નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ સોશિયલ મીડિયા (Social Media)નો વ્યાપ વધતા હવે ઢગ ટોળકીઓ પણ અપગ્રેડ થઈને ઓનલાઈન એપ મારફતે લોકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે. સોશિયલ મીડિયા પર અજાણી યુવતી વિડીયો કોલ કરીને લોકોને ઠગતી (Cyber Crime) હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેમ છતાં કેટલાક લોકો રૂપસુંદરીઓમાં ફસાઈ જતા હોય છે. અને ત્યાર બાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી નકલી પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે. અમદાવાદ(Ahmedabad)માં પણ આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વૃદ્ધને વિડીયો કોલમાં વાત કરવામાં અઢી કરોડનો ચૂનો લાગી ગયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં નવરંગપુરા (Navrangpura Ahmedabad) વિસ્તારમાં રહેતા 88 વર્ષીય વૃદ્ધ ગત 8 ઓગસ્ટના દિવસે પોતાના ઘરે હતો તે દરમિયાન તેમના મોબાઈલ ફોન પર અજાણી યુવતીનો વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. વૃદ્ધએ યુવતીને રિપ્લાય આપતા યુવતી પોતે મોરબીની હોવાનું જણાવ્યું હતું. જોકે થોડા ક્ષણ બાદ તે યુવતીનો વિડીયો કોલ આવ્યો હતો. વિડીયો કોલમાં યુવતીએ વર્ચ્યુઅલ સેક્સ કરવાનું જણાવીને પોતાના કપડાં કાઢી નાખ્યા હતા. વૃદ્ધે આવું કરવાનું ના પાડી તો યુવતીએ કહ્યું કે હું આવી રીતે કેટલાય લોકોને કોલ કરૂ છું, આતો માત્ર વિડીયો કોલ છે, આમાં કંઈ ન થાય. જેથી વૃદ્ઘે પણ રૂપસુંદરીની જાળમાં આવીને કપડાં કાઢી નાખ્યા હતા. થોડા સમય સુધી વિડીયો કોલ ચાલ્યા બાદ યુવતીએ ફોન કાપી નાખ્યો હતો.
વૃદ્ધ યુવતીની જાળમાં ફસાઈ જતા થોડી જ વારમાં યુવતી સાથે વિડીયો કોલમાં કરેલી હરકતોની એક ક્લિપ વૃદ્ધને મોકલી હતી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને પચાસ હજારની માગણી કરવામાં આવી હતી. વૃદ્ધએ બનામીના ડરે યુવતીએ જણાવેલા બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલી આપી હતા અને યુવતીનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. તેમ છતાં વાત આટલેથી જ અટકી નહી.
આ પણ વાંચોઃ વ્યાજખોરોને નાથવા રાજકોટ ગ્રામ્ય પોલીસ આવતીકાલે યોજશે દરેક પોલીસ સ્ટેશનમાં લોકદરબાર
વૃદ્ધના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને દિલ્હીથી પોલીસ ઇન્સપેક્ટર ગુડ્ડુ શર્માની ઓળખ આપીને વૃદ્ધની વિડીયો ક્લિપ અંગે ધમકી આપીને 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ 13 ઓગસ્ટે ફરી એક અજાણ્યા નંબરથી વૃદ્ધને કોલ આવ્યો જેમાં સતીષ નામના વ્યક્તિએ પોલીસ ઇન્સપેક્ટર ગુડ્ડુ શર્માએ નંબર આપ્યો હોવાનું કહીને ફરિયાદ દાખલ કરવાની ધમકી આપીને એક લાખ વૃદ્ધ પાસેથી પડાવ્યા હતા.
