નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદમાંથી ઝડપાયેલા ચકચારી ઓનલાઈન ક્રિક્રેટ સટ્ટાકાંડ (Online Cricket Betting Racket) મામલે નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ PCBની ટીમ (Ahmedabad PCB Raid) દ્રારા રૂપિયા 1800 કરોડના ઓનલાઇન સટ્ટાની (Online Betting) રકમના વ્યવહારો ઝડપી પાડવામાં આવ્યા હતા. પી.સી.બી.ની ટીમે માધુપુરામાં આવેલી એક ઓફિસમાં દરોડો કરતા 500 જેટલા બેંક એકાઉન્ટ, ચેકબુક, એટીએમ અને મોબાઈલના જથ્થાબંધ સીમ કાર્ડ ઝડપી લીધા હતા. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આમ આ દરોડોના ગુજરાતમાં (Gujarat) સટ્ટાના વ્યવહારો ઝડપાયાનો ઐતિહાસિક કેસ માનવમાં આવે છે. ત્યારે હવે આ બેનામી વ્યવહારોનો આંકડો રૂપિયા 5 હજાર કરોડ સુધી પહોંચતા ED સફાળું બેઠું થયું છે અને તપાસમાં ઝંપલાવ્યું છે.

આગામી તારીખ 31 માર્ચથી IPL ક્રિકેટ લીગની શરૂઆત થતી હોય સટ્ટોડીયાઓ અને બુકીઓ પણ તૈયારીમાં લાગી ગયા છે. એવામાં હવે બુકીઓ પણ ડિજિટલ થયા હોય સમગ્ર બેટિંગનું કારસ્તાન ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી ચલાવતા થયા છે. આ ઓનલાઈન બેટિંગના હજારો કરોડ રૂપિયા આયોજનબદ્ધ રીતે ડમી એકાઉન્ટ ખોલાવી સગેવગે કરી દેવામાં આવતા હોય છે. આ અંગે નવજીવન ન્યૂઝે છેલ્લા 1 વર્ષથી સતત ઈન્વેસ્ટીગેટીવ અહેવાલો રજૂ કરી સરકાર અને પોલીસને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે બેફામ બનેલા બુકીઓ ખુલ્લેઆમ અખબારોમાં જાહેરાત કરી લોકોને જુગાર રમવા પ્રોત્સાહિત કરવા લાગ્યા હતા. ત્યારે હવે સફાળી જાગેલી અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી હજારો કરોડના બેનામી વ્યવહારો કે જે સટ્ટાના છે તેને ઝડપી પાડ્યા હતા. આ વ્યવહારો ઝડપાયા ત્યારે રૂપિયા 1800-2000 કરોડના હોવાનું માનવમાં આવતું હતું. પરંતુ પોલીસ તપાસમાં આ કૌભાંડ રૂપિયા 5 હજાર કરોડનું હોવાનું ખુલ્યું છે.

આ મામલાની જાણ થતા જ ઊંઘમાં સરી પડેલી EDની ટીમ સફાળી જાગી હતી અને આ મામલાની તપાસમાં ઝુંકાવી રહી હોવાના અહેવાલ છે. મહત્વની વાત છે કે અમદાવાદ પી.સી.બી.ની ટીમે આ રેકેટમાં જે આરોપીઓના નામ ખોલ્યા છે તે ઓનલાઈન ગેમ્બલિંગની દુનિયાના મુખ્ય માથાઓ છે. જેમાં મહાદેવ બુક, રાધેબુક, ડાયમન્ડ એક્સચેન્જ, ક્રિશ્ના રેડ્ડી, સી.બી.ટી.એફ. સહિતની વેબસાઈટોના માલિકો અને ઓપરેટરોના નામ સામેલ છે. જો માલિકોના નામની વાત કરવામાં આવે તો મહાદેવ બુકનો સૌરભ, ક્રિશ્ના રેડ્ડીનો અન્ના રેડ્ડી, સી.બી.ટી.એફ.નો અમિત મજીઠીયા સહિતના મોટા માથાઓના નામ આરોપીની યાદીમાં સામેલ છે. માનવામાં આવે છે કે આ તમામ આરોપીઓ વિદેશની ધરતી પર હોય હાલ તે પોલીસ પકડમાં આવે તેવી કોઈ સંભાવના નથી. જ્યારે મહાદેવ બુકનો સૌરભ કે જ છત્તિસગઢ મૂળનો છે તેના વિરૂદ્ધ શરૂઆતના દિવસોમાં જ છત્તિસગઢ પોલીસે ગુનો દાખલ કરી લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરેલી છે.
TAG: Ahmedabad PCB Raid, Ahmedabad Crime News, Online Cricket Betting racket
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








