US leads in crude oil production amidst Gulf War : અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષના કારણે ક્રૂડ ઓઇલની નિકાસમાં સૌથી મોટો ફટકો સાઉદી અરેબિયાને (Biggest blow to Saudi Arabia in crude oil exports) પડ્યો છે. સાઉદ અરેબિયા વિશ્વનો સૌથી મોટો તેલ નિકાસકાર દેશ છે, પરંતુ યુદ્ધની અસરના કારણે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ત્રણ દાયકાથી વધુ સમયગાળામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. ફેબ્રુઆરી 2026માં સંઘર્ષ શરૂ થયો ત્યારથી સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં યુદ્ધ પહેલાંના સ્તરની તુલનામાં 3.86 મિલિયન બેરલ પ્રતિ દિવસ (mb/d)નો ઘટાડો થયો છે. નવેમ્બર 2025 અને ફેબ્રુઆરી 2026 વચ્ચે ઉત્પાદન આશરે 10.1 mb/d પર હતું, પરંતુ માર્ચમાં 7.76 mb/d અને ઓગસ્ટમાં 6.24 mb/d થઈ ગયું. જે વર્ષ 1990 પછીનું સૌથી નીચું સ્તર છે.
સાઉદી અરેબિયાના ઉર્જા માળખા (Energy Infrastructure) પર સતત હુમલાઓ વચ્ચે આ ઘટાડો આવ્યો છે. સાઉદી પ્રેસ એજન્સી (SPA) એ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે, હુતી લશ્કર સતત સાઉદી અરેબિયાના મહત્વપૂર્ણ માળખા અને રાષ્ટ્રીય સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. એક નિવેદનમાં સાઉદી ઉર્જા મંત્રાલયે (Saudi Ministry of Energy) જણાવ્યું હતું કે, પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન (જે પૂર્વી સાઉદી અરેબિયાથી લાલ સમુદ્ર સુધી ક્રૂડ તેલ વહન કરે છે) પર ગત 10 સપ્ટેમ્બરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અનુસાર, ફેબ્રુઆરીમાં સંઘર્ષ શરૂ થયા પછી ગલ્ફ ક્ષેત્રની બહારના ઉત્પાદકોએ ઉત્પાદનમાં 2.3 mb/d નો વધારો કર્યો છે. અમેરિકાએ સૌથી મોટો વધારો કર્યો છે, જેમાં 520 kb/d નો વધારો થયો છે, ત્યારબાદ બ્રાઝિલ (+470 kb/d), કઝાકિસ્તાન (+440 kb/d), વેનેઝુએલા (+300 kb/d) અને નાઇજીરીયા (+200 kb/d) આવે છે. એકસાથે આ પાંચ દેશોએ વૈશ્વિક બજારમાં આશરે 1.93 mb/d વધારાનો પુરવઠો ઉમેર્યો છે.
સંઘર્ષ શરૂ થયાના છ મહિના પછી, ગલ્ફ દેશોમાંથી તેલનું ઉત્પાદન અને નિકાસ નોંધપાત્ર રીતે મર્યાદિત રહે છે. ઓગસ્ટમાં, હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલનો પ્રવાહ સરેરાશ માત્ર 7.6 mb/d હતો. જે યુદ્ધ પહેલાંના સ્તર કરતા લગભગ 13.1 mb/d ઓછો છે. તાજેતરના અહેવાલો અનુસાર, સાઉદી અરામકો (Saudi Aramco) એ કેટલીક ભારતીય રિફાઇનરીઓનો પુરવઠો અટકાવી દીધો છે અને કેટલાંક યુરોપિયન ગ્રાહકોની ફાળવણી ઘટાડી દીધી છે. જે સાઉદી અરેબિયાની નિકાસ ક્ષમતા પરના દબાણને સ્પષ્ટ રીતે દર્શાવે છે.