ત્યારબાદ 14 ઓગસ્ટે વૃદ્ધ પર ફરીથી અજાણ્યા નંબરથી કોલ આવ્યો અને દિલ્હી સાયબર ક્રાઈમમાંથી પોલીસ ઇન્સપેક્ટર ગૌસ્વામીની ઓળખ આપીને વૃદ્ધને કહ્યું હતું કે, યુવતીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે, યુવતી હાલ હોસ્પિટલમાં છે અને તેણે આત્મહત્યા કરવાના કારણમાં તમારૂ નામ જણાવ્યું છે, જો તમારે આ કેસમાંથી બહાર નીકળવું હોય તો હું જણાવું એટલા પૈસા મોકલી આપો નહીંતર તમારી સામે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવી પડશે, વૃદ્ધએ ધમકી ફરી 80 લાખ 77 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
વૃદ્ધને ફરી એકવાર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને CBI ઓફિસરની ઓળખ આપી ધમકી આપવામાં આવી હતી કે, તમારી વિડીયો ક્લિપ મારી પાસે છે. યુવતીના પરિવારજનો હાલ ફરિયાદ કરવા માટે આવ્યા છે, જો તમારે આ કેસથી બચવુ હોય તો હું જણાવું એટલા રૂપિયા આપવા પડશે. CBI ઓફિસરની ઓળખ આપનારને વૃદ્ધે 18લાખ 50 હજાર મોકલી આપતા યુવતીની માતાએ ફરિયાદ પાછી ખેંચી હોવાનું 100 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ મોકલી આપવામાં આવ્યું હતું.
થોડા દિવસ બાદ વૃદ્ધ પર ફરી એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને CBIમાંથી વિક્રમ ગૌસ્વામી હોવાનું ઓળખ આપી હતી. તેણે જણાવ્યું હતું કે અગાઉ સંદીપ શર્માએ જે પૈસા લીધા હતા તે વ્યક્તિ ફ્રોડ છે, યુવતીએ આત્મહત્યા કરી છે અને તેની ફરિયાદ અમારી પાસે છે, જો ધરપકડ થવાથી બચવું હોય તો રૂપિયા આપવા પડશે, અમારા ખાતાના અધિકારીઓને પૈસા આપીને ફરિયાદ દફતરે કરી દઈશું. જેથી વૃદ્ધએ 29 લાખ 35 હાજર મોકલી આપ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદના વાડજમાં ડિમોલેશન બિલ્ડરોના ઈશારે, ધારાસભ્ય મેવાણીનો સણસણતો આક્ષેપ
ગત 23મી નવેમ્બરે વૃદ્ધ પર કોલ આવ્યો હતો, જેમાં જયપુરથી અશોક નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, યુવતીના પરિવારજનોએ તમારી સામે ફરિયાદ કરી છે. તમારી ધરપકડ કરવા માટે 12 લોકોની ટીમ રવાના થઈ છે, આ દરમિયાન ચાલુ કોલમાં સાયરનનો અવાજ પણ સંભળાવ્યો હતો. અશોકે પોલીસનો ખર્ચો, યુવતીના કુટુંબીજનોને વળતર અને પૂરો કરવાના માટે ફરિયાદી પાસેથી 19 લાખ 70 હજાર પડાવી લીધા હતા.
ત્યારબાદ 3મી ડિસેમ્બરએ પોલીસ ઇન્સપેક્ટર અર્જુન મીણા નામથી વૃદ્ધ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, યુવતીના પરિવારજનોને સમાધાન માટેના કોઈ રૂપિયા મળ્યા નથી, તેઓ હાલ મારી પાસે આવીને ફરિયાદી આપી છે અને તમારી ધરપકડ કરવા માટે જણાવી રહ્યા છે, આ કેસની તપાસ ગુજરાત પોલીસ પણ કરી રહી છે, જો તમારે ધરપકડથી બચવું હોય તો સમાધાન પેટે 1 કરોડ 15 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જેથી વૃદ્ધએ અલગ-અલગ બેંક અકાઉન્ટમાં રૂપિયા મોકલી આપ્યા હતા.
10 દિવસ બાદ વૃદ્ધ પર કોલ આવ્યો હતો અને દિલ્હીના DIG તાહીરની ઓળખ આપીને વૃદ્ધને ધમકાવી 2લાખ 10 હાજરની રકમ પડાવી લીઘી હતી. આમ એક વિડીયો કોલમાં થોડી ક્ષણ વાત કરવા પાછળ વૃદ્ધ પાસેથી પોલીસની ઓળખ આપીને ઢગ ટોળકીએ 2 કરોડ 69 લાખ 32 હજારની રકમ પડાવી લીધી હતી. આખરે વૃદ્ધ કંટાળી જતા અમદાવાદ પોલીસના શરણે આવ્યા હતા. વૃદ્ધએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે વૃદ્ધને ઢગનાર ટોળકી સામે કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








