નવજીવન ન્યૂઝ, સુરત : સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા જાણીતા બિલ્ડરના બંગલામાં થયેલી 48 લાખ રોકડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી (Burglary in Surat has been solved) કાઢ્યો છે. અડાજણ પીઆઈએ ચોરને પકડ્યા બાદ ખંડર હાલતમાં બંધ પડેલા મકાનની પાણીની ટાંકી પાસે છુપાવેલી લાખોની રોકડ ભરેલી બેગ કબજે લીધી છે. ચોરીના ગુનામાં પકડાયેલો દેવરાજ પાટીલ ઉર્ફે કાલુ અગાઉ પણ સુરતમાં થયેલી સાત ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા હાઈપ્રોફાઈલ ‘સેતુ વિલા’ બંગલામાં રહેતા અને વ્યવસાયે બિલ્ડર એવા હિંમતભાઈ હીરાભાઈ પટેલ સામાજિક કામે ભાવનગર જિલ્લાના તેમના વતન ધોળા ગામે ગયા હતા. બે દિવસ અગાઉ રાતે બિલ્ડરનો પરિવાર પોતાના રૂમમાં સૂતો હતો ત્યારે ચોરી થઈ હતી. ચોરીની ઘટના સામે આવતા અડાજણ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીની ઓળખ મેળવી લીધી હતી. દેવરાજ પાટીલને પોલીસે પકડ્યો ત્યારે તેની પાસે રોકડ મળી આવી ન હતી. અડાજણ પીઆઈએ (Adajan PI) આગવી ઢબે પૂછપરછ કરતા તેણે રોકડ ભરેલી બેગ ખંડેર હાલતમાં પડેલા એક મકાનમાં છુપાવી હતી.








