Non Bailable warrent against Youtuber Dhruv Rathee case: યુટ્યુબર ધ્રુવ રાઠીની મુશ્કેલીઓ વધી છે. 2018ના માનહાનિના કેસમાં દિલ્હીની એક કોર્ટે સોમવારે ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યું છે. આ કેસ વિકાસ સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અનમ રઈસ ખાને આ આદેશ આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 3 ડિસેમ્બરે થશે.
આ કેસ મે 2018માં ધ્રુવ રાઠી દ્વારા બનાવવામાં આવેલા એક વીડિયો સાથે જોડાયેલો છે. વીડિયોમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી સેલે વિકાસ પાંડેને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. ધ્રુવ રાઠીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ વીડિયોને રિટ્વીટ કર્યો હતો.
આ ઘટનાને પગલે વિકાસ પાંડેએ ધ્રુવ રાઠી અને અરવિંદ કેજરીવાલ બંને સામે માનહાનિની કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં કોર્ટે અગાઉ ધ્રુવ રાઠી સામે જામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું હતું.
12 ઑક્ટોબરે કોર્ટે ફરિયાદી તરફથી કરવામાં આવેલી વહેલી સુનાવણીની અરજી મંજૂર કરી હતી. સાથે જ ધ્રુવ રાઠીને વ્યક્તિગત રીતે સમન્સ પહોંચાડવા એટલે કે દસ્તી સમન્સ જારી કરવાની મંજૂરી આપી હતી.
ફરિયાદી તરફથી વકીલ સમક્ષ શર્માએ દલીલ કરી હતી કે ધ્રુવ રાઠી મુખ્યત્વે વિદેશમાં રહેતા હોવાથી તેમને સમન્સ પહોંચાડવાની પ્રક્રિયા ઘણાં વર્ષોથી પૂર્ણ થઈ શકી નથી. આ દલીલ બાદ કોર્ટે વહેલી સુનાવણી અને વ્યક્તિગત રીતે સમન્સ પહોંચાડવાની અરજી મંજૂર કરી હતી. હવે સોમવારે કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.








