નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથ: ગીરસોમનાથ જિલ્લાના ઉનામાં રહેતી યુવતીની તાજેતરમાં જ સગાઈ થઈ હતી, પરંતુ સગાઈના થોડા જ દિવસો બાદ ભાવિ પતિ આર્મી જવાને યુવતીને મેણાં ટોણાં મારીને સગાઈ તોડી નાખવા માટે મજબૂર કરીને તેને કહેતો હતો કે, “તું કાળી છે મને તું ગમતી નથી. મારે સગાઈ કરવી ન હતી, તું મારી જા નહીં તો હું મારી જાઉં.” આ વાતચીત બાદ યુવતીએ ઝેરી દવા ગટગટાઈ જતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. હાલ સમગ્ર મામલે આર્મી જવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મૃતક યુવતીના ભાઈએ નોંધાવલી ફરિયાદ અનુસાર, ઉનાના દેલવાડા ગામે રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ જેઠવાના પરિવારમાં પતિ-પત્ની ૨ પુત્રો તથા ૧ પુત્રી સાથે રહે છે. જેમાં મૃતક દીકરી સેજલબેનની સગાઈ સિમર ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા ધર્મેશ લાખાભાઈ મેવાડાની સાથે રિતિરિવાજ મુજબ કરવામાં આવી હતી. સગાઈ બાદ આર્મી જવાન મૃતક સેજલને વોટ્સએપ ચેટમાં મેણા ટોણા મારીને મરવા મજબૂર કરતા યુવતીએ ઝેરી દવા પી લેતા યુવતીનું મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ઉનાના દેલવાડા ગામે ખેતી કામ કરતા અને સંયુક્ત પરિવારમાં રહેતા મૃતક સેજલની 7 દિવસ અગાઉ ઉનાના સિમર ગામે તેમની જ જ્ઞાતિમાં સગાઈ થઈ હતી. સગાઈ બાદ આર્મી જવાનની તબિયત ખરાબ હોવાથી યુવતી તથા તેનો ભાઈ ખબર અંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. ત્યારે આર્મી જવાન કહેતો હતો કે, “તું વર્ણમાં શ્યામ છે જેથી તું મને નથી ગમતી, મારે તારી સાથે સગાઈ કરવી ન હતી, તેમજ કા તું મરી જા અથવા હું મરી જાઉં.” સમગ્ર બાબતે યુવતીએ ઘરે પરત ફરીને પરિવારને જાણ કરી હતી. ઉપરાંત આર્મી જવાન તેના મોબાઈલના વોટ્સએપમાં ચેટ કરી મેણા ટોણા મારી મરવા મજબૂર કરતો હતો. જેથી સેજલ દિનેશભાઈ જેઠવા ઉ.૨૧ને વાત લાગી આવતા યુવતીએ બપોરના ૩ વાગ્યાના સમયે ઝેરી દવા પી લેતા યુવતીને પ્રથમ ઉના હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ થઈ જતાં ઉના પોલીસે સિમર ગામના આર્મી જવાન ધર્મેશ લાખાભાઈ મેવાડા વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આભારસહ: ધર્મેશ જેઠવા ઉના
![]() |
![]() |
![]() |