મિલન ઠક્કર.નવજીવન: રવિવારે ઓફિસે નહીં જવાનું હોવાથી સમયની થોડી મોકળાશ હતી. શનિવારની રાત્રે હું ને મારા મિત્ર ગરબાનો આનંદ માણીને, અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલા સરદાર પટેલ નગર કોમ્પ્લેક્સમાં ચ્હા અને નાસ્તાની લિજ્જત માણી રહ્યા હતા.
અમે બેઠા હતા ત્યાંથી લગભગ 10 મીટર જ દૂર અંદાજે 7-8 વર્ષનો એક છોકરો અને ચારેક વર્ષની એક છોકરી કૂતરાને દૂધ પીવડાવી રહ્યાં હતાં. તેમની પર મારી નજર પડી અને ત્યાં જ અટકી ગઈ. કારણ કે, મને એવું લાગ્યું કે આ છોકરીને મેં ક્યાંક જોયેલી છે. એમણે એક કૂતરાને દૂધ પીવડાવી, બીજી થેલી તોડીને બીજા કૂતરાને દૂધ પીવડાવવાની શરૂઆત કરી. હું એ જોઈ જ રહ્યો હતો. આ દૃશ્યને મેં મોબાઈલમાં સમાવી લીધું. એ જ વખતે મારી અને એ છોકરીની નજર એક થઈ.
પછી એ છોકરી અને છોકરાને પાસે બોલાવી ઘણી વાતો કરી. જાણવા મળ્યું કે, એ છોકરાનું નામ ગણેશ છે અને એ સરકારી શાળામાં બીજા ધોરણમાં ભણે છે. એની સાથે રહેલી છોકરી એની નાની બહેન રેખા હતી. મેં તેના પરિવાર વિશે પૂછતાં… તેનો નાનકડો જમણો હાથ લાંબો થયો અને કહ્યું, પેલી પેન્ડલ રિક્ષા પર સુતા છે તે મારા પપ્પા હરેશભાઈ, પેન્ડલની બાજુમાં ફૂટપાથ પર સૂતેલાં મારાં મમ્મી રાધાબેન અને બીજી બહેન કમલા છે.
પણ હજી હું એની નાની બહેન રેખાને ઓળખી શકતો નહોતો. એટલે મેં પૂછ્યું કે, તમે લોકો શું કામ કરો છો? એણે કહ્યું, હું, મારી બહેનો અને મમ્મી માસ્ક વેચીએ છીએ. મને તરત જ યાદ આવ્યું કે, હા… મેં થોડા સમય પહેલા એ જ છોકરી પાસેથી માસ્ક ખરીદ્યું હતું. પછી તો ગણેશની સાથે ખૂબ વાતો કરી.
ગણેશનું નામ વિદ્યાર્થી તરીકે શાળામાં છે, પણ તે નિયમિત શાળાએ જતો નથી. તેની નાની બહેન રેખા હજુ 4 વર્ષની જ છે. બેમાંથી કોઈ ભણવા જતી નથી. ગણેશના પપ્પા પેન્ડલરિક્ષા ચલાવે છે અને છૂટક મજૂરી કરે છે. ત્રણેય ભાઈ-બહેન મમ્મી સાથે મળીને રસ્તા પર, સિગ્નલ પર માસ્ક વેચે છે. સવાર-સાંજ ફૂટપાથ પર જ ચૂલો સળગાવીને ખાવાનું બનાવે છે. આમ તો કાયમ ફૂટપાથ પર જ રહે છે અને સૂવે છે. પણ વરસાદના સમયે દુકાનોના આલિશાન ઓટલાની ભવ્ય પથારી ભાગે આવે છે. પથારીમાં એમની પાસે હોય છે… વેસ્ટેજ પૂંઠાંઓ અને ચીંથરાઓની ચાદર. એમાંની એકાદ ચાદરનું પોટલું બનાવી એમની ઘરવખરી સાચવેલી હતી.
ગણેશને પૂછતાં તેણે કહ્યું કે, તે ક્યારેય મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં નથી ગયો. તેને ઈશ્વર કોણ છે? તેની ખબર નથી. પરંતુ તે નિયમિત સવાર-સાંજ ત્યાંના કૂતરાઓને 2 થેલી (લગભગ 50-60 રૂપિયાનું) દૂધ પીવડાવે છે. મારો તુરંત સવાલ એ હતો કે, તું પોતે દૂધ પીવે છે? તેણે કહ્યું “ના.” જેટલું કમાઈએ છીએ એમાં શાક-રોટલા નીકળી જાય છે અને એટલામાં અમે ખુશ છીએ.
ગણેશની ખુશીની વ્યાખ્યા કદાચ હું સમજી ન શક્યો પણ એટલું સમજાયું કે, પોતે ભલે ગમે તે પરિસ્થિતિમાં નિર્વાહ કરે છે. પરંતુ જાતને કેવી રીતે ખુશ રાખવી એ એણે શોધી લીધું છે. અને રોજ સવાર-સાંજ કૂતરાઓને દૂધ પીવડાવી પોતે ખુશ રહે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.