નવજીવન ન્યૂઝ. આણંદ: આણંદ જિલ્લાના આંકલાવ વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ભાજપના સાંસદ મિતેશ પટેલના એક નિવેદનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. જાહેર મંચ પરથી આપવામાં આવેલા તેમના નિવેદન સામે કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો છે અને તેને આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે. હવે ચૂંટણી પંચ સામે સતત થઈ રહેલા સત્તાધારી પક્ષના પંચ તરીકેના આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ લોકોને સતાવી રહ્યો છે.
માહિતી મુજબ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં મિતેશ પટેલે કહ્યું હતું કે જો જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે, તો તે વિસ્તારમાં વિકાસ માટે ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આ નિવેદન બાદ કોંગ્રેસે તેને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
આ મામલે કોંગ્રેસના ઉપપ્રમુખ વિજય દવેએ ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને સાંસદ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસના મતે, જાહેર મંચ પરથી આવા નિવેદનો લોકશાહી પ્રક્રિયા અને નિષ્પક્ષ ચૂંટણી માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
વિવાદ વધતા મિતેશ પટેલે પોતાની સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસે પણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આવું જ વર્તન કર્યું હતું અને પાંચ વર્ષ સુધી ગ્રાન્ટ ફાળવી નહોતી. તેમણે કહ્યું કે તેમનું નિવેદન તે જ સંદર્ભમાં હતું.
જો કે કોંગ્રેસે આ સ્પષ્ટતા સ્વીકારી નથી અને મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચતા રાજકીય તાપમાન વધુ તેજ બન્યું છે. હવે આ મુદ્દે ચૂંટણી પંચ શું નિર્ણય લે છે તે પર સૌની નજર છે.








