કુછ નહીં ચાહીયે.”
બાતમીદાર ગયા પછી ગિરીશ સિંઘલે સિગારેટનું પેકેટ કાઢ્યું. સિગારેટ સળગાવી અને વિચારમાં પડી ગયા. આ સલીમ શેખ કોણ હશે? બાતમીદાર માત્ર એક નામ જ લઈને આવ્યો હતો. સલીમ શેખ! આટલા મોટા અમદાવાદમાં (Ahmedabad) એક સલીમ શેખને શોધવો; એ કંઈ સહેલું કામ નહોતું. એ નક્કી હતું કે, સલીમ નામ હોય; તો મુસ્લિમ વિસ્તારમાં જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. પરંતુ અમદાવાદ હવે ચારે બાજુ વિસ્તરી ચૂક્યું હતું. તેમાં પણ મુસ્લિમ વસ્તી ખાસ્સી વધારે હતી.
ગિરીશ સિંઘલને વિચાર આવ્યો કે, તપાસ એ.ટી.એસ. પાસે છે અને પોતે નાહકના કૂદી પડશે તો સાહેબ નારાજ પણ થઈ શકે! આવો ડર હોવાને કારણે તેમણે કામ શરૂ કરતાં પહેલાં પોતાના સિનિયર ડી.સી.પી. ડી. જી. વણઝારા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. તેઓ ડી.સી.પી. સાહેબની ચેમ્બરમાં ગયા. વણઝારા સાહેબે પોતાના પહાડી અવાજમાં કહ્યું, “આવ ગિરીશ, શું લાવ્યા છો?”
સિંઘલે બંને હાથ પાછા ખેંચીને સલામ કરતાં કહ્યું, “જયહિંદ સર.”
વણઝારાએ તેમને બેસવાનો ઇશારો કર્યો. ખુરશીમાં બેસતાં સિંઘલે કહ્યું, “સર, એક લીડ મળી છે.”
વણઝારાએ પોતાના ચશ્મા સહેજ નીચા કરી સિંઘલ સામે જોયું. સિંઘલે કહ્યું, “સર, ગાંધીનગર અક્ષરધામ અટેકના બનાવની તપાસ આમ તો એ.ટી.એસ. પાસે છે, પણ તેમાં મને એક લીડ મળી છે. આ અટેક પાછળ અમદાવાદનો કોઈ સલીમ શેખ છે.”
વણઝારા વિચાર કરવા લાગ્યા. સિંઘલે કહ્યું, “સર, લીડ ઉપર કામ કરતાં પહેલાં મને થયું કે, તમને પૂછી લઉં. કારણ કે, કેસ આપણો નથી.”
વણઝારાએ પોતાની મૂછો અને દાઢી ઉપર હાથ ફેરવતાં કહ્યું, “ગિરીશ, આકાશની નીચે અને ધરતીની ઉપરના તમામ કેસ આપણા છે.”
વણઝારા અને સિંઘલ હસી પડ્યા. તેમણે સિંઘલને કહ્યું, “ગો અહેડ. કામ શરૂ કરો. જો કંઈ કોંક્રિટ મળી જાય, તો હોમને કહીને આ કેસ આપણે લઈ લઈશું.”
“જયહિંદ સર.” આટલું કહીને સિંઘલ તરત બહાર નીકળ્યા. પોતાની ચેમ્બરમાં જઈ તેમણે કેટલાક પોલીસ અધિકારીઓને ચેમ્બરમાં બોલાવ્યા. પી.એસ.આઈ. ભરત પટેલ (PSI Bharat Patel) પણ હવે ગાંધીનગરથી ક્રાઇમબ્રાંચમાં આવી ગયા હતા. તેમના સહિત પોલીસ અધિકારીમાં તરૂણ બારોટ, આર. આઈ. પટેલ, વી. ડી. વનાર, કે. એચ. વાઘેલા, એ. એ. ચૌહાણ, જે. જી. પરમાર, ચેતન ગોસ્વામી, ડી. એચ. ચૌહાણ અને આઈ. કે. ચૌહાણ ક્રાઇમબ્રાંચનો હિસ્સો હતા.
આ તમામને પોતાની ચેમ્બરમાં બોલાવી ગિરીશ સિંઘલે બ્રિફ આપતાં કહ્યું, “એક ટીપ મળી છે. કેસ આપણો નથી, પણ કેસ અગત્યનો છે. કામ થાય તો મોટું થશે.” આટલું કહીને ગિરીશ સિંઘલે આખો કેસ સમજાવ્યો. કારણ, અક્ષરધામ અટેક વખતે અક્ષરધામ પહોંચનારા તેઓ પહેલા અધિકારી હતા. ઉપરાંત આ કેસના ફરિયાદી પણ પોતે જ હતા અને સલીમ શેખ અંગેની ટીપ પણ તેમને જ મળી હતી. બધા જ અધિકારીઓને બ્રિફ આપ્યા પછી તેમણે તાકીદ કરતાં કહ્યું, “કેસ આપણો નથી એટલે કામમાં સિક્રસી રાખજો. કોઈ પણ રીતે મને સલીમ શેખ જોઈએ છે.”
બધા અધિકારીઓ બ્રિફ મેળવીને પોતાની ઓફિસમાં પહોંચી ગયા. તેમણે પોતાના સ્ક્વોડના માણસોને બોલાવી એ.સી.પી. સાહેબ તરફથી મળેલી માહિતી આપી અને કહ્યું, “સલીમ જોઈએ છે.”
ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમ શહેરના કાલુપુર, શાહપુર દરિયાપુર, વટવા અને જુહાપુરા જેવા વિસ્તારમાં રવાના થઈ. કારણ કે, તેમને સલીમ શેખની જરૂર હતી. સાંજ પડતાં જ્યારે ક્રાઇમબ્રાંચની બધી ટીમ પાછી ફરી, ત્યારે દરેક ટીમ પાસે એક એક સલીમ શેખ હતો. હવે આટલા બધા સલીમ શેખમાંથી આપણા કામનો સલીમ કયો છે! એ ગિરીશ સિંઘલે નક્કી કરવાનું હતું.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796